તારાપુરની સગર્ભાની 108 ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાઈ


આણંદ, તા.15 મે 2020, શુક્રવાર

આણંદ જિલ્લાના તારાપુરની એક સગર્ભા મહિલા માટે ૧૦૮ની સેવા આર્શીવાદરૃપ સાબિત થઈ છે. સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે પ્રસુતિની અસહ્ય પીડા થતા ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સ વાનમાં જ ડીલીવરી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.

આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ તાલુકા મથક તારાપુર ખાતે રહેતા ભુરીબેન પપ્પુભાઈ શેલતને સવારના સુમારે અચાનક પ્રસુતિની પીડા થવા લાગી હતી. જેથી તેણીના પતિએ તુરત જ ૧૦૮ નંબર ડાયલ કરી મદદ માગી હતી. જેને લઈ તારાપુરની ૧૦૮ ઈએમટી ધવલભાઈ પટેલ અને પાયલોટ મહેશભાઈ વાળંદ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં આ સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. જો કે હોસ્પિટલ લઈ જતી વખતે આ સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા વધી જતા ઈએમટી ધવલભાઈ પટેલે ૧૦૮ એમ્બ્યુલન્સને સાઈડમાં ઉભી કરી ઈઆરસીપી તબીબની સલાહ મુજબ સગર્ભા મહિલાને ઓક્સિજન પુરો પાડી એમ્બ્યુલન્સ વાનમાં જ પ્રસુતિ કરાવી હતી. ભુરીબેન શેલતે એક બાળકને જન્મ આપ્યો હતો.

 અને આમ ૧૦૮ની ટીમે સગર્ભા મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા તેમજ બાળક બંનેનો જીવ બચાવતા પરિવારજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. પરિવારજનોએ ૧૦૮ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LyUaE8
Previous
Next Post »