સુશાંત સિંહ રાજપૂત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા, જાણો આ ભયાનક રોગ વિશે

મુંબઇ, તા. 14 જૂન 2020, રવિવાર 

બૉલિવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષે આત્મહત્યા કરી લીધી છે. તેમણે મુંબઇ સ્થિત પોતાના ઘરે રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના અવસાનથી સમગ્ર બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઇ ગયો છે. પોલીસ તપાસથી જાણવા મળ્યું છે કે સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનના શિકાર હતા. સુશાંત ક્યા કારણોસર તેઓ ડિપ્રેશનમાં હતા તે વિશે કોઇ માહિતી મળી નથી. 

પોતાની અંતિમ પોસ્ટમાં સુશાંતે પોતાની માતાના નામે એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'અશ્રુઓથી ઝાંખો થતો ભૂતકાળ, અંતહીન સપનાઓમાં કંડારાતુ સ્મિત અને ક્ષણભંગુર જીવન, બંને વચ્ચેની વાતચીત.' સુશાંત જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. 

મનોચિકિત્સક ડૉક્ટરનું કહેવું છે કે ડિપ્રેશનમાં સુસાઇડનો સ્ટેજ ત્યારે જ આવે છે જ્યારે કોઇ વ્યક્તિની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી હોય. કોઇ સેલેબ્રિટીના જીવનમાં કોઇ દુખ ન હોય તે માનવું તદ્દન ખોટું છે. દરેક વ્યક્તિ પહેલા માનવી છે અને ત્યારબાદ ફિલ્મસ્ટાર છે. 

WHOની આ વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં કહ્યુ છે કે ડિપ્રેશન એક કોમન મેન્ટલ ડિસૉર્ડર એટલે કે ગંભીર માનસિક રોગ છે. આ બીમારીમાં વ્યક્તિનું સ્ટ્રેસ મોટાભાગે તેને આત્મહત્યાનું અંતિમ પગલું ભરવા તરફ લઇ જાય છે. રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં લગભગ 26 કરોડ લોકો ડિપ્રેશનની સમસ્યા સામે લડી રહ્યા છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરુષની સરખામણીમાં મહિલાઓ વધારે ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. જો આ ગંભીર બીમારીને યોગ્ય સમયે કાબૂ ન કરવામાં આવે તો લોકો જીવનની ચિંતા કર્યા વગર સુસાઇડ કરી લેતા હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સાઇકોલોજિકલ અને ફાર્માકોલોજિકલ મારફતે ડિપ્રેશનની સારવાર કરી શકાય છે. 

WHOના રિપોર્ટ અનુસાર, ડિપ્રેશનના કારણે દર વર્ષે લગભગ 8,00,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે. 15 થી 29 વર્ષની ઉંમરમાં લોકોની મોત થવામાં ડિપ્રેશન બીજું સૌથી મોટું કારણ છે. વ્યક્તિના ડિપ્રેશનમાં જવા પાછળ કેટલાય કારણો જવાબદાર હોઇ શકે છે. અચાનક બનતી કોઇ પણ ઘટના વ્યક્તિના ડિપ્રેશનનું કારણ બની શકે છે.  

કોઇ અંગત વ્યક્તિનું મૃત્યુ, રિલેશનશિપમાં તણાવ, હૉર્મોન્સમાં બદલાવ, જીવલેણ બીમારી, ઇચ્છા મુજબ પરિણામ ન મળવું, નોકરી અથવા ઋણ ચુકવવાની પરેશાનીઓ, કોઇ ખાસ મિત્ર અથવા સંબંધીનું દૂર થઇ જવું જેવી અંગત ઘટનાઓ એક વ્યક્તિને ડિપ્રેશન તરફ દોરી જવા પ્રર્યાપ્ત છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37xffJk
Previous
Next Post »