મુંબઇ, 10 મે, 2020, રવીવાર
ભારતમાં રામાયણ સદીઓથી પેઢી દર પેઢી ઉતરતી રહી છે પરંતુ રામાનંદ સાગરે 1987માં રામાયણ પર આધારિત દુરદર્શન માટે ધારાવાહિક તૈયાર કરીને રાંમાયણને એક નવા જ સ્વરુપે ઘર ઘર પહોંચાડી હતી. કલર ટીવીનો જમાનો આવવાનો બાકી હતો ત્યારે ટીવીના બ્લેક એન્ડ વ્હાઇટ પડદા પર લોકો શ્રધ્ધાથી જોવા બેસતા હતા કેટલાક તો ટીવી સમક્ષ અગરબતી પણ પ્રગટાવતા હતા. રામ, સીતા, લક્ષ્મણ અને રાવણના કેરેકટર સદીઓથી માણસના મનમાં કલ્પના સ્વરુપે જીવંત હતા પરંતુ તેને દેહ સ્વરુપે લોક હ્વદયમાં બેસાડવાનું કામ રામાયણ ધારાવાહિકે કર્યુ હતું.
રામના પાત્રમાં અરુણ ગોવિલ, સીતાના પાત્રમાં દિપિકા ચિખલિયા અને લક્ષ્મણના કેરેકેટરમાં સુનિલ લહેરીના નામ લોકો ભૂલ્યા નથી. લોક ડાઉનના અમલની સાથે જ જયારે 33 વર્ષ જુની રામાયણ ધારાવાહિકનું પુન પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે આ કલાકારોનો ફરી જમાનો આવ્યો હોય તેમ તેમના વિશે જાણવાની ઉત્સુકતામાં વધારો થયો અને અભિનયના ખૂબ વખાણ થયા હતા.
સોશિયલ મીડિયામાં તેમના ફેન્ડસ અને ફોલોવર્સની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. 40 વટાવી ચૂકેલી પેઢીએ જયારે તેમના સંતાનોને રામાયણ ધારાવાહિકના કલાકારોનો મૌખિક પરીચય કરાવ્યો ત્યારે ઉછરી રહેલી નવી પેઢીને પણ તેમા રસ પડતો હતો. રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલ લગભગ ભૂલાઇ ગયેલા પરંતુ રામાયણ ધારાવાહિકના પુન પ્રસારણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડતા આ કલાકાર ફરી લોકોને યાદ આવવા લાગ્યા હતા.
કોરોના વાયરસના સંક્રમણ સામે એક સાથે લડવાની એકતા પ્રદર્શિત કરવા માટે દિપ પ્રગટાવવાનો રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમ આપવામાં આવ્યો ત્યારે અરુણ ગોવિલને ટીવીના પડદા પર સ્થાન મળ્યું હતું, સીતાનું પાત્ર ભજવનારા દિપિકા ચિખલીયાના મીડિયામાં ઇન્ટરવ્યું થવા લાગ્યા અને લક્ષ્મણ સુનિલ લહેરીની સોશિયલ મીડિયા એકટિવિટી અને ફોલોવર્સ વધારો થયો હતો.વિવિધ કલાકારો એ રામાયણ ધારાવાહિક નિર્માણ સમયના અનુભવ પ્રસંગો અને ઘટનાઓનું સ્મરણ કરતા નજરે પડયા હતા. નવી પેઢીને નોલેજ મળે તે માટે રામાયણ જેવી ધારાવાહિકનું પુન પ્રસારણ થાય એવી માંગ ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ઉઠી હતી પરંતુ આ ઇચ્છા કોરોના વાયરસના નિયંત્રણ માટેના દેશ વ્યાપી લોકાઉન દરમિયાન પુરી થઇ છે.
રામાયણના કેટલાક પાત્રો ગૂમનામીની ગર્તામાં ખોવાઇ ગયેલા તેની પણ શોધખોળ શરુ થઇ હતી. જે મળી આવ્યા તે દરેક વિશે સ્ટોરીઓ છપાઇ હતી. સુગ્રીવનું પાત્ર ભજવનારા શ્યામ સુંદરનું રામાયણ ધારાવાહિકમાં આગમન થયું ત્યારે જ લક્ષ્મણ સુનિલ લહેરીએ શ્યામ સુંદરના અવસાનનું ન્યૂઝ કટિંગ મૂકીને સૌને શોકાતૂર બનાવી દીધા હતા. એ સાચું છે કે લોકડાઉનના સ્થાને રોજીંદા જીવનની ઘટમાળમાં અને ભાગ દોડમાં હોતતો લોકોએ કદાંચ ધારાવાહિકને આટલી સરસ રીતે માણી હોત નહી એટલું જ નહી નવી પેઢીને પણ રામાયણના કલાકારોનો પરીચય થયો હોત નહી.
રામાયણના નેગેટિવ પાત્ર રાવણનો રોલ ભજવનારા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદી અને જનકનું પાત્ર ભજવનારા મૂળરાજ રાજડા જેવા અનેક કલાકારોએ પોતાના પાત્રમાં જે જીવ પુર્યો હતો તે કાબીલેદાદ હતો. 81 વર્ષના અરવિંદ ત્રિવેદી ખુદ રામાયણ ધારાવાહિકમાં પોતાનો અભિનય નિહાળી રહયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ કલાકારોમાંના એક છે, રાવણના અભિનય પછી તેઓ લંકેશ તરીકે જાણીતા થયા હતા.
દુરદર્શન પર રામાયણ ધારાવાહિક અને લવકુશની કથા વાર્તા આસપાસ ફરતી ઉત્તર રામાયણ સંપૂર્ણ થઇ છે તેમ છતાં લોકડાઉન પૂર્ણ થયું નથી. કોરોના વાયરસની મહામારી લંબાતી જાય છે તેમ લોક ડાઉન પણ વધતું રહે છે. દુરદર્શનની રામાયણ ધારાવાહિક હવે નવેસરથી એક ખાનગી ટીવી ચેનલ પર શરુ થઇ છે. રામાયણ ધારાવાહિકના કાળમાં પ્રોડકશન,ડાયરેકશન માટે અધતન ટેકનોલોજીના અભાવ સહિતની અનેક મર્યાદાઓ હતી તેમ છતાં રામાયણના દરેક પાત્રોએ જીવ રેડીને અભિનય કર્યો હોવાથી જોવી ગમે છે.
લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનિલ લહેરી દરેક એપિસોડ પછી રામાયણ સાથે જોડાયેલી જુની વાતો અને પ્રસંગો સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કરતા રહે છે. હમણા ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે એક વાર તે રામાયણ શુંટિંગમાં થાકના કારણે કાર ડ્રાઇવ કરતા હતા તે દરમિયાન જ ઉંઘી ગયા હતા. શુટિંગ માટે તેઓ બોંબેથી મડગાંવ જવા સવારે 5 વાગે નિકળ્યા હતા.
એ સમયે લહેરી બીજા એક શુટિંગમાં પણ વ્યસ્ત હોવાથી પ્રોડયૂસર રામાનંદ સાગરને જલદી છોડી દેવા વિનંતી કરી હતી પરંતુ ધારાવાહિકનો એપિસોડના શુટિંગમાં ખૂબજ વાર લાગતા રાત્રના 3 વાગ્યા હતા. 24 કલાક સુધી સતત કામના લીધે જયારે તે બીજા દિવસે વહેલી સવારે કાર ચલાવીને મુંબઇ જઇ રહયા હતા ત્યારે ઝોકું આવી જતા કાર ખેતરમાં પડી હતી પરંતુ કયાંય કોઇ જ ઇજ્જા થઇ ન હતી. ગાડીને પણ કોઇ જ નુકસાન થયું ન હતું આથી નજીકના હાઇવે પર આવીને એક રેસ્ટોરન્ટ પર હાથ મોં ધોઇને મુંબઇ જવા નિકળ્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35M9Blz
ConversionConversion EmoticonEmoticon