અવિનાશના માનવા કરતાં કેતકી અનેકગણી વધારે ચાલાક હતી


ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિક

પોલીસ ચકરાવે ચડી ગઈ હતી. કોઈ ફિંગરપ્રિન્ટ ના મળી. લૂંટ અને હત્યાનો ક્લિયરકટ કેસ હતો. એ છતાં, આ ડૉક્ટર અહીં કેમ આવ્યો હશે એ સવાલનો જવાબ એમને જડયો નહીં.

'આ જે જવાનું છે.ગેટ રેડી.'  અલકાને સૂચના આપતી વખતે ડૉક્ટર અવિનાશની આંખમાં વાસના સળવળતી હતી. 

ચોવીસ વર્ષની અલકા ફફડતી હતી. એની આ ધ્રૂજારી સાવ સ્વાભાવિક હતી. નાના ત્રણ ભાંડરડાની જવાબદારી નિભાવવા એ નર્સ તરીકે નોકરી કરતી હતી. ગરીબ પરિવારમાં જન્મ આપતી વખતે ઈશ્વરે એના દેહમાં સૌંદર્યનો ખજાનો ઠાલવી દીધો હતો. નોકરી ટકાવી રાખવાની ગરજ હોય એ પરિસ્થિતિમાં ખમતીધર ડૉક્ટર એની સાથે પ્રેમ અને લાગણીનું નાટક કરીને શારીરિક શોષણ શરૃ કરે ત્યારે એ બાપડી શું કરી શકે? 

અગાઉથી નક્કી કરેલી ગોઠવણ અનુસાર અલકા હોસ્પિટલમાંથી બહાર નીકળીને આગળના ચાર રસ્તા પાસે ઊભી રહી. પાંચેક મિનિટ પછી અવિનાશ ત્યાં કાર લઈને આવ્યો અને અલકા એમાં ગોઠવાઈ ગઈ. 

'સર,મને તમારી મિસિસની બીક લાગે છે.' અલકાના અવાજમાં ગભરાટ હતો. 'કેતકીબહેન જ્યારે હોસ્પિટલ પર આવે છે ત્યારે જાણે બધું જાણતા હોય એમ મારી સામે ઝેરીલી નજરે તાકી રહે છે. પકડાઈ જઈશું ત્યારે તમને વાંધો નહીં આવે, પણ હું મરી જઈશ.'

'ડોન્ટ વરી. કોઈ વાંધો નહીં આવે.' એના ખભા પર હાથ મૂકીને ડૉક્ટર અવિનાશે હસીને ખાતરી આપી. 'એ ડાક્ટર છે,પણ એનામાં એટલી ચાલાકી નથી. બંગલામાં જ બનાવી દીધેલું એનું ક્લિનિક સંભાળે છે. તાવ, શરદી અને ડાયેરિયાના રોજ વીસેક પેશન્ટ સંભાળે છે.' બીજી જ સેકન્ડે એના અવાજમાં તિરસ્કાર ઉમેરાયો. 'એકદમ ડિસિપ્લિન્ડ છે. એ લેડી હિટલરના હૃદયમાં પ્રેમ, ઈશ્ક કે રોમાન્સ જેવી કોઈ લાગણી નથી. સાક્ષાત્ પથ્થરની મૂત છે અમારા મેડમ!' એણે હસીને અલકાના ગાલ પર ટપલી મારી. 'એટલે તો ચોરીછૂપીથી તને મળવા માટે તરસતો હોઉં છું.ખાસ આ માટે તો આ મોટી કારનો ખર્ચો કર્યો છે, ડાલગ!'

અવિનાશે કારને જુહાપુરા તરફ લીધી અને આંખ મિચકારીને કહ્યું. 'આ વખતે નવી જગ્યા શોધી છે. વિશાલા સર્કલથી ગ્યાસપુર તરફ જવાના રસ્તે એક પૌરાણિક શિવાલય આવેલું છે. ત્યાં જવાનો રસ્તો સાવ નિર્જન હોય છે.'

રાત્રે આઠ વાગ્યે એ ઉબડખાબડ કાચો રસ્તો સાવ સૂમસામ હતો. કારની હેડલાઈટ સિવાય ચારેબાજુ અંધકાર છવાયેલો હતો.

અચાનક ભયાનક વેગથી એક મોટરસાઈકલ પાછળથી આવીને એમની કારની આગળ એવી રીતે નીકળી ગઈ કે અવિનાશ અને અલકા ચોંકી ઉઠયા. સર્કસના ખેલની જેમ એ બાઈકવાળાએ આખી બાઈક ઘૂમાવીને યુ ટર્ન લીધો અને સીધો જ કારની સામે આવી ગયો. સમયસૂચકતા દાખવીને અવિનાશે પૂરી તાકાતથી બ્રેક મારીને કાર રોકી અને એક ગાળ બબડયો. પેલાનું વર્તન જોઈને ગુસ્સાથી એને ધમકાવવાનું એ વિચારે એ અગાઉ બાઈક સ્ટેન્ડ પર ચડાવીને એ પહેલવાન કારની પાસે આવ્યો.આખો ચહેરો ઢંકાય એ રીતે એણે હેલ્મેટ પહેરી હતી. એના હાથમાં રિવોલ્વર જોઈને અવિનાશ થીજી ગયો.

'બહાર આવ.' જમણા હાથમાં પકડેલી રિવોલ્વરનું નાળચું અવિનાશ સામે તાકીને એણે ડાબા હાથે ચપટી વગાડીને આદેશ આપ્યો. આજ્ઞાાંકિત દર્દીની જેમ ડૉક્ટરે એનો હુકમ માન્યો. પેલાએ ઈશારો કર્યો એટલે અલકા પણ બહાર આવી ગઈ.

'અવાજ બિલકુલ નહીં.' પેલાએ કરડાકીથી કહ્યું. 'પર્સ, મોબાઈલ, વીંટી, ચેઈન-જો ભી હૈ- ફટાફટ દે દે.' અવિનાશે એક પછી એક બધી વસ્તુઓ કારના બોનેટ પર મૂકી.

'તારું પર્સ અને બંગડી..'  પેલાએ અલકા સામે જોઈને ઘાંટો પાડયો એટલે થથરી ગયેલી અલકાએ આજ્ઞાાનું પાલન કર્યું.

'અંદર પૈસા છે એ તારી બેગ બહાર લાવ.' 

આજે જ બૅન્કમાંથી ઉપાડેલા એંશી હજાર રૃપિયા સાથે રાખવા બદલ હવે અવિનાશને પસ્તાવો થતો હતો. એ બેગ અલકાના પગ પાસે મૂકી હતી. એ છતાં હિંમત કરીને એણે પૂછયું. 'કઈ બેગ? તમે માગ્યું એ બધુંય આપી દીધું. આ સિવાય કંઈ નથી.'

ભયાનક ગુસ્સાથી બે ગાળ બોલીને પેલાએ રિવોલ્વર ખિસ્સામાં મૂકી. કમર પર બેલ્ટની જેમ બાંધેલી મોટરસાઈકલની જાડી ચેઈન વીજળીવેગે હવે એના હાથમાં આવી ગઈ હતી. હવામાં વિંઝાયેલી ચેઈન અવિનાશના માથા પર પ્રચંડ વેગથી ઝિંકાઈ. જોરદાર કડાકાનો અવાજ આવ્યો અને એ લથડીને પડયો. અલકાએ ચીસ પાડી એટલે પેલાએ વીંધી નાખે એવી નજરે એની સામે જોયું. એની ડરામણી આંખો જોઈને બીજી ચીસ અલકાના ગળામાં જ અટકી ગઈ. એ ઝડપથી કારમાં ઘૂસી અને અવિનાશની બેગ લાવીને પેલાની સામે ધરી. પણ ત્યાં સુધીમાં નીચે પડેલા અવિનાશ ઉપર પેલો કચકચાવીને ચેઈનના બે-ત્રણ પ્રહાર કરી ચૂક્યો હતો. અલકા નર્સ હતી. અવિનાશના માથામાંથી જે રીતે માંસના લોચા બહાર ધસી આવ્યા હતા એ જોઈને એ ધ્રૂજી ઉઠી. એના હાથમાંથી બેગ ઝૂંટવીને પેલાએ સખ્તાઈથી કહ્યું. 'મોં બંધ રાખજે.  તેં કંઈ જોયું જ નથી. જા ભાગ.'

અવિનાશની દશા જોયા પછી અલકાનું મગજ કામ કરતું અટકી ગયું હતું. 

'ચલ ફૂટ.' ગંદી ગાળ બોલીને એણે લોહીવાળી ચેઈન અલકા સામે ઉગામી. 'મોં ખોલીશ તો મરી જઈશ. ચલ ફૂટ!'

એની ત્રાડ સાંભળીને પાછળ જોયા વગર અલકા ભાગી. વિચારોના આટાપાટામાં અટવાયેલી અલકાના પગ અંધારા રસ્તામાં ઝડપથી દોડતા હતા. અવિનાશના માથાનો લોચો જોઈને એ જીવતો નહીં રહે એ હકીકત અલકા સમજી ચૂકી હતી. હવે પોલીસ પિક્ચરમાં આવશે. પોતે અવિનાશની સાથે હતી એ વાત બહાર આવશે તો પોલીસ પથારી ફેરવી નાખશે અને બદનામી થશે એ લટકામાં. વિશાલા સર્કલ પહોંચીને પહેલી જે રિક્ષા મળી એમાં એ બેસી ગઈ. પોલીસ રિક્ષાવાળાઓની પૂછપરછ કરે તો? એ વિચાર સાથે સીધા ઘેર લઈ જવાને બદલે પાલડી બસસ્ટેન્ડે ઊતરી. સો રૃપિયાની એક નોટ બ્લાઉઝના ખિસ્સામાં હતી એ અત્યારે કામમાં આવી. ત્યાંથી બીજી રિક્ષામાં ઘેર પહોંચી ગઈ.

સવારે દૂધવાળાએ ચીસાચીસ કરી અને એ પછી ત્યાં ભીડ ભેગી થઈ ગઈ અને પોલીસની ટીમ પણ આવી ગઈ. કારની અંદરના પેપર્સ ઉપરથી પોલીસે ઓળખ મેળવી અને ડૉક્ટર કેતકીને જાણ કરી.એ આવી અને પતિની લાશ જોઈને ફસડાઈ પડી.

આ ડોક્ટર અહીં કેમ આવેલા? એમને કોઈની સાથે દુશ્મનાવટ હતી?તમને કોઈના ઉપર શંકા છે? 

પોલીસના પ્રશ્નોના જવાબમાં કેતકીએ નકારમાં માથું ધૂણાવ્યું.'એ તો અજાતશત્રુ હતા. સાત વર્ષના લગ્નજીવનમાં અમારે કોઈ વિખવાદ નથી થયો. કોઈનીયે સાથે એ ઊંચા સાદે બોલ્યા હોય એવું ક્યારેય બન્યું નથી.' એણે યાદ કરીને ઉમેર્યું. 'આજે બૅન્કમાંથી એંશી હજાર રૃપિયા એમણે ઉપાડયા હતા. કદાચ એ પૈસા માટે જ કોઈ ગુંડાએ મારો સંસાર ઉજાડી નાખ્યો.'

પોલીસ ચકરાવે ચડી ગઈ હતી. કોઈ ફિંગરપ્રિન્ટ ના મળી. લૂંટ અને હત્યાનો ક્લિયરકટ કેસ હતો. એ છતાં, આ ડૉક્ટર અહીં કેમ આવ્યો હશે એ સવાલનો જવાબ એમને જડયો નહીં.

આ ઘટના સાતેક વર્ષ અગાઉ બનેલી એટલે એ સમયે તો સીસીટીવીની પણ કોઈ વ્યવસ્થા નહોતી.

હવે અત્યારની વાત.

લોકડાઉનને લીધે ડોક્ટર કેતકીના ક્લિનિકમાં સવારે નવથી બાર ભીડ રહેતી હતી. સાંજે  ઓછા પેશન્ટ આવતા હતા. છેલ્લા પેશન્ટને વિદાય કરીને એણે નિરાંતનો શ્વાસ લીધો ત્યાં જ અનવર અંદર આવ્યો. એને જોઈને કેતકી ભડકી.

એની સામેની ખુરસી પર બેસીને અનવર સીધો જ મુદ્દાની વાત પર આવ્યો. 'મેડમ, તમારા અબ્બાએ અમને ચાલીમાં મકાન અપાવેલું એ અહેસાનથી દબાયેલો હતો એટલે એડવાન્સ વગર તમારું કામ પતાવી આપેલું. પંદર દિવસ પછી પૈસા આપવાનું તમે કહેલું પણ કરમની કઠણાઈને લીધે સીધો સાબરમતી જેલમાં ધકેલાઈ ગયો.પછી પૈસા લેવા ક્યાંથી આવું? એક શેઠના બચ્ચાને ઉઠાવીને અઢી લાખ પડાવેલા એ શેઠની પહોંચ આલા દરજ્જાની હતી એટલે પોલીસે તરત અંદર કરી દીધો અને સાત વર્ષની સજા ફટકારી દીધી. ટૂંકી મુલાકાત તો ઘણી વાર લીધેલી પણ સાબરમતી જેલમાં સળંગ સાત વર્ષ બહુ આકરા પડયા. ફેમિલી પણ પરેશાન છે.' એણે પોતાના ગળા ઉપર હાથ મૂક્યો. 'મા કસમ,જેલમાંથી છૂટીને સીધો જ તમારી પાસે આવ્યો છું. સાત વર્ષ પછી બીબી-બચ્ચાં પાસે જાઉં ત્યારે ખાલી હાથે જવાય?' ચારે બાજુ નજર ફેરવીને એ બોલ્યો. 'ડૉક્ટરને મેં ખતમ કર્યા ને તમારી લોટરી લાગી ગઈ! આ આલીશાન બંગલાથી માંડીને એમની તમામ પ્રોપર્ટી અને વીમાના પૈસા-બધામાં જલસો થઈ ગયો. સાત વર્ષે હિસાબ કરવાનો છે એટલે એ ફેક્ટર પણ ધ્યાનમાં રાખજો,મેડમ!'

પોતાની સમૃધ્ધિનો તાગ મેળવીને અનવરની ચકળવકળ આંખો ચમકતી હતી એ જોઈને કેતકી સભાન બની. 'અનવરભાઈ, એ વખતે કેટલાની વાત થઈ હતી?'

'પાંચ લાખ.' અનવરે આશ્ચર્યથી પૂછયું. 'તમને યાદ નથી? તાજ્જુબ છે!'

'યાદ તો હતું,મોટાભાઈ,પણ ભૂલમાં ઓછી રકમ બોલું તો તમને ખરાબ લાગે.'  

'સાત વર્ષે તો સરકાર પણ પૈસા ડબલ કરી આપે છે, મેડમ! કમ સે કમ દસ લાખનું સેટિંગ કરી આપો. પંદર દિવસ પડછાયાની જેમ એની પાછળ ફરીને તમારા ઉપર કોઈ આંગળી ના ઉઠાવે એટલી ચાલાકીથી કામ પતાવી આપેલું.'

એણે નિરાશાથી માથું ધૂણાવ્યું. 'આ લોકડાઉનમાં ફેમિલીની દશા ગરીબીમેં આટા ગિલા જેવી હશે. બચ્ચાંઓના પેટ ભરવા માટે બીબીએ રિશ્તેદારો પાસેથી ઉધારી કરી હશે.એમને પણ ચૂકવવા પડશે.'

'દસ લાખ તો બહુ મોટી રકમ છે, ભાઈ!' કેતકીએ નકારમાં માથું ધૂણાવ્યું.

અનવર ખુરસીમાં અર્ધો ઊભો થઈ ગયો. 'આ નાઈન્સાફી કહેવાય,મેડમ! પાછળ કારનો નંબર લખીને તમે શેઠનો ફોટો આપેલો એ મારી પાસે પડયો છે. પાર્ટી ઑર્ડર આપે પછી પેમેન્ટનું કામ પતે નહીં ત્યાં સુધી બધા પુરાવા સાચવી રાખવાની આદત છે. તમે ફોન કરેલા એનું રેકોડગ પણ સલામત છે. 

લોહીવાળી ચેઈન પણ માળિયામાં સંતાડેલી છે. ભૂલેચૂકે પણ એ મસાલો પોલીસના હાથમાં આવી જાય તો તમારી શું હાલત થાય? બધી સાહ્યબી ગુમાવીને ચૌદ વર્ષ જેલમાં રહેવાનું ગમશે?' આક્રમકતાથી આટલું બોલીને એણે હળવેથી ઉમેર્યું.'એ તકલીફની તુલનામાં તમારા જેવા કરોડપતિ માટે દસ લાખ તો કંઈ ના કહેવાય.'

આ માણસ હવે રીતસર બ્લેક મેઈલિંગ કરી રહ્યો છે. કેતકીએ વિચાર્યું. બધા પુરાવા સાચવી રાખે એવા ખતરનાક માણસ સાથે બહુ સાવધાનીથી કામ લેવું પડશે. સોનાના ઈંડા મૂકવાવાળી મરઘી સમજીને મને  નિચોવવા માટે એ ફરીથી આવશે અને બીજી માગણી કરશે.

એનો ઈરાદો પારખીને કેતકીના લમણાંની નસો ફાટ ફાટ થતી હતી. એનો ચહેરો જોઈને અનવરે હાથ જોડયા. 'મેડમ, ખિસ્સામાં બસો ત્રીસ રૃપિયા લઈને જેલમાંથી બપોરે બે વાગ્યે છૂટો થયો. બહાર કોઈ રિક્ષા નહીં, ક્યાંય ચાની કીટલી પણ નહીં. ટાંટિયા તોડતો અહીં આવ્યો. સોરી. ભૂખ અને તરસને લીધે મગજ છટક્યું એટલે અનાપશનાપ બબડી ગયો.' એણે કેતકી સામે જોયું. 'તમે કેટલા આપશો એ કહી દો એટલે વાર્તા પૂરી.'

'લોકડાઉનમાં હેરાન થયા હશો એ ખ્યાલ ના આવ્યો એ મારી ભૂલ કહેવાય. પહેલા ચા પીવો એટલે મગજ ઠેકાણે આવે. ત્યાં સુધીમાં હું રકમ વિચારી લઉં.' પોતાના થરમોસમાંથી ચા કાઢીને કેતકીએ એની સામે કપ લંબાવ્યો.

'સાત વર્ષ પછી પહેલી વાર સારી ચા પીવા મળી.' ખાલી કપ ટેબલ પર મૂકતી વખતે અનવર બબડયો. 'આજની તારીખમાં તમે કરોડપતિ અને હું ભિખારી. પૈસા લીધા વગર ઘેર જવાય એવું નથી, મેડમ, સેટિંગ કરો.'

'અનવરભાઈ, દસ લાખ ભૂલી જાવ. સાત આપીશ.' કેતકીએ સખ્તાઈથી કહ્યું. 'અને એ પણ ફૂલ એન્ડ ફાઈનલ. તમારે બીજી વાર નહીં આવવાનું. અન્ડરસ્ટેન્ડ?'

'આઠ લાખ આપો.' અનવરે આગ્રહ કર્યો. 'તમારા માટે તો એ ચણામમરા કહેવાય.'

પોતાની પાસે ખૂબ મોટો દલ્લો છે એનો આ માણસ વારંવાર જે રીતે ઉલ્લેખ કરી રહ્યો હતો એ સાંભળીને કેતકીને ખાતરી થઈ ચૂકી હતી કે એનો ઈરાદો કાયમ નિચોવવાનો જ છે.

'તમારું માન રાખીને સાડા સાત લાખ કરી આપીશ.' મનોમન ગણતરી કરીને કેતકીએ અંતિમ ચુકાદો આપ્યો. 'એ પણ કાલે સવારે બૅન્ક ખૂલે એ પછી. કાલે બાર વાગ્યે બીજા પેશન્ટ હોય તો પણ સીધા મારી પાસે આવજો. તમારી થેલી તૈયાર હશે.ગોડ પ્રોમિસ!'

'ઈન્શાલ્લાહ આવી જઈશ.' એ બબડયો. 'અહીંથી નીકળીને ક્યાંક ફૂટપાથ ઉપર સૂઈ જઈશ. બાર વાગ્યે પૈસા મળે પછી ઘેર જઈશ.'

કેતકી સહાનુભૂતિથી એની સામે તાકી રહી. 'આ લોકડાઉનમાં બહાર કંઈ ખાવાનું નહીં મળે.' એણે સહેજ વિચારીને કહ્યું. 'અત્યારે છ વાગ્યા છે. મારો સ્ટાફ એક જગ્યાએથી જમવાનું મંગાવે છે. ભૂખ્યા સૂવાની ઈચ્છા ના હોય તો બોલો. હું ફોન કરીશ એટલે કલાકેકમાં ફૂડપેકેટ આવી જશે. આજુબાજુમાં ક્યાંક બેસીને કલાક પછી આવો. પેકેટ લઈને જ્યાં જવું હોય ત્યાં જજો.'

'જી.શુક્રિયા.' થેલો લઈને અનવર ઊભો થયો. 'કલાક પછી આવીશ.'

એ ગયો અને માથે હાથ દઈને કેતકી વિચારમાં ડૂબી ગઈ.

સવા કલાક પછી અનવર આવ્યો અને કેતકીએ આપ્યું એ ફૂડપેકેટ લઈને રવાના થઈ ગયો.

બીજા દિવસે એ આવ્યો નહીં. એ નથી જ આવવાનો એની ખાતરી હોવાથી કેતકીએ એની રાહ પણ નહોતી જોઈ!

ત્રીજા દિવસે અખબારમાં એક નાનકડા સમાચાર હતા. ટાઉનહૉલ પાસે ઓવરબ્રીજની નીચેથી પોલીસને એક લાશ મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃત્યુ ઝેરથી થયું છે. એની પાસેના પેપર્સ પરથી જાણવા મળ્યું કે અનવર નામનો આ માણસ જેલમાં સાત વર્ષની સજા ભોગવીને ગઈ કાલે જ છૂટયો હતો. એણે આત્મહત્યા કરી કે ફૂડ પોઈઝનિંગથી એનું મૃત્યુ થયું છે એ જાણવા પોલીસ તપાસ ચાલુ છે. 

એ સમાચાર સામે તાકી રહેલી કેતકીના હોઠ મલક્યા. છિનાળું પકડી પાડયા પછી એમ.ડી.થયેલા પતિદેવ અવિનાશનું પણ ઉઠમણું કરાવી નાખેલું તો પછી બ્લેકમેઈલના અભરખાથી આવેલા અભણ જેવા અનવરની શી વિસાત ? 




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e741Np
Previous
Next Post »