અમેરિકા અને ફિલિપિન્સમાંથી 87 NRI, વિદ્યાર્થીઓને માદરે વતન લવાયા


- ફિલિપિન્સથી આવનાર છાત્રોની સંખ્યા અડધી થઈ

નડિયાદ,તા. 12 મે 2020, મંગળવાર


કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓને માદરે વતન પરત લાવવા માટે સરકારે મીશન વંદેમાતરમ્ યોજના શરુ કરી છે. જે અંતર્ગત ગત્ રાત્રે ખેડા જિલ્લામાં ૮૭ એનઆરજી પ્રવાસીઓ અને મેડિકલ સ્ટુડન્ટ્સ આવી પહોંચ્યા છે. જો કે ગઇકાલે રાજ્ય સરકારે અચાનક નિર્ણય બદલતા ફિલિપાઇન્સથી આવનાર મેડિકલ વિદ્યાર્થીઓની સંખ્યા ખેડા જિલ્લામાં અડધાથી પણ ઓછી થઇ ગઇ છે.

 જ્યારે આ વિદેશી પ્રવાસીઓમાં અમેરિકાના ન્યુજર્સી સ્ટેટના નેવાર્ક એરપોર્ટ પરથી પણ ૨૦થી વધુ એનઆરજી  નડિયાદ ખાતે ઉતરી આવ્યા છે. જેમને વડતાલના અત્યાધુનિક યાત્રિક નિવાસમાં તથા અમદાવાદ હાઇવે ઉપરના રીસોર્ટમાં કોરન્ટાઇલ કરવામાં આવ્યા છે. 

ગત્ રાત્રે ફિલીપાઇન્સ અને અમેરિકાના ન્યુજર્સીથી ખેડા જિલ્લામાં ૮૭ વિદેશી પ્રવાસીઓ ઉતરી આવ્યા છે. જે પૈકી ફિલિાઇન્સની રાજધાની મનીલાની મેડિકલ કૉલેજમાં ભણતા ૬૬ વિદ્યાર્થીઓ આવ્યા છે. જેમાંથી ૫૧ વિદ્યાર્થીઓને વડતાલના યાત્રિક નિવાસમાં કોરન્ટાઇલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૧૫ વિદ્યાર્થીઓ સ્વખર્ચે નેશનલ હાઇવે ઉપરની પામ ક્લબ તથા નડિયાદના જલાશ્રય રીસોર્ટમાં કોરન્ટાઇલ કરાયા છે.

આ જ રીતે ન્યુજર્સીના નેવાર્ક એરપોર્ટ ઉપરથી ૨૧ એનઆરજી ગત્ રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટથી અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા. જેમને કોરન્ટાઇલ કરવા માટે સીધા નડિયાદ પહોંચાડવામાં આવ્યા છે.આ ૨૧ અમેરિકન પ્રવાસીઓ પૈકી ૧૨ જણ હાઇવે ઉપરના પામ ક્લબમાં, ત્રણ વ્યક્તિઓ નડિયાદના જલાશ્રય રીસોર્ટમાં , જ્યારે છ જણ વડતાલના યાત્રિક નિવાસમાં રોકાયા છે. 

ગત્ રાત્રે નડિયાદ ખાતે આવેલા ૮૭ વિદેશી પ્રવાસીઓની અમદાવાદ એરપોર્ટ ઉપર જ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને નડિયાદ ખાતે કોરન્ટાઇલ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આ વિદેશી પ્રવાસીઓને જિલ્લામાં જ્યાં જ્યાં કોરન્ટાઇલ કરવામાં આવ્યા છે. ત્યાં ત્યાં રહેવા, જમવા અને નાસ્તાની સગવડો ઉપરાંત મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નવાઇની વાત તો એ છે કે ફિલિપાઇન્સથી આવેલા ૬૬ જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ્ એલોપેથીનો ડિગ્રી અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે તેમને અહીંના ૧૪ દિવસના કોરન્ટાઇલ દરમ્યાન આયુર્વેદિક દવાઓ અને ઉકાળાઓ આપવામાં આવી રહ્યા છે.
જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગળોથી બનેલી સમસમનીવટી,તથા સુદર્શન ઘનવટી ઉપરાંત આયુર્વેદિક ઉકાળો પણ આપવામાં આવશે. વિદેશથી આવેલા આ બધા જ પ્રવાસીઓ માટે આ દવાઓ તથા મેડિકલ ટ્રીટમેન્ટ ચકાસણી ફરજ્યિાત કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને માટે સમય પસાર કરવા માટે તંત્ર દ્વારા પુસ્તકો પણ આપવામાં આવ્યા છે.

જિલ્લામાં આવનાર વિદેશીઓની સંખ્યા એકાએક ૨૫૦માંથી ૮૭ થઈ

રાજ્ય સરકાર તરફથી જિલ્લા વહીવટી તંત્રને ગઇકાલ સાંજ સુધી એવી તકેદારી આપવામાં આવી હતી કે ફિલિપાઇન્સથી ૨૫૦થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. જેમને નડિયાદ ખાતે ૧૪ દિવસ કોરન્ટાઇલ કરવાના છે. આ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રએ જરુરી કામગીરી હાથ ધરીને રૂમોનું બુકીંગ પણ કરાવી દીધું હતું. પરંતુ અચાનક ગઇકાલે રાજ્ય સરકારે એવો નિર્ણય જાહેર કર્યો કે વિદેશથી આવતા નાગરિકો ૧૪ દિવસ કોરન્ટાઇલ થવા માટે પોતાના જિલ્લા સિવાય કોઇપણ જિલ્લાની પસંદગી કરી શકે છે. આ ઓપ્શન આપતા ખેડા જિલ્લામાં આવનાર વિદેશીઓની સંખ્યા અચાનક ૨૫૦માંથી ૮૭ થઇ ગઇ હતી. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WsiXjk
Previous
Next Post »