
આ પણે આપણા ઘરમાં જ ભૂલા પડી ગયા છીએ એવું નથી લાગતું ? આપણને રસ્તો જડતો નથી ! ઘરમાં ને ઘરમાં જ અટવાયા કરીએ છીએ અને દિશાશૂન્ય માનસિકતાનો ભાર વેંઢારતા રહીએ છીએ, આફતને અવસર બનાવીને ઉજવવાનો આપણો સ્વભાવ છે. પણ દરેકની એક મર્યાદા હોય છે ! એ મર્યાદા ઓળંગી જવાય છે ત્યારે અવસર પણ આફત બની જતો હોય છે. અવસરની એક મર્યાદા હોય છે એમ આફતની પણ મર્યાદા હોય છે પરંતુ વર્તમાન સમયમાં આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ એ પરિસ્થિતિ અમર્યાદ છે. એની મર્યાદા કોણ નિશ્ચિત કરશે ? મહામારીએ ભારતના દરવાજે દસ્તક દેવા માંડી ત્યારે જ વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાર્તાલાપ કરીને આ મહામારી સામે બંને દેશોની સહિયારી તાકાતથી લડી લેવા અંગે વિચારવિમર્સ થયો હતો ! આજે એ અમેરિકા કોરોના સામે ઘૂંટણીએ પડી ગયું છે.
એમાંથી ઊભા થવાનો માર્ગ તો હજી સૂઝ્યો નથી ને રંગભેદના રમખાણોએ અમેરિકાને ધમરોળવા માંડયું છે. ટ્રમ્પ ઉપરાંત મોદીજીએ બ્રાઝિલના પ્રમુખ જેર બોલસાનારો સાથે પણ વિચારવિમર્સ કર્યો. ઇઝરાયેલ (ઇસ્રાઇલ)ના વડાપ્રધાન બેન્જામિન તેના ન્યાહૂ સાથે પણ ચર્ચા કરી, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે પણ ચર્ચા કરી આમ વિવિધ દેશોના વડાઓ સાથે ચર્ચાવિચારણા પછી લોકડાઉનનો નિર્ણય લીધો. બીજો કોઇ માર્ગ હાથવગો ન હોવાથી લોકડાઉનનું પાલન કરવાનો આદેશ આપ્યો જે દુર્ભાગ્યે સફળ થઇ શક્યો નહિ.
પછી બીજા ત્રીજા અને ચોથા તબક્કા સુધી લોકડાઉનને ખેંચી જવું પડયું છતાં અસરકારક એવું કંઇ હાથ આવ્યું નહિ. અને ચોથા તબક્કે તો પ્રજા પણ ત્રાસી ગઇ હતી ! આ સ્થિતિમાં લોકડાઉન ચાલુ રાખવો કે પાછો ખેંચી લેવો, આ બંનેમાંથી કયો નિર્ણય પ્રજાના હિતમાં હોઇ શકે એ નક્કી કરવું મુશ્કેલ હતું. કેન્દ્ર સરકાર ખુદ અસમ્મજસ સ્થિતિમાં મૂકાઇ જતાં એ અંગેનો નિર્ણય લેવા રાજ્ય સરકારો પર જવાબદારી નાખી દીધી !
૨૦૨૦ની બીજી માર્ચે કોરોનાના પાંચ કેસ હતા. એ પછી બીજી માર્ચથી મે મહિનાની છઠ્ઠી તારીખ સુધીના છાસઠ દિવસમાં પાંચમાંથી પચાસ હજાર જેટલી સંખ્યા થઇ અને એ પછી દરેક તબક્કે આ સંખ્યા વધતી જ ગઇ અને આજે ત્રણ લાખને વટાવી ગઇ છે. લોકડાઉન ઉઠાવી લેતા કોરોના કેસની સંખ્યા ઝડપથી વધવા માંડી છે. બધા જ અખતરા નિષ્ફળ જવા લાગ્યા છે ! ગરીબી, બેકારી અને મંદી તો આપણે વેઠતા જ આવ્યા છીએ.
વર્તમાન પરિસ્થિતિ તો આર્થિક રીતે આપણને તળિયા ઝાટક કરી નાખશે. પાટા પરથી ઉતરી ગયેલી આર્થિક ટ્રેનને ફરી પાટા પર લાવવા સરકાર મથામણ કરી રહી છે. વિવિધ પ્રકારની બચત યોજનામાં રોકાણ કરવા માટે સરકાર પ્રજાને ભલામણ તો કરે છે ને બીજી બાજુ સરકાર વ્યાજદર ઘટાડીને રોકાણકારોને નિરાશ કરે છે ! અર્થશાસ્ત્રના નિષ્ણાતો આપણી પાસે નથી ને હોય તો એને ખપમાં લેવામાં આવતા નથી ! આપણને નિષ્ણાંતની જરૂરિયાત હંમેશા રહી છે. નિષ્ણાંત જોઇએ તો છે પણ તે આપણે કહીએ તે કરે એવો કહ્યાગરો હોવો જોઇએ ! હસવુ અને લોટ ફાકવો એ બંને એક સાથે તો શી રીતે થઇ શકે ? નિષ્ણાંત પાસે આપણાં ધાર્યા મુજબ કામ કરાવવાના આગ્રહને કારણે નિષ્ણાતની સ્પેશિયાલિટી આપણને ખપ લાગતી નથી.
ભારતમાં નિષ્ણાતોની ખોટ નથી ભારતના નિષ્ણાતોએ વિદેશોમાં ડંકો બોલાવી દીધો છે. ભારતીય નિષ્ણાત બીરાજમાન સુંદર પીછાઇ ગુગલના સીઇઓના હોદ્દા પર બેઠા છે. આપણે એમને એ સ્થાન ના આપી શક્યા અને સુંદર પીછાઇએ ગુગલને કયાંથી કયાં પહોંચાડી દીધું! આપણે એમની પાસેથી એ લાભ ના લઇ શક્યા! એ જ રીતે માઇક્રો સોફ્ટના સીઇઓ સત્ય નડેલા પણ ભારતીય કૂળના છે. પણ એમની સ્પેશ્યાલિટીનો લાભ આપણને પ્રાપ્ત થઇ શક્યો નહિ. આવાજ ભારતીય નિષ્ણાતો છે! ઇન્ટેલના વાઇસ પ્રેસીડેન્ટ મનીષા પંડયાથી માંડીને અમેરિકાની ટોચની કંપનીઓ અને નાસામાં પણ નીચેથી ઉપર સુધી ભારતીય મૂળનાં નિષ્ણાતો છવાયેલા છે.
૧૯૭૫ પછીના દાયકામાં હોનહાર રીસર્ચ સ્કોલર વૈજ્ઞાાનિક ખુરાનાને પ્રેક્ટિકલ વર્ક માટે સિનિયર વૈજ્ઞાાનિકોએ ટેબલ જ ના આપ્યું! કોઇ ખાલી ટેબલ થતું તો ત્યાં જઇને ખુરાના પોતાનું કાર્ય કરતાં. થોડું કાર્ય કર્યું ના કર્યુું અને એ ટેબલ પર કાયમી બેસનાર આવીને ખુરાનાને ઉઠાડી મૂકતા અને ખુરાના કયારે કોનું ટેબલ ખાલી થાય એની રાહ જોઇને ખૂણે પડેલા સ્ટૂલ પર બેસી રહેતા! આવી અવગણના કોઇ કયાં સુધી સહન કરે? છેવટે ખુરાના અમેરિકા ચાલ્યા ગયા અને ત્યાં જતામાં જ એમને તક મળી જાય છે. એ ખુરાનાને જ્યારે અમેરિકા એવોર્ડથી નવાઝે છે ત્યારે આપણા અખબારોએ ખુરાના ભારતીય મૂળના હોવાનાં ઉલ્લેખ સાથે ગર્વ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ ભારતીય મૂળના વૈજ્ઞાાનિકને મૂળસોતા ઉખેડી નાખવાની આપણી ગુસ્તાખીનો ઉલ્લેખ થતો નથી! સમાનવ અવકાશયાનમાં કલ્પના ચાવલા સફર પર નીકળી ત્યારે પણ કલ્પના ચાવલા ભારતીય હોવાનું કહીને આપણે સૌ નાચ્યા હતા પણ ખરેખર તો કલ્પના ચાવલા અમેરિકન નાગરિક કહેવાય.
એની પાસે ભારતીય નાગરિકતા નથી! જયાં સુધી આપણી પાસે હોય છે ત્યાં સુધી એને સાચવી શકતા નથી. આપણને આપણાથી વધુ બૌધ્ધિક માણસ ખપતો નથી! બીલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, ઝકરબર્ગ અને ઉબેરનો સ્થાપક કલાનિક વિગેેરે વિશ્વને એકવિસમી સદીમાં આગળ લઇ જનાર લોકો પાસે ડિગ્રી કે માસ્ટર ડિગ્રી નથી. પણ એ બૂડથલ નહોતા, જિનિયસ હતા અને છે! એમની પાસે નિષ્ણાતોને ઓળખવાની દ્રષ્ટિ છે અને એમની સ્પેશ્યાલિટીનો લાભ લેવાની આવડત છે. આપણે બુડથલ લોકોની બુધ્ધિનો લાભ લેવાની અપેક્ષા રાખીએ છીએ.
આપણે ત્યાં ધર્મશાસ્ત્રીઓ છે એટલા સમાજશાસ્ત્રીઓ નથી! ધર્મશાસ્ત્રીઓનું જેટલું માન જળવાય છે એટલું સમાજશાસ્ત્રીઓનું માન જળવાતું નથી. આપણે વાતે વાતે ધર્મને વચ્ચે લાવી દઇએ છીએ.!ધાર્મિક વિવાદમાં લાખોની સંખ્યામાં લોકો કુદી પડે છે. પરંતુ અર્થતંત્રને પુન: બેઠું કરવા તંદુરસ્ત વિચાર વિમર્સ માટે સમય પણ નથી અને સમજ પણ નથી! સમાજના ઉધ્ધાર માટે આપણી પાસે પ્રખર પંડિતો છે. મોલવીમુલ્લાઓ છે.
સાધુસંતો છે ને એમના પ્રતાપે મંદિરો અને મસ્જિદોનું નિર્માણ કાર્ય ધમધોકાર ચાલે છે. દેશમાં કોઇ પણ એવું ગામ તમને જોવા નહિ મળે કે જયાં ધર્મસ્થાન ન હોય પણ એ સામે એક હજાર ગામ ખુંદી વળો પછી તમને એકાદ કોલેજ કે એકાદ સાર્વજનિક હોસ્પિટલ જોવા મળે! દીકરાને ફલાણી સ્કુલમાં અથવા કોલેજમાં એડમિસન મળે, દીકરો સારા માર્કે પાસ થાય એ માટે એના શિક્ષણ પર ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ પણ બાધાઓ મન્નતો રાખવાનું ચૂકતા નથી! કોરોના જેવી મહામારીથી બચી જવા માટેના ઉપાયો શોધવાનું ચૂકી જઈએ છીએ પણ બાધા રાખવાનું ચુકતા નથી. ગળામાં તાવિજ કે માદળિયુ બાંધી દો તો દરેક પ્રકારના ભયમાંથી એ મુક્ત થઈ જતો હોય છે.
આ બધા આસ્થાગ્રસ્ત લોકોનો ચૂંટણીમાં પૂરેપૂરો લાભ લેવા માટે રાજકારણે પણ સાધુ સંતોને મેદાનમાં ઉતારી દીધા છે. ભારતમાતાની જય બોલાવી કે ન બોલાવી ના વિવાદમાં પ્રજાને સંડોવી રાખવાની રાજકીય નીતિ છે. પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલબહાદૂર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી લઈને નરસિમ્હારાવ સુધીના અગ્રણીઓએ વકતવ્યના અંતે જયહિન્દ બોલવાની પ્રથા જાળવી રાખી હતી! એ પ્રથા કોંગ્રેસની હોવાના કારણે જ એમાં બદલાવ લાવનારને ખ્યાલ હોવો જોઈએ કે કોંગ્રેસને હરાવીને સત્તા પર આવનાર જનતા મોર્ચા પાર્ટીના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ પણ વકતવ્યના અંતે જયહિન્દ બોલતા હતા. અને ઘણીવાર ભાજપના અગ્રણી અને માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને પણ જયહિન્દ બોલતાં સાંભળ્યા છે. વિનોબા ભાવે પોતાના વકતવ્યના અંતે જય જગત બોલતા હતા.'
ભારત સર્વધર્મી દેશ છે. ભારતની પ્રજા વિવિધ ધર્મોનું પાલન કરે છે. દરેકને એનો ધર્મ મુબારક ! દરેકને એની આસ્થા મુબારક !
પરંતુ દેશના સર્વાંગી વિકાસ માટે આ બધામાંથી બહાર આવવું જરૂરી છે. દેશના વિકાસ કાર્યોથી કોઈ ધર્મને આંચ આવતી નથી. દેશ જે વર્તમાન સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ જોતા કોઈપણ પ્રકારનો ધાર્મિક વિવાદ આપણને પરવડે તેમ નથી ! આફતને અવસર બનાવીને ઉજવવાની નીતિ આપણી હામ અને હિંમતને ટકાવી રાખવા માટે જરૂરી છે પરંતુ એ ઉજવણી ખર્ચાળ ન હોવી જોઈએ. કોઈના સ્વાગત માટે કરોડો રૂપિયા ખર્ચી નાખવા એ બેફામ ઉડાઉપણું જ ગણાય ! તમામ પ્રકારના ખર્ચાળ કાર્યક્રમો રોકાય તો એ પણ દેશની સેવા જ ગણાશે. દેશની આઝાદીના પ્રારંભિક વર્ષો સરકાર ક્ષેત્રે દેશના વિકાસ કાર્યો માટે પંચવર્ષી યોજનાઓ ઘડાતી હતી ને એ પ્રમાણે વિકાસના કામો થતા હતા ! જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ યોજનાઓના ચહેરા બદલાતા રહ્યા ! ૧૯૫૧માં ભારતની વસ્તી છત્રીસ કરોડ હતી.
આજે વર્લ્ડ રીસર્ચના આંકડા મુજબ એ વસતી છત્રીસ કરોડમાંથી વધીને એકસો છત્રીસ કરોડ છ લાખે પહોંચી છે. આ વસ્તી વધારો વૈશ્વિક છે. જગતની વસ્તીમાં દર વર્ષે લગભગ આઠ કરોડનો વધારો થાય છે. ૧૯૦૦ની સાલ સુધી સમગ્ર જગતની વસ્તી એકસો પાંસઠ કરોડ હતી. એ પછીના ૧૯૩૦ સુધીના ત્રીસ વર્ષમાં બસો કરોડ થઈ હતી. ૧૯૩૦ થી ૨૦૨૦ સુધીના નેવું વર્ષમાં વસ્તી વધીને સાતસો એંસી થી વધુ હોવાનું નોંધાયું હતું ! નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ ૨૦૩૭ સુધીમાં જગતની વસ્તી નવસો કરોડનો આંક આંબી જશે. ૧૯૫૧માં ભારતની વસ્તી છત્રીસ કરોડ હતી. આજે એકસો છત્રીસ કરોડ છે. આ વસ્તી વધારા પ્રમાણે વ્યવસ્થા કરવી પડશે ને સમયાન્તરે બદલવી પડશે.
ઘોર અંધારામાં પણ ચાલે છે પગ
ટેવ એની જાળવી રાખે છે પગ,
રાતભર ઝાકળને શું વીત્યું હશે,
સાવ લીલા ઘાસ પર દાઝે છે પગ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cTqg8M
ConversionConversion EmoticonEmoticon