વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
મીરાંની જેમ એક પત્થરની મૂર્તિ જે સ્પર્શ નથી કરતી, પ્રેમ નથી આપતી હૂંફ નથી આપતી એની સાથે આટલી બધી લાગણી જોડી રાખવી શક્ય છે ખરી ?
'હું તમારા સિવાય બીજા પુરુષનો વિચાર કરી શકું તેમ નથી.' એવું કોઈ સ્ત્રી કહે તો પુરુષને ઇગો પેમ્પર થાય. પણ એ સ્ત્રીને મીરાં સિન્ડ્રોમ આ યુગમાં થઇ શકે ખરો?
શ્યા મ ઠાકોરે નવું વેન્ચર શરૃ કર્યું. માર્કેટની ગળાડૂબ સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ હતું. પણ આજના ફરવાના શોખીન લોકોના જમાનામાં વીસા-ટુર્સ- ટ્રાવેલ્સ અને પાસપોર્ટનો ધંધો ધીમે ધીમે આગળ ધપવા લાગ્યો. શરૃઆતમાં તો શ્યામ અને પત્ની રાધાએ ઘેર બેઠાં ટુર્સ-ટ્રાવેલ્સ એજન્સી ચલાવી પણ કારોબાર વધતાં નવી ઓફિસ પણ લીધી. અને ટુરીસ્ટો પર રોબ જમાવવા રીપેપ્શનીસ્ટ કમ કોમ્પ્યુટર આસીસ્ટંટ કમ ઓફીસ મેનેજર તરીકે મીરાં આનંદજીવાલાની નિમણુંક પણ કરી અને ધંધો દસ ગણો ગતિથી દોડવા લાગ્યો. ધીરે ધીરે શ્યામે ટુર્સ ઓરગેનાઇઝ કરવાનું શરૃ કર્યું અને ગુ્રપ ટુર્સ લઇ તે વિદેશ પણ જવા લાગ્યો. મીરા તેનું લોકલ ઓફિસનું બધું જ કામ સંભાળવા લાગી.
સમય જતાં મીરાં શ્યામના ઘરનું અનિવાર્ય અંગ બની ગઈ. રાધાની પણ તે એટલી જ સંભાળ લેવા માંડી. શ્યામના સંતાનોના ઉછેરમાં પણ એટલી જ મદદ કરવા લાગી.
ધંધો વધ્યો, ઓફિસનો સ્ટાફ પણ વધ્યો અને ધીરે ધીરે શ્યામ અને મીરાં ગુ્રપ ટુર્સ લઇ સાથે વિદેશ જવા લાગ્યા. માત્ર ઓફિસ સાચવતી મીરાં ક્યારે શ્યામનું દિલ પણ સાચવતી થઇ ગઈ તેની શ્યામ અને મીરાંને પણ ખબર પણ ન રહી પણ રાધાની નજરોથી તેમનું બદલાતું વલણ છૂપું ન રહ્યું.
ધીરે ધીરે શ્યામ અને રાધા વચ્ચે ખટરાગ શરૃ થયો. અને એક દિવસ શ્યામને રાધાએ જણાવી દીધું કે કાં તો ઓફિસમાં મીરાં નહીં રહે કાં તો ઘરમાં હું નહીં રહું. પણ શ્યામે વાત વણસતી અટકાવવા રાધાની બધી શરતો માની લીધી અને શ્યામ અને મીરાંનો ફોરેન ટુર્સ લઇ જવાનો કે ઓફિસના સમય પછી મળવાનો અવસર સાવ બંધ થઇ ગયો. શ્યામે મીરાંને યોગ્ય પાત્ર શોધી પરણી જવાની સલાહ આપી. અને મીરાંને લાયક મૂરતીયો પણ તે શોધવા લાગ્યો.
પણ મીરાં શ્યામના ગળાડૂબ પ્રેમમાં બહુ આગળ વધી ગઈ હતી. તેણે શ્યામને સ્પષ્ટ કહી દીધું કે હવે તેના જીવનમાં બીજો કોઈ પુરુષ આવે તે શક્ય જ નથી.
શ્યામ જ્યારે મીરાંને પ્રેકટિકલ થવા સમજાવતો ત્યારે મીરાં કહેતી 'કૃષ્ણની મીરાંએ જો પત્થરની મૂરતી સાથે પોતાની સઘળી ઉર્મિઓ વસાવી લાગણીના સબંધો જીવન પર્યંત ચાલુ રાખ્યા તો પછી હું ભલે કળીયુગમાં જન્મી પણ નામ મારૃં પણ મીરાં છે, હું પણ તમને નહી છોડું.'
'પત્થરની એવી એક કૃષ્ણની મૂર્તિ જે ક્યારેક હુંફાળો સ્પર્શ કરતી નથી, જે ક્યારેય પ્રેમનો પ્રતિભાવ આપી શકતી નથી. જેની સાથે વાત કરવી કે જેની વાત સાંભળળી શક્ય નથી એવા નિર્જીવ પ્રેમી અને પતિ સાથે મીરાંએ પોતાની જાત ન્યોછાવર કરી નાંખી તો મારો શ્યામ તો જીવે છે. હું કેમ તેને માટે જીવન ન્યોછાવર ન કરૃં. મારૃં સર્વસ્વ તેના ચરણોમાં કેમ ન સમર્પિત કરૃં ?
કળયુગની મીરાંની વાત તો શરૃઆતમાં ટુર્સ ટ્રાવેલ્સના મેનેજીંગ ડિરેકટર શ્યામને ન સમજાઈ. કોઇ એક વ્યક્તિ બીજી વ્યક્તિને આવી બિનશરતી રીતે આજના જમાનામાં ચાહી શકે એ સમજવું તેને માટે અઘરૃં થઇ ગયું.
એમાં પણ જ્યારે આજના જમાનામાં સંબંધો માત્ર લેવડ-દેવડ પર નભે છે. ત્યારે કૃષ્ણની મીરાં જેવો પ્રેમ શક્ય છે ? મીરાંના પ્રેમને ચકાસવા શ્યામે એની સામે જોવાનું અને ફોન પર વાત કરવાનું પણ બંધ કર્યું. પણ કળીયુગની મીરાંનું શ્યામ માટેનું કમીટમેન્ટ અને પ્રેમની તીવ્રતા વધતાં ગયાં અને શ્યામ જાણે અજાણે રાધા અને મીરાંના પ્રેમની સરખામણી કરવા લાગ્યો.
રાધાને શ્યામની સામે અનેક ફરિયાદો હતી. 'મને સમજતો નથી' 'મને પૂરતો સમય આપતો નથી'. 'મને પૂરતા પૈસા આપતો નથી.' 'મને કોઇ કામમાં મદદ કરાવતો નથી.' 'સંતાનો પ્રત્યે પૂરતું ધ્યાન આપતો નથી.' જ્યારે મીરાંને શ્યામથી કોઇ ફરિયાદ જ નથી. શ્યામ પાસેથી કોઇપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર શ્યામને 'આભ ફાડીને વરસતા વરસાદ' જેવો પ્રેમ કરે છે. મીરાં પ્રેમ નહીં પણ મારી પૂજા કરે છે. મને આરાધ્ય દેવ સમજે છે. 'હવે મારી જિંદગીમાં તમારા સિવાય કોઇ પ્રવેશી શકે એ શક્ય નથી.' એ બધા વિચારોથી શ્યામ મીરાંમય બની ગયો. મીરાંની વાતોએ શ્યામના ઇગોને બહુ પેમ્પર કર્યો. કોઇ એક વ્યક્તિ પોતાની માટે આખી જાત હોમી દેવા તૈયાર છે. એના સિવાય કશું વિચારતી નથી. બદલામાં કંઈ જ માંગતી નથી. જીવનભર આપ્યા જ કરવાની વાતો કરે છે. બસ શ્યામના મેઇલ ઇગોને પોષવા આ બધું પૂરતું હતું. અને શ્યામે મીરાં સાથે જીવનના બાકીના વર્ષો જીવી લેવાનો માસ્ટર પ્લાન બનાવ્યો.
પોતાનો પ્લાન સમજાવતાં શ્યામ ઠાકોરે મીરાં આનંદજીવાલને કહ્યું 'તું ફોરેન જતી રહે' શરૃઆતમાં નોકરી ન મળે ત્યાં સુધી હું તને પૈસા મોકલાવતો રહીશ. આપણા દ્વારા પાસપોર્ટ-વીસા જેને મેળવ્યા છે એવા એક સ્ટુડન્ટ ગૃપમાં સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાની વ્યવસ્થા કરી આપીશ. તને નોકરી મળી જાય ત્યાર પછી હું મારી ટુર્સ અને ટ્રાવેલ્સની ઓફીસ યુ.એસ.એ. શીફ્ટ કરી દઇશ.
મીરાં આનંદજીવાલાને શ્યામ ઠાકોરનો જડબેસલાક પ્લાન પસંદ પડયો. અને તેને ૈંઈન્જી આઇએલટીએસના ક્લાસ જોઇન કર્યા. કીર્તી પટેલ અને તેના ગૃપ્સ સાથે મીરાંને ફાવી ગયું અને એક દિવસ આખું ગુ્રપ ફોરેન ચાલ્યું ગયું.
મીરાં અને શ્યામ વચ્ચે રોજેરોજ વાતચીત થતી. ભવિષ્યનું જીવન જીવવાનું પ્લાનીંગ થતું. એ સાથે શ્યામનો રાધા અને બે બાળકોમાંથી રસ ઉડવા લાગ્યો. રાધા પણ સાવ શુષ્ક અને નીરસ પતિથી કંટાળી ગઈ અને છૂટાછેડાની પીટીશન ફાઇલ કરી બાળકો સાથે તેના સ્કુલના મિત્ર સાથે લીવ-ઇન રીલેશનશીપ્સમાં રહેવા લાગી.
હવે શ્યામ સાવ એકલો પડયો. ઘરની જરૃરિયાત સાચવનાર પત્ની રાધા પણ ગુમાવી અને મેઇલ-ઇગો પેમ્પર કરનાર ચરણોની દાસી મીરાં આનંદજીવાલા ફોરેન ચાલી ગઈ.
મીરાંએ થોડો સમય અભ્યાસ કર્યો. ફોરેનની ડીગ્રી પણ લીધી અને કીર્તી પટેલની મદદથી નોકરીએ પણ લાગી ગઈ.
હવે શ્યામ મીરાંને ફોન કરતો ત્યારે મીરાં પોતાની જોબમાં વ્યસ્ત રહેવાને કારણે તેના ફોન કાપવા લાગી. શ્યામનો મેઇલ ઇગો ભભૂકયો અને તેને મીરાં પર ઓર્ડર કરવાનું શરૃ કર્યું. શ્યામની વાતોમાં હવે મીરાંને પઝેશન, ઇર્ષા અને શંકાઓ લાગવા માંડી અને શ્યામ તેની નજરમાંથી નીચો પડતો ગયો. બંને વચ્ચે ઝઘડા વધ્યા. શ્યામે પૈસા મોકલવાના બંધ કર્યા. પણ મીરાં હવે પગભર થઇ ગઇ હતી. જ્યારે શ્યામની ટુર્સ ટ્રાવેલ્સ કંપની ડૂબવા લાગી હતી.
દગાબાજી, વિરહ અને બધું જ ગુમાવી ચૂકેલો શ્યામ વિસ્ફોટક થયો. ત્યાં એક દિવસ સાન ફ્રાન્સીસ્કોથી કીર્તી પટેલનો ફોન આવ્યો, 'શ્યામ અંકલ મેં અને મીરાંએ મેરેજ કરી દીધાં છે. મીરાંએ તમારા સંબંધોની બધી વાત કહી છે. મને જેવી છે તેવી મીરાં સ્વીકાર્ય છે. તમે પણ હવે રાધા આન્ટી સાથે સમાધાન કરી લો.
શ્યામે કીર્તી પટેલ સાથે ગાળા-ગાળી અને અપશબ્દો બોલવાના શરૃ કર્યા. ત્યારે કીર્તી પટેલે શ્યામ ઠાકોરને કટાક્ષ કરતાં કહ્યું, 'કુલ ડાઉન અંકલ શ્યામ. એક પુરુષ તરીકે તમને અહંકાર રાખવાનો અધિકાર છે. મીરાં આનંદજીવાલા જે ચરણોમાં પોતાનું મસ્તક ઝૂકાવતી રહી હતી એ ચરણો મીરાંના સમર્પણને લાયક છે કે કેમ એનો તમે ક્યારેય વિચાર કર્યો હતો ? અરિસામાં તમારૃં મોઢું એકવાર જોયું હતું ? મીરાં તો ના સમજ હતી. બાલીશ હતી પણ અંકલ તમે પણ...?'
કીર્તી પટેલે ફોન કાપી નાંખ્યો હતો. અને શ્યામ ઠાકોરે ઉંઘની દવાનો વધારે પડતો ડોઝ લઇ આત્મહત્યા કરવાની નિષ્ફળ કોશિષ કરી હતી એટલે કળીયુગના કૃષ્ણ શ્યામ ઠાકોરને તાત્કાલિક સારવાર માટે દાખલ કરાયા હતા. તેમની મનોચિકીત્સા શરૃ થઈ. બરબાદીની દાસ્તાન તેમને મને અક્ષરશ: સંભળાવી પણ હવે શ્યામ ઠાકોરે મીરાં આનંદજીવાલા, મીરાં પટેલ થઇ ચૂકી છે. તે સ્વીકાર્યા સિવાય છૂટકો ન હતો. રાધા સાથેના ડાયવોર્સ પણ થઇ ચૂકયા હતા.
ન્યુરોગ્રાફ
મીરાંએ પોતાની ભક્તિ અને પ્રેમ રેડી દીધાં એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. તેમની પથ્થરની મૂર્તિ હતી. મીરાંને શ્રી કૃષ્ણનું ઓબસેશન હતું કે પછી તેની સ્કીઝોફ્રેનીક વિચારધારા હતી એ વિશે તો ટીપ્પણી શક્ય નથી. પણ હવે પછી બીજી મીરાં પાકશે એ ભ્રમમાં કોઇ પુરુષે ક્યારેય ન રહેવું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LFJi7k
ConversionConversion EmoticonEmoticon