આણંદ જિલ્લાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 71.13 પરિણામ : ગયા વર્ષની તુલનાએ 1.10 ટકા વધ્યું


આણંદ, તા.15 જૂન 2020, સોમવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો.-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાનું ગત વર્ષ કરતા ૧.૧૦ ટકા પરિણામ ઉંચુ આવતા ૭૧.૧૩ ટકા પરિણામ જાહેર થયું હતું. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ ગત વર્ષની સરખામણીમાં ૨૧ દિવસ મોડુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એ-૧ ગ્રેડમાં ૩નો વધારો નોંધાતા ૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા હતા જ્યારે એ-૨ ગ્રેડમાં ૧૮ વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાતા ૧૩૭ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં ઉતીર્ણ થયા હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર થતા ઉચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના મુખ પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ સોમવારે ઓનલાઈન પ્રસિધ્ધ કરવામા આવતા વિદ્યાર્થીઓએ ઈન્ટરનેટના માધ્યમથી વેબસાઈટ ઉપર પર્સનલ કોમ્પ્યુટર તેમજ મોબાઈલ દ્વારા પરિણામ અંગે જાણકારી મેળવી હતી. સારા પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આણંદ જિલ્લામાં નોંધાયેલા ૧૦૦૧૦ વિદ્યાર્થીઓ પૈકી ૯૯૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૦૯૨ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા આણંદ જિલ્લાનું ૭૧.૧૩ ટકા પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાં કહીં ખુશી.. કહીં ગમ...ના દ્રશ્યો જોવા મળ્યા હતા. શાળાનું રીઝલ્ટ સારું આવતા જ આચાર્યએ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારના શિક્ષક ગણને અભિનંદન પાઠવ્યા હતા. કેટલાક વિદ્યાર્થી તથા વાલીઓએ પોતાના દિકરા-દીકરી માટે આગળ કઈ લાઈન લેવી તે અંગે સગાસંબંધીઓ તથા મિત્ર વર્તુળ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

ગત વર્ષની સરખામણી ત્રણ ગણાં કેન્દ્રોના પરિણામમાં ઘટાડો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત વર્ષની સરખામણીએ ૧.૧ ટકા વધીને ૭૧.૧૩ ટકા આવ્યું છે. જો કે જિલ્લાના ૧૯ કેન્દ્રૌ પૈકી ૯ કેન્દ્રોના પરિણામમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ-૨૦૧૯માં આણંદ જિલ્લાના ૧૯ કેન્દ્રૌ પૈકી ૩ કેન્દ્રોના જ પરિણામમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષે ૯ કેન્દ્રોના પરિણામમાં ઘટાડો નોંધાતા પરિણામ ઘટવામાં ૬ કેન્દ્રોનો વધારો નોંધાયો છે.

જિલ્લામાં ૧૦૦૧૦ છાત્રો ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયા હતા

માર્ચ-૨૦૨૦માં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૦૦૧૦ નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી ૯૯૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં, ૧૩૭ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં, ૬૯૬ વિદ્યાર્થીઓ બી-૧ ગ્રેડમાં, ૧૮૨૯ વિદ્યાર્થીઓ બી-૨ ગ્રેડમાં, ૨૭૧૩ વિદ્યાર્થીઓ સી-૧ ગ્રેડમાં, ૧૫૫૮ વિદ્યાર્થીઓ સી-૨ ગ્રેડમાં અને ૧૪૮ વિદ્યાર્થીઓ ડી ગ્રેડ તથા ૫ વિદ્યાર્થીઓ ઈ-૧માં મળી કુલ ૭૦૯૨ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે ૨૯૧૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YC1Rzx
Previous
Next Post »