નડિયાદ,તા. 21 મે 2020, ગુરુવાર
ખેડા જિલ્લામાં આજે વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક પંચાવન પર પહોંચ્યો છે, અને કોરોનાને કારણે થયેલ મૃત્યુ આંક જિલ્લામાં પાંચ થયો છે. ગત્ ૧૨મીએ કોરોના પોઝીટીવ આવેલ મહેમદાવાદની એક વૃદ્ધા, અને નડિયાદના બે કોરોના પોઝીટીવ આવેલ દિકરાના પિતાનો કોરોના રીપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું છે. ઉપરાંત આજે સવારે ખેડા તાલુકાના રઢુ ગામના ખાનગી ડૉકટરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને રઢુના જ અન્ય એક કોરોના પોઝીટીવ દર્દીનું આજે મોત થયું છે.
ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર અવિરત્ જારી રહ્યો છે. જિલ્લામાં દરરોજ કોરોના પોઝીટીવના કેસ વધતા રહ્યા છે. તેમાંય કણજરીના તબલીગી સમાજથી સંક્રમિત થયેલા તથા ધોળકા પાસેની કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીમાંથી સંક્રમિત થયેલા દર્દીઓનો વધારો રોજેરોજ થતો જ રહે છે.
આથી ખેડા જિલ્લો જોતજોતામાં ઓરેન્જ ઝોનમાંથી રેડઝોનમાં ફેરવાઇ જાય તેવી વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે. ગત્ મોડી રાત્રે બે કોરોના દર્દીઓના મોત થયા બાદ આજે બપોરે પણ વધુ એક કોરોના દર્દીનું મોત થતા જિલ્લાનું આરોગ્ય અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.
ખેડા જિલ્લાના ત્રણ દર્દીઓના આજે કોરોનામાં મોત થયા છે. જે પૈકી ગત્ મોડી રાત્રે બે દર્દીઓના મોત નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં થયા છે. જ્યારે આજે બપોરે થયેલ એક મોત અમદાવાદની કિડની હોસ્પિટલમાં થયેલ છે. જેને ત્રણ દિવસ પહેલાં જ નડિયાદથી અમદાવાદ વધુ ટ્રીટમેન્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ત્રણેય અવસાન પામનાર દર્દીઓ વયોવૃદ્ધ હતા અને અન્ય મોટી બિમારીઓથી પિડાતા હતા તેમ જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
મહેમદાવાદ શહેરના આશીયાના પાર્ક સોસાયટીમાં રહેતા હનીફાબેન ઇસ્માઇલભાઇ વ્હોરા ઉં.૭૧ને ગત્ તા.૧૧-૫-૨૦૨૦ ના રોજ છાતીમાં ગભરામણ થઇ હતી. જેથી તેઓને તા.૧૨મી મે ના રોજ બપોરે૧૨ઃ૦૦ કલાકે નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને જ્યા ંસુધી તેમનો કોરોનાનો રીપોર્ટ ન આવે ત્યા સુધી હનીફાબેનને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આઇસોલેટ કરાયા હતા. ગત મોડી રાત્રે શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. તેમના મૃતદેહને મહેમદાવાદ લઇ જઇ રાત્રે જ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
આ ઉપરાંત નડિયાદ શહેરના પીજ રોડ પર આવેલ ગીતાંજલી ચોકડી પાસેની રાઘાકુંજ સોસાયટીમાં રહેતા રસિકભાઇ પ્રજાપતિનું કોરોનાની બિમારીના કારણે ગત રોજ મોડી રાત્રે મૃત્યુ નિપજયું છે.રસિકભાઇના બંને દિકરાઓ દક્ષેશભાઇ ,ઉં.૪૦ અને ગૌરાંગભાઇ,ઉં.૪૨ધોળકા પાસેની કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં કામ કરે છે.
જેમનેગત્ તા.૧૬-૫-૨૦ ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેથી પરિવારના ૬ સભ્યોને કવારન્ટાઇન કર્યા હતા.જે પૈકી તા.૧૭ મે ના રોજ તેમના પિતા રસિકભાઇ પ્રજાપતિનુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.જો કે રસિકભાઇને બ્લડપ્રેશર તથા ડાયાબીટીસની બિમારી હતી અને શ્વાસની પણ ખૂબ તકલીફ હતી.
આથી તેમને શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું ગત મોડી રાત્રે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.જો કે રસિકભાઇ પ્રજાપતિનો કોરોના રીપોર્ટ આજે સવારે તેમના મૃત્યુ બાદ પોઝીટીવ આવ્યો હતો.ગત્ રાત્રે જ તેમના અંતિમ સંસ્કાર માટે તેમનો મૃતદેહ હોસ્પિટલથી સીધો જ નડિયાદના મુખ્ય સ્મશાનગૃહમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ગણતરીના પરિવારજનોની ઉપસ્થિતિમાં ગેસ ચેમ્બરમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
આ જ રીતે જિલ્લામાં ત્રીજા કોરોના દર્દીનું મોત પણ આજે થયું છે.
કોરોનાને કારણે જિલ્લામાં ચાર દર્દીઓના મૃત્યુ નિપજયા છે.ખેડા તાલુકાના રઢુ ગામે રહેતા ૩૮ વર્ષીય રીપલ સુરેશભાઇ કા.પટેલનો તા.૧૫ મે ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો હતો.જેથી તેમને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓનો કોરોના રીપોર્ટ લેવામાં આવ્યો હતો.આ બાદ રીપલભાઇના પરિવારના આઠ સભ્યોમાંથી ત્રણ સભ્યોને નડિયાદ સરકારી કવારન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા હતા.
જેમાં તા.૧૬ મે ના રોજ રિપલભાઇના સંપર્કમાં આવતા જ્યોત્સાનાબેન કા.પટેલ ઉં.૬૦ અને સુરેશભાઇ કા.પટેલ ઉં.૬૫નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તેઆનેે શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલ સારવાર હેઠળ છે.સુરેશભાઇ કા.પટેલને ડાયાબિટીસ અને કિડનીની બિમારી હતી.તેમનો ડાયાબિટીસ વધી જતા તેમને તાત્કાલિક ડાયાલીસીસની ટ્રીટમેન્ટની જરુરિયાત ઉભી થઇ હતી. આથી તેમને ગત્ ૧૭મી તારીખે અમદાવાદની કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનુ આજે બપોરે મૃત્યુ નિપજયુ છે.
રઢુના ડૉક્ટરે 10 દિવસમાં 250 લોકોને સારવાર આપેલી
ખેડા તાલુકાના રઢુ ગામની સંતરામ રોડ, ધોબી ચકલા પાસે રહેતા અને ગામમાં ખાનગી પ્રેકટીસ કરતા ૫૬ વર્ષિય ડૉ.પ્રફુલભાઇ એન.કાછીયા પટેલને કોરોના પોઝીટીવ જાહેર થયો છે.જેથી રઢુની આજુબાજુના ગામ તેમજ રસીકપુરાના સરપંચ દ્વારા ડૉકટરનો સંપર્ક કરતા તેઓએ છેલ્લા દશ દિવસમાં અંદાજીત ૨૫૦ લોકોને સારવાર આપી હોવાનું જણાવ્યું છે.
જેથી રસીકપુરાના સરપંચ મુકેશભાઇએ સોશીયલ મિડીયા અને જાહેરાત કરીને ગ્રામજનોને જણાવ્યુ છે કે કોઇ પણ નાગરિકે તાજેતરમાં રઢુના ડૉકટર પ્રફુલભાઇ પાસે દવા લીધી હોય તેવા ગ્રામજનો એ તાત્કાલિક સરપંચ અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. જ્યાં હકીકત જણાવી તેમના આરોગ્યની તપાસ કરાવવી જરૂરી હોવાનુ જણાવ્યુ છે.આ બનાવની જાણ માતર વિદ્યાનસભાના ઘારાસભ્ય કેસરીસિંહ સોલંકીને થતા તેઓ આ વિસ્તારમાં આવી પહોંચ્યાં હતા.તથા છેલ્લા ચાર-પાંચ દિવસમાં આ વિસ્તારના પ્રજાજનો પૈકી આ દવાખાને દવા લેવા આવ્યા હોય અથવા દવા લીધી હોય તેવા નાગરિકોને તાત્કાલિક અસરથી જાણકારી આપવા જણાવ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZxhkTD
ConversionConversion EmoticonEmoticon