ખંભાતમાં કોરોનાનો વધુ 1 કેસ દર્દીઓનો કુલ આંક 68 ઉપર : જિલ્લામાં કુલ 6 મોત


આણંદ, તા.10 મે 2020, રવિવાર

આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાત ખાતેથી આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ખંભાતમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૬૮ ઉપર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાના કુલ ૮૩ દર્દીઓ નોંધાયા છે. 

ગત તા.૧૧ એપ્રિલના રોજ ખંભાત ખાતેથી કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા બાદ લોકલ સંક્રમણના કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો અને જિલ્લાના નવાબી નગર ખંભાત ખાતેથી ૫૦થી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ પ્રકાશમાં આવ્યા હતા. જો કે છેલ્લા એક સપ્તાહથી ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ નબળું પડયું છે અને એકાદ દિવસના આંતરે જૂજ કેસ નોંધાઈ રહ્યા છે. ગત શુક્રવારના રોજ ખંભાત ખાતેથી કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયા બાદ ગઈકાલે જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. જ્યારે આજે ખંભાતના અકબરપુર વિસ્તારમાંથી એક કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. આ સાથે આણંદ તાલુકામાં ૪, ઉમરેઠ તાલુકામાં ૯, આંકલાવ તાલુકામાં ૧, ખંભાત તાલુકામાં ૬૮ અને પેટલાદ તાલુકામાં ૩ મળી આણંદ જિલ્લામાં કુલ કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા ૮૩ ઉપર પહોંચી  છે.

ગઈકાલ શનિવાર સુધીમાં આણંદ જિલ્લામાં કુલ ૬૭૩ વ્યક્તિઓના સેમ્પલ તપાસવામાં આવ્યા છે. જે પૈકી ૫૯૧ વ્યક્તિઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં નોંધાયેલ કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી ૪૭ વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સારુ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કારણે કુલ ૬ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આજે સવારના સુમારે ખંભાત ખાતેથી વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાતા હવે કોરોનાના એક્ટીવ દર્દીઓની સંખ્યા ૨૯ ઉપર પહોંચી છે. આ તમામ ૨૯ દર્દીઓ પૈકી ૨ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૨ દર્દીઓ ઓક્સિજન ઉપર છે અને અન્ય દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fCgNFr
Previous
Next Post »