'મરેંગે તો વહીં જાકર જહાં પર જિંદગી હૈ'

વિવિધા - ભવેન કચ્છી

હિજરતી શ્રમિકો માટે  ગુલઝાર સાહેબે કવિતા લખી  :  દાદ માટે નહીં દર્દની પીડામાંથી છૂટકારો મેળવવા માટે થયેલું અવતરણ

સર્જકોએ સમજવું જોઈએ કે દરેક વખતે 'વાહ' ઝીલવા માટે  નહીં 'આહ'નો આંતર્નાદ પણ જાગવો જોઈએ

ભગ્નહૃદયી શ્રમિકો કહે છે શહેરમાં તો અમારી ઓળખ માણસ નહીં પણ મજૂર હતી .. .. વતનમાં જ અમારા અસ્તિત્વનું આંગણું છે ..

મહામારી લગી થી

'મહામારી લગી થી ઘરો કો ભાગ લિયે થે સભી મજદૂર, કારીગર.

મશીને બંદ હોને લગ ગયી થી શહર કી સારી ઉન્હી સે હાથ પાંવ

ચલતે રહેતે થે વર્ના જિંદગી તો ગાંવ હી મેં તો બો કે આયે થે.

વો એકડ ઔર દો એકડ જમીં,ઔર પાંચ એકડ કટાઈ ઔર બુઆઇ

સબ વહીં તો થી. જ્વારી, ધાન, મક્કી, બાજરે સબ.

વો બટવારે, ચચેરે ઔર મમેરે ભાઈઓ સે ફસાદ નાલે પે, પરનાલો પે

ઝગડે લઠૈત અપને, કભી ઉનકે.

વો નાની ,દાદી ઔર દાદૂ કે મુકદ્દમે.

સગાઇ, શાદિયાં,ખલિયાન, સૂખા, બાઢ, હર બાર આસમાં બરસે ન બરસે.

મરેંગે તો વહીં જા કર જહાં પર ઝીંદગી હૈ. યહાં તો જિસ્મ લા કર પ્લગ લગાયે થે!

નીકાલે પ્લગ સભીને,'ચલો અબ ઘર ચલે'-- ઔર ચલ દિયે સબ,

મરેંગે તો વહીં જા કર જહાં પર જિંદગી હૈ.'

***

ગીતકાર અને કવિ ગુલઝારે તેમના ફેસબુક પેજ પર બે દિવસ પહેલા ઉપરોક્ત કવિતા મૂકી છે અને તેનું તેમના આગવા અંદાજમાં પઠન પણ કર્યું છે. ગુલઝાર સાહેબની કવિતા એટલે ભારોભાર સંવેદના તો હોવાની જ પણ તેમની પ્રત્યેક કવિતામાં  એક ચોટ કહો કે પીડા તે પણ જિંદગીના તત્ત્વ જ્ઞાાનની જેમ  ઉભરી આવતી હોય છે. ગુલઝાર જેવા કવિઓ તેમના સર્જક હોવાનું સાર્થક કરે છે કેમ કે કવિ કે લેખકે  આકાશી કલ્પના, પ્રકૃતિ, શૃંગાર રસ અને ભગવદ્ ગીતાના અધ્યાયો અને ગાંધી, સરદાર પટેલની રેકોર્ડ પર ચોંટી ગયેલી પીનમાંથી બહાર આવીને પીડિતોની કાયામાં પ્રવેશ કરીને પીડાનો તેમના માંહ્યલામાં પ્રવેશ કરાવવાનો હોય છે અને પછી પેનમાં શાહી નહીં અશ્રુ ભરાઈ જાય તે કાગળ પર ટપકાવવાના હોય છે. દરેક વખતે સર્જન શ્રોતાઓની 'વાહ' ઝીલવા માટે નહીં પણ 'આહ'નો આંતર્નાદ પણ હોઈ જ શકે. સાચો સર્જક કોરોનાના કવચમાં કોશાતા વિશ્વ અંગે વિચારી  હૃદયના એક ખૂણે સતત ગમગીની અને અજંપો અનુભવતો હોવો જોઈએ. તેની સામે  મધ્યમ વર્ગ, ગરીબો, શ્રમિકો અને બેકાર બની જનારાઓના વિવશ  ચહેરાઓ ડોકાતા હોવા જોઈએ. રાત્રે પડખા બદલ્યા પછી માંડ ઊંઘ આશરો આપે  તેવી ભલે રોજ  અનુભૂતિ ન થાય પણ અમુક સમયે તો આવા વિચારોથી છળી ઉઠાતું હોય. સર્જક કે પત્રકાર જો આવી મનોવેદના નહીં અનુભવે તો કોણ આ વિષમ પરિસ્થિતિને વાચા આપશે. શ્રમિકો જે રીતે તેમના વતનમાં સેંકડો કિલોમીટર ચાલીને હિજરત કરવા નીકળી પડયા છે, રસ્તામાં પોલીસનો માર ખાય, તેડેલા બાળકો માટે પાણીની બુંદ ન હોય, પોતાના માટે રોટલો કે રાષ્ટ્રીય માર્ગ પર પોરો ખાવા ઓટલો ન હોય.જે ટ્રક રસ્તા વચ્ચે મળે તેમાં તેઓ ઘેટા -બકરાની જેમ ખડકાઈ જાય છે. આવી ટ્રકના અકસ્માત થાય કે પછી થાકીને  લગભગ બેહોશ બની રેલ ટ્રેક પર સુઈ ગયા હોય અને તેઓ પર ઊંઘમાં જ ટ્રેન ફરી વળે ત્યારે ગુલઝાર સાહેબ જેવા એમ ન કહે કે 'બોસ, મેં હિજરત કરતા શ્રમિકો પર એક જોરદાર  કવિતા લખી છે જે સાંભળી તમારું દિલ બાગ બાગ થઇ જશે.' દાદ માટે નહીં ગુલઝાર સાહેબનું દર્દ જ એવું અકળાવનારું હશે કે કવિતા ન ટપકાવે તો તે પ્રસુતીની પીડામાંથી છુટકારો ન મેળવી શકે. બસ એક અવતરણ થઇ જાય તે જ સર્જન ચિરંજીવ બની જતું હોય છે.

બીજા વિશ્વ યુધ્ધમાં બંકરોમાં છુપાઈને જે કાવ્ય સર્જન થયું છે તે અમર છે. કાવ્ય જ શું કામ એક બાળકી એન્ના ફ્રેન્કે હિટલરના નાઝી સૈન્યથી બચવા જે ઘરમાં  આશ્રય મેળવ્યો હતો તેના ભંડકિયામાં  છુપાતા રહીને જે ટપકાવ્યુ હતું  તેની ડાયરી માનવ જગત માટે  દીવાદાંડી સમાન બેજોડ મનાય છે. નહેરુએ જેલમાં બેઠા પુત્રી ઇન્દિરા ગાંધીને ભારત કેવો અણમોલ દેશ છે તેની પ્રતીતિ કરાવવા જે પત્રો લખ્યા તે 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા- ભારત એક ખોજ' તરીકે અદ્ભુત ભારત દર્શન છે. રામાયણ ,મહાભારત જેવી ટીવી શ્રેણીની જેમ દુરદર્શન પર શ્યામ બેનેગલે બનાવેલી આ શ્રેણી પણ રીપીટ કરી શકાય. આદ્ય કવિ નરસિંહ મહેતાની કૃતિઓમાં તો તત્વ જ્ઞાાન અને આધુનિક વિજ્ઞાાનનું સંયોજન જોવા મળે છે. પ્રાચીન કવિઓ ક્યારેય પોતે સભાનપૂર્વકના કવિ હતા જ નહીં. તેમના નિજાનંદ માટે કે ભાવસમાધિમાં આવી જઈને ગીત કાવ્યમાં ડૂબી જાય અને કોઈ પિપાસુ તેને કલમથી પર્ણ કે પત્ર પર ટપકાવી લે. ભજનો પણ સહજ ભક્તિથી ઝીલાઈને બન્યા છે.  મેઘાણીનું સર્જન કવિ બનવાની પ્રક્રિયાના ભાગ રૃપે નહોતું પણ તેમની દેશભક્તિની નીપજ હતું. આજકાલના સર્જકો આ ઉંચાઈએ ન જઈ શકે તે ક્ષમ્ય છે પણ તેઓ તેમના વિચાર, ચિંતન અને પ્રક્રિયાને દિશા તો આપી જ શકે. મુશાયરા અને  પોશ કલબના સભ્યોને નજરમાં રાખીને ભૂરકી છાંટવા માટેના પૂર્વઆયોજન સાથે અને શ્રોતાઓની ટીકીટના પૈસા વસુલ કરી આપી બીજા શો મેળવવા માટે સર્જકો તેમની રજૂઆત કરે તો જે વંચિતો છે, પીડિતો છે, સમાજના મુખ્ય પ્રવાહમાં જેઓને સ્થાન નથી, જેઓ આજે પણ ગરીબી છતાં ખુમારી સાથે જીવે છે,પાણીના એક ઘડા માટે એક કિલોમીટર ચાલે છે તેમના માટે કોણ અને ક્યારે સર્જન કરશે. આજે પણ આધુનિક જગતના પડકારો ઝીલતી ચારણ કન્યાઓ જેવી મહિલાઓ છે જ. રાજાને તારી ધરતી જ પ્યાસી છે શેરડીનો રસ ક્યાંથી નીકળે તેમ કહેનાર વામાઓ પણ છે. 'આંધળી માનાં કાગળ' જેવી સ્થિતિ ભોગવતી માતાઓ છે જ. ભારતની સરહદ પર બારેમાસ માયનસ ડીગ્રીમાં ચોકી પહેરો કરતી ભારતીય સેના અને શહીદો માટે કોઈ '..લાગ્યો કસુંબીનો રંગ' સર્જન કેમ નથી થતું.

લોક ડાઉનમાં આપણે જોયું કે લોક ડાયરા, સુગમ સંગીત કે કવિ-લેખકની કૃતિનો આસ્વાદ -વાચિકમ બધામાં વીતેલા યુગના સર્જકો જ છવાયેલા રહ્યા. છેલ્લે કઈ નહીં તો રામાયણ, ભગવદ ગીતા, ગાંધીજી અને સરદાર પટેલ .. બસ આ જ ચકરડું ચાલે રાખે છે. એનો અર્થ એમ કે નવું કે જે આગળ જતા ચિરંજીવ કે દસ્તાવેજીમાં સ્થાન પામે તેવું જુજ કામ થયું છે. પુસ્તકાલયમાં સ્થાન મળે તેના  કરતા હવે સર્જકોને યુ ટયુબમાં સર્ચ કરીએ તો ચમકી ઉઠવા જોઈએ તે વધુ  આકર્ષે છે. અહીં ગુજરાતી ભાષામાં આવું ચાલે છે તેમ કહેવાનો ઈરાદો નથી. બધી ભાષાઓમાં  આવું જ થતું જાય છે. અત્યારની હિન્દી ફિલ્મોમાં પણ જૂની ફિલ્મોના હિટ ગીત જ લેવા પડે છે. કેમ નવા તે પ્રકારના ગીતો લખાતા નથી તેની ખરેખર તો સાહિત્યકારોએ ભારે ચિંતા સાથે ચર્ચા કરાવી જોઈએ, હા, પ્રત્યેક ભાષામાં જે  સર્જકો તેમના આગવા સ્થાન સાથે આદર ધરાવે છે અથવા તો આગામી દાયકાઓમાં તેમની કૃતિથી યાદ રખાશે તેમાની નાની યાદી બને તો એવું તારણ નીકળે છે કે આ સર્જકો મંચ પર, જાહેરમાં કે સોશિયલ મીડિયામાં છવાઈ જવાની રૃચી નથી રાખતા. ફિલ્મ સ્ટાર અને એકટર વચ્ચેનો ભેદ હોય તે રીતે તેઓનું કામ બોલે છે. પુસ્તક મેળામાં આપણે જોઈશું તો પણ જુના ટાઈટલો નવા રંગ રૃપ સાથે જ  મહત્તમ વેચાય છે.  છેલ્લા વર્ષોમાં આંગળીના ટેરવે ગણાય તેવું ઉત્કૃષ્ઠ નવું સર્જન જોવા મળે છે.

ગુલઝાર સાહેબની જેમ શ્રમિકોની વેદનામાં સહભાગી થઇ તેમનું સર્જન આપવામાં  ઘણા સર્જકો ચુક્યા. હવે ગુલઝારની 'મહામારી લગી થી' કવિતા ઇતિહાસના પાના તરીકે કોરોનાની તવારીખ સાથે જોડાઈ જશે. હિજરત કરી રહેલ શ્રમિક જાણે યાંત્રિક શહેરથી  ભારે છેતરાયો હોય તેવી પીડા સાથે  મનોમન એમ વિચારે છે  કે શહેરમાં તો મારું કોઈ અસ્તિત્વ  જ નહોતું  હું મજુર તરીકે ઓળખાતો હતો. મારું માણસ  અને સામાજિક પ્રાણી તરીકેનું હોવું તે આત્મ સન્માન તો મારા વતનમાં જ હતું. યંત્ર જાણે મારો શ્વાસ હોય અને તે મારો માલિક હોય તેમ યંત્ર અટકે એટલે હું પણ જાણે માણસ તો ઠીક મજુર કરતા પણ તુચ્છ બની જાઉં તેવી તો મારી શહેરમાં હાલત છે. જેવું પણ છે વતન મારું ઘર છે .. તેવું જ્ઞાાન શ્રમિકને થાય છે. તે વિચારે છે કે જે અન્ન દાણા માટે તે તેનું વતન છોડીને શહેર ગયો હતો તે વખતે ભલા વતનમાં અમારું ખેતર અને ધાન્ય હતું જ ને. એક બે એકર જમીન,ખેતી,પાકની લણણી અને  કુદરત સંપત્તિ પણ હતી અને પડકારો પણ હતા. જ્યારે શહેરમાં તેના પોતીકાઓના કરતા પણ સ્વાર્થી જગતે ઉભા કરેલ પડકારો હતા. શ્રમિકની એવી લાગણી પણ છલકાઈ આવે છે કે  કાકા મામાના પુત્રો જોડે બાપ દાદાની જમીનની વહેચણી બાબતના ઝઘડા, કોર્ટ-કચેરી અને બંને પક્ષે લાઠીઓ લઈને વતનમાં દંગલ થતા તે તો જીવનનો હિસ્સો છે. બધે આવું જ હોય. એમાં થોડું વતન છોડી દેવાય. વડીલો અને કુટુંબીઓ આખરે તો વતનમાં જ છે ને. શ્રમિકને તેમના ગામના લગ્નો અને તહેવારોની મજા યાદ આવે છે. શ્રમિક કહે છે કે ભલે ને હું શહેરમાં રોજી માટે આવ્યો પણ મારો આત્મા તો હું મારા વતનની ભૂમિમાં રોપીને આવ્યો છું. શહેરમાં તો હું એક પ્લગની જેમ આવ્યો. મારું જિસ્મ એટલે કે ખોળિયું એક પ્લગ હતું જે મેં હું જાણે મશીન હોઉં તેમ વીજળીના જોડાણમાં લગાવ્યું હતું. હવે આ પ્લગ કાઢીને ફરી વતન ભણી જવા સંકલ્પ કર્યો છે 'ચલો અબ ઘર ચલે.' પ્લગ કાઢતા જ માણસ હોવાનો એહસાસ થાય છે.

જો કે સમગ્ર કવિતાની અલ્ટીમેટ પંક્તિ કે હાર્દ 'મરેંગે તો  વહીં જાકર જહાઁ જિંદગી હૈ.' તેમાં છે. આ શ્રમિકને એ વાસ્તવિકતા પણ ખબર છે કે ભલે વતન તેને પ્રાણ પ્યારું, આત્મ સન્માન સાથે સ્વીકાર કરનારું અને કુટુંબની હુંફ સભર હોય પણ ત્યાં રોજી રોટીથી આગળ તેના પરિવાર અને સંતાનોનું ભવિષ્ય નથી. શહેરમાં તે પરત ક્યારે જઈ શકશે તે અનિશ્ચિત છે અને જયારે ભારે લાચારી અને ભગ્ન હૃદયે શહેરમાં પરત ફરશે  ત્યારે તેના માટે મજુરીનું કામ હશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા ડોકાય છે. આમ હવે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે ભવિષ્યમાં શહેરમાં પરત જાય કે હાલના બેકારી અને શૂન્ય ભાવી સાથેના વતન જાય  તો પણ બંનેમાં તેને મોતનો ભય નજર સામે તરવરે છે. આવે વખતે શ્રમિક કહે છે કે 'જો મરવાનું જ હોય તો પણ હું વતનમાં જઈને મૃત્યુ થાય તે પસંદ કરીશ કેમ કે વતનમાં  જિંદગી છે.' અર્થાર્થ શહેરમાં તો આમ પણ મૃત્યુ પામેલા જેવો અને મજુરની ઓળખ ધરાવતો છું. મૃત્યુ પામેલાનું મૃત્યુ થાય જ્યારે વતનમાં અસ્તિત્વના આંગણામાં ચીરનિંદ્રા  લઇ શકીશ.

ગુલઝાર સાહેબ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે આ વખતે શ્રમિકો શાસકો અને  માલિકો દ્વારા જે રીતે અપમાનિત અને હડધૂત કરીને ભોજન, પાણી, રૃપિયાની મદદ વગર તેમના હાલ પર છોડી દેવાયા છે તેથી તેઓ મૃત્યુ પણ વતનમાં જઈને પામીએ આ ભૂમિ પર નહીં તેવો બંડ કે નિ:સાસો નાંખીને હિજરત કરી  રહ્યા છે. તેઓએ દગો થયો હોય તેવું અનુભવ્યું છે અને કદાચ ફરી શહેરમાં ન પણ આવે. ગુલઝારની નજરે શ્રમિક આ હદે કેમ વિચારે છે તે માટે આપણે પણ કલ્પના દોડાવીએ તો શ્રમીકની મનોસ્થિતિ અને મનોભાવ કળી શકાય તેમ છે.

શહેરીકરણ અને ગામડા છોડી દીવાસ્વપનો લઈને આવેલા યુવાનોના કેવા હાલ થાય છે તેનું હૃદયસ્પર્શી નિરૃપણ કરતી ફિલ્મ 'દિશા' ૧૯૯૦માં રીલીઝ થઇ હતી. સાઈ પરાંજપે નિર્દેશિત અને નાના પાટેકર, ઓમ પૂરી અભિનીત આ ફિલ્મ શ્રમિકોની ગુલઝાર સાહેબની કવિતા કરતા કમ નહોતી. હવે તો આવી પેરલલ ફિલ્મો કદાચ ફિલ્મ ફેસ્ટીવલ માટે બને છે અને થિયેટરમાં જોવા જ નથી મળતી. આશા રાખીએ કે શ્રમિકો માટે આ આફત અવસર પુરવાર થાય તેમ તેઓ માટે નવા કાયદા ઘડાય. દેશભરના શ્રમિકોના નામની નોંધણી તેમજ તેને રોજી આપનારની જવાબદારી નક્કી થાય. શ્રમિકો માટે નાના ઘરો બનાવાય જે તેના કામની કે પ્રોજેક્ટની નજીક હોય. તેઓએ સાઈટ પર લઇ જવા બસની સુવિધા શરુ કરાવી અને તેના પરિવારના ભોજન, આરોગ્ય અને શિક્ષણનું પણ માળખું ગોઠવાય.માલિક-મજૂરનો શબ્દ પ્રયોગ પણ ગુનાને પાત્ર ગણવો જોઈએ. જય જવાન જય કિસાન જય વિજ્ઞાાન પછી હવે જય શ્રમિકનો નારામાં ઉમેરો કરવો જોઈએ.

શ્રમિકને તેની માતૃભૂમિની જેમ કર્મભૂમિમાં પણ જિંદગી દેખાવી જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WLrHkC
Previous
Next Post »