ઠાસરા તાલુકાના બાધરપુરાની પુરવઠાની લાઇનો જર્જરિત થતા લાખો લિટર પાણીનો વ્યય


- લાઇનમાં મોટા પંચર પડવાના કારણે થતો પાણીનો વ્યય અટકાવવો જરૂરી : ખેતરોમાં પાણી વહી ગયાં

નડિયાદ,તા. 12 મે 2020, મંગળવાર

ઠાસરા તાલુકાના બાધરપુરા પાણી પુરવઠાની લાઇનો જર્જરીત થતા લાખો લીટર પાણીનો વ્યય થઇ રહ્યો છે.આ યોજના હેઠળ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ૪૫ થી વઘુ ગામોની જાહેર જનતાને પીવાનુ પાણી પૂરું પાડવામાં આવે છે. 

બાઘરપુરા ગામથી કોતરીયા ગામ તરફ જવાના જાહેર રસ્તા પર આવેલ બાઘરપુરા પાણી પુરવઠા યોજના વર્ષોથી કાર્યરત છે.આ યોજના દ્વારા જે ગામોમાં પીવાના પાણીના નળ નીચે ગયા હોય,અથવા જે ગામોમાં પીવાનુ પાણીમાં ક્ષાર આવતો હોય,તેવા ગામોને પીવાનુ પાણી પહોચાડવામાં આવે છે.હાલ એક જ લાઇન મારફતે પીવાનુ પાણી પહોચાડવામાં આવી રહ્યું છે.જે બાઘરપુરાથી ડાભસર, વાડદ સહિતના ૪૫ ગામોને પાઇપ લાઇન મારફતે પહોચાડવામાં આવે છે.

હાલ બાઘરપુરા સિમ વિસ્તાર,અંબાવ સિમ વિસ્તારમાં ડાભસર ગામ સુધીની આ પીવાની પાણીની લાઇનોમાં ભંગાણ પડયુ છે.મોટા મોટા પંચરો પડવાથી દરરોજ હજારો લીટર પાણી જમીનમાં વેડફાઇ રહ્યુ છે.અત્યારે ઉનાળોનો સમય છે. કાળઝાળ ગરમી પડે છે.અને તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી પહોચે છે.એક બાજુ અસહ્ય ગરમી છે.તો બીજી બાજુ અસહ્ય ગરમીમાં પણ પાણી મળતુ નથી.પાણીની લાઇનોમાં પંકચર પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.અને લાખો લીટર પાણી જમીનમાં વહી રહ્યુ છે.આથી ગ્રામજનોની માંગ છે કે બાઘરપુરા થી ડાભસર ગામ સુધીના સિમ વિસ્તાર,વાડદ થી ડભાલી ગૌચરના જમીનમાં પડેલા પંકચરો બનાવીને પાણી પુરવઠા યોજના આઘારિત ગામોની જાહેર જનતાને પીવાના પાણીની વ્યવસ્થા કરે તેવી લોક માંગણી વ્યાપી છે.

મંજૂરી મળે પછી નવી લાઇન નખાશે : નાયબ કાર્યપાલક ઇજનેર

આ અંગે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર બી. સી. નાઇનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે બાઘરપુરાથી આખી લાઇન જર્જરીત થઇ ગઇ હોવાથી એક અઠવાડિયા પહેલા સર્વે કરેલ છે.અને મંજૂરી મળેથી નવી લાઇન નાખવાની તજવીજ ચાલુ કરી દેવામાં આવશે.અને નવી પાઇપ લાઇન થયેથી ખેડુતોના ખેતરોમાં પાણી ભરાતુ બંધ થશે તેમ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yTwMhH
Previous
Next Post »