શેઢી નદીના પુલ પર મોડી રાતે પૂળાના ગાંઠા ભરેલું છોટા હાથી નદીમાં ખાબક્યું


નડિયાદ, તા.13 મે 2020, બુધવાર

ખેડા-માતર રોડ ઉપર આવેલ શેઢી નદીના પૂલ ઉપર ગત મોડી રાત્રીએ પૂળાના ગાંઠા ભરેલ છોટા હાથી વાહન નદીમાં ખાબક્યું હતુ. આ બનાવમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ધોળકાના પીસાવાડા ગામેથી પૂળાના ગંઠા ઓવર લોડ ભરીને ગત મોડી રાત્રે એક છોટા હાથી સાઘન ગોધરાના મોરવા હડફ તરફ જતુ હતુ.  આ વાહન ગત્ મોડી રાત્રે માતરથી ખેડા તરફના રસ્તે આવતા શેઢી નદીના પુલ પર પહોંચ્યુ હતું. જ્યાં ડ્રાઇવરને ઝોકું આવી જતા તેને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો . અને વાહન શેઢી નદીના પૂલ પાસે એક દવાખાના તરફના પૂલની રોંગ સાઇડે રેલિંગ અને પિલ્લર તોડીને નદીના પાણીમાં ખાબક્યુ હતુ. 

આ છોટા હાથી વાહન જ્યારે હોસ્પિટલ પાસે પડયું ત્યારે તે જગ્યાએ ચાલુ દિવસોમાં અનેક લોકો બેઠા હોય છે.પરંતુ સદનસીબે અત્યારે લોકડાઉનના કારણે ત્યાં કોઇ વ્યક્તિ બેઠા ન હતા. ઉપરાંત વાહન પણ નદીનાપાણીમાં ઉતરે તે પહેલા જ ડ્રાઇવર ગાડીની બહાર નિકળી જતા મોટી જાનહાનિ ટળી હતી.

નાના વાહનોમાં ઓવરલોડ માલ-સામાન ભરીને હાઇવે ઉપર જીવતા મોત સમાન દોડી રહેલા વાહનો ઉપર અંકુશ લાવવુ જરૃરી હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.સાથે સાથે ખેડા માતર વચ્ચે આવેલી શેઢી નદી ઉપરનો પૂલ વાહનોની સંખ્યા પ્રમાણે ખુબ જ સાંકડો છે. અત્યારે રેલ્વે પ્રોજેકટ માટે માટી લઇ જતા ડમ્ફરની અવર જવર મોટી સંખ્યામાં હોય છે. આથી સ્થાનિક નાના વાહનો અને પગપાળા  જતા નાગરિકો સતત ભયના ઓથા હેઠળ જ આ રસ્તે અવર જવર કરે છે.અગાઉ આ પૂલ ઉપરથી ડમ્ફર અને અન્ય વાહનો નદીમાં ખાબક્યા હોવાના બનાવો બન્યા છે. આ અંગે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા ખેડા-માતર રોડ પહોળો કરીને શેઢી નદી ઉપરનો પૂલ ઉંચો અને પહોળો કરવામાં આવે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fNJLCo
Previous
Next Post »