સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી
દિવસનું વૈતરું પુરૂં કરી શેરડીના કુચા જેવો થઈ ગયેલો નીલકંઠ ચાલીમાં થાકેલા-કંટાળેલા કદમ મૂકે છે, ત્યારે બપોરની ઊંઘ કાઢીને ફ્રેશ થયેલો કાળિયો ચાલીના છોકરાંઓ સાથે સ્ફૂર્તિથી દોડાદોડ - કુદાકુદ કરતો હોય છે
હજી બીજાં ત્રણ જણ આગળ લાઈનમાં ઊભા છે. ચાલીના ઊબડ ખાબડ પગથિયાના તૂટેલા ગંદા પથ્થર પર પગની આંટી મારી નીલકંઠ ઊભો રહી ગયો. સવારના ફૂટતા જતા તડકીબી સાથે ચાલીના રોજિંદા અવાજો કાન પર તૂટતા હતા. ચાલીના નળમાં કપડાં-પાણીના ઘમસાણમાં ઘેરાયેલી સ્ત્રીઓની ચીસો, રેડિયો પર ભુકાંતુ 'જોન જોની જનાર્દન દે ધનાધન', ચાલીના નાકે ઊભેલી હુડ વગરની ઓટોરીક્ષાના રિપેરીંગનો ઘરઘરાટ એ બધું ભેગું થઈ ખોપરી પર કાચ-કાગળની જેમ ઘસાતું હતું.
સામેના મકાનની ગટરનો પાઈપ તૂટી ગયો છે, અને વહી રહેલા ગંદા પાણીના ટુકડાઓ વચ્ચે કાળિયો શાનથી બેઠો છે - એના અણીદાર બે કાન ઊંચા કરીને. નીલકંઠ એની સામે જોઈ રહ્યો. આવું ઘણીવાર થતું.
નીલકંઠને કાળિયા માટે સ્પેશિયલ માન હતું. કાળિયાના શ્વાસોચ્છવાસ ઘડિયાળની ટક ટકના વેગથી ચાલતા હતાં. અને ટુથપેસ્ટની જાહેરાત જેવા અણીદાર લાંબા સફેદ દાંત વચ્ચેથી નીકળેલી લાંબી જીભ બહાર લબડતી હતી.
નીલકંઠને પોતાની સામે માનથી તાકી રહેલો જોઈ કાળિયાએ એની કપાયેલી પૂંછડી હલાવી ગુર્રાટ કર્યો. એને ખબર હતી, નીલકંઠ એને અવારનવાર માનથી નિહાળે છે.
ઓફિસે જવા માટે દસ વાગ્યાની બસ પકડવા નીલકંઠ દોડતો હોય છે ત્યારે સામેવાળી રોશન આરા કાળિયાને ઓટલા પર બેસાડી પ્રેમથી એના સ્ફટિક જેવા સફેદ મુલાયમ હાથ વડે રોટી ખવડાવતી હોય છે. એ જોઈ નીલકંઠના મનમાં વિચાર આવે છે, કે કાળિયાને બસ કે રેશનિંગની લાઈનમાં ઊભા નથી રહેવું પડતું, કારણકે એને માત્ર પેટ છે, જ્યારે પોતાને પેટ અને ખિસ્સું બંને છે. ઓફિસમાં સુસ્તી ઉડાડવા બપોરની ચ્હાની ચુસકી લેતી વખતે નીલકંઠ વિચારે છે, અત્યારે કાળિયો લહેરથી લીમડાના ઝાડની છાયામાં વામકુક્ષી કરતો હશે.
દિવસનું વૈતરું પુરૂં કરી શેરડીના કુચા જેવો થઈ ગયેલો નીલકંઠ ચાલીમાં થાકેલા-કંટાળેલા કદમ મૂકે છે, ત્યારે બપોરની ઊંઘ કાઢીને ફ્રેશ થયેલો કાળિયો ચાલીના છોકરાંઓ સાથે સ્ફૂર્તિથી દોડાદોડ - કુદાકુદ કરતો હોય છે.
આખા દિવસની થાકેલી ઝઘડેલી અને અંતે અસ્તવ્યસ્ત થઈને ઊંઘી ગયેલી પત્નીને પ્રેમ કરવાનું માંડી વાળી નીલકંઠ પેન્ડીંગ ઓફિસકામ પતાવવા, બારી પાસે ટેબલ-લેમ્પ જલાવીને બેસે છે. બારી બહાર નજર કરતાં અનાયાસ, ગોપીઓની વચ્ચે ઘેરાયેલા કનૈયાની જેમ, આજુબાજુની પોળની કૂતરીઓ વચ્ચે ઘેરાઈને ગેલ કરતો કાળિયો એની નજરે પડી જાય છે, અને નીલકંઠ ઈર્ષ્યાથી ધડાક દઈને બારી બંધ કરી દે છે કારણ કે ઈર્ષ્યા અને માન એક સિક્કાની બે બાજુઓ જેવા જેવાં છે. અને નીલકંઠને કાળિયા તરફ સ્પેશિયલ માન છે.
... હાશ ! લાઈનમાં ઊભેલા આગળના ત્રણેય જણ હવે પતવા આવ્યા છે. નીલકંઠ પાણીનું ભરેલું ડબલું લઈને સંડાસના દરવાજા આગળ ઊભો રહી ગયો...
તૂટેલા નકુચાવાળો સંડાસનો દરવાજો ખુલ્યો અને બહાર નીકળનાર જણ બોલ્યો, 'અરે ભાઈ, હવે જવાય એવું નથી. આખુંય...'
બાઘાની જેમ દયામણા હતાશ ચહેરે અને રોષભરી ખિન્ન આંખે નીલકંઠ કહેનારની સામે જુએ છે, અને અનાયાસ એની નજર કાળિયા સુધી પહોંચી જાય છે.
કાળિયો તો એય ને લહેરથી વહેતા ગટરના પાઈપ નીચે ઊભો રહીને શાંતિથી, લાઈનમાં ઊભા રહ્યા વિના જ...
આજે ઊઠવામાં સહેજ મોડું થયું, એમાં લાઈન લાંબી થઈ ગઈ - વિચારોની પણ... કે,
આઝાદીની આ ઝાડીમાં 'કાળિયા' જેવા પશુઓ સિવાય આજન્મ આઝાદ કોણ ? અને કેટલાં ?, સિવાય કે, જાનવરી જજબાત ધરાવતા(તા) રાજકારણીઓ !
(શીર્ષક : મનહર જમીલ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cU5UgA
ConversionConversion EmoticonEmoticon