આણંદ નગરપાલિકામાં તમામ વિભાગોની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી


આણંદ, તા.15 મે 2020, શુક્રવાર

કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાતા છેલ્લા દોઢ માસથી આણંદ શહેરમા લોકડાઉનને પગલે તમામ ગતિવિધિઓ ઉપર અસર પહોંચી છે. ખાસ કરીને આણંદ નગરપાલિકાની આરોગ્ય સેવાઓ તથા સફાઈ અને ફાયર બ્રિગેડની સેવાઓ સિવાયના તમામ કામો પર બ્રેક વાગી ગઈ હતી. જો કે આજથી નગરપાલિકાના તમામ વિભાગોની કામગીરી પુનઃ કાર્યરત કરવામાં આવી છે. સાથે સાથે નગરપાલિકાની ટીમ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વેપારીઓને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ કરાયો હતો.

લોકડાઉનને પગલે આણંદ નગરપાલિકાની કેટલીક સેવાઓ ઠપ્પ થઈ જવા પામી હતી. જો કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આજથી નગરપાલિકાના તમામ કામકાજ શરૃ કરાયા છે. સાથે સાથે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આણંદ નગરપાલિકાની ટીમે વિવિધ વેપારીઓની દુકાનો ખાતે જઈ તેઓને કોરોના વાયરસ અંગે સમજણ આપી નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. આ અંગે આણંદ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે લોકડાઉનના દિવસો દરમ્યાન પાલિકા હસ્તકના પાણી-પુરવઠા વિભાગ, ફાયરબ્રિગેડ, સફાઈ કામદાર વિભાગ અને આરોગ્યલક્ષી સેવાઓ માટેના વિભાગો ચાલુ રાખવામાં આવ્યા હતા. જ્યારે અન્ય વિભાગોની કામગીરી ઉપર બ્રેક વાગી હતી. જો કે આજથી પાલિકાના ટેક્ષ વિભાગ, જન્મ-મરણ વિભાગ સહિતના તમામ વિભાગોને પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે. પાલિકામાં આવતા તમામ નગરજનો માટે સેનીટાઈઝીંગ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથે સાથે વિવિધ વિભાગોમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવનાર છે. વધુમાં તેઓએ નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ. જિલ્લામાં ૧૪૪ની કલમ અમલી બનાવાઈ હોઈ ૪ વ્યક્તિઓથી વધુ લોકોએ એકત્ર ન થવા નગરજનોને અનુરોધ કરાયો છે.

સાથે સાથે પાલિકાના ચીફ ઓફિસર સહિતના સત્તાધીશોએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ દુકાનોની મુલાકાત લઈ વેપાર-ધંધા પુનઃ ધમધમતા થાય તે રીતે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી તમામ વેપારીઓને તકેદારી રાખવા અપીલ કરી હતી. આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળોએથી આણંદ ખાતે આવતા લોકોને પણ કોરોના વાયરસના સંક્રમણથી બચવા ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WyEhDV
Previous
Next Post »