આણંદ,તા. 12 મે 2020, મંગળવાર
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામે આવેલ એક ફેક્ટરીમાં લોકડાઉનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ૬૦ જેટલા મજુરો ફસાઈ પડયા હતા. તંત્ર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ હોવા છતાં આ મજૂરો દ્વારા કંપનીના માલિકને રજૂઆત કરવા છતાં આ શ્રમિકોને તેઓના વતન મોકલવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. જેને લઈ આખરે આ શ્રમિકો તેઓના વતન જવા માટે પગપાળા નીકળી પડયા હતા. જો કે જિલ્લાના બોરસદ નજીકના કણભા ગામેથી વિરસદ પોલીસે આ શ્રમિકોને ઝડપી પાડી પરત કલમસર ખાતે મોકલી આપ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાંથી પણ યુપી, બિહાર, ઝારખંડ તરફના મજૂરોને વિશેષ ટ્રેન મારફતે મોકલવાની કામગીરી ચાલી રહી છે. જો કે ખંભાત તાલુકાના કલમસર ખાતે આવેલ જય કેમીકલ નામની ફેક્ટરીમાં પરપ્રાંતીય શ્રમિકો મજૂરી કામ અર્થે આવેલ હોઈ લોકડાઉનના સમય દરમ્યાન આ શ્રમિકો અત્રે અટવાઈ પડયા હતા.
જો કે સરકાર દ્વારા શ્રમિકોને વતન જવા માટેની છુટછાટ આપવામાં આવતા શ્રમિકોએ ઓનલાઈન નોંધણી કરાવવા કંપનીના સત્તાધીશોને જણાવ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી આ શ્રમિકો પોતાના વતન પરત જવાની રાહ જોતા હતા. જો કે શ્રમિકોને વતન મોકલવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈપણ પ્રકારની નોંધણી કરાઈ ન હોવાનું શ્રમિકોને જાણ થતાં જ ગઈકાલે ૬૦ જેટલા શ્રમિકો પોતાને વતન જવા પગપાળા નીકળી પડયા હતા.
આ શ્રમિકો કલમસરથી બોરસદ રોડ ઉપર આવેલ વાયા દિલ્હી ચકલા થઈ કણભા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિરસદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોઈ પોલીસની નજરે ચઢતાં પોલીસે આ શ્રમિકોને અટકાવ્યા હતા અને પરત કલમસર ખાતે મોકલી આપ્યા હતા. ઓનલાઈન નોંધણીની કાર્યવાહી ન થતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી બની છે. સાથે સાથે આ શ્રમિકો છેલ્લા કેટલાક દિવસથી આર્થિક તંગી સાથે ભોજનનું પણ સંકટ વેઠી રહ્યા હોવાનુ જાણવા મળ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સત્વરે પરપ્રાંતીય શ્રમિકોની મદદ કરી તેઓને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ctJ66S
ConversionConversion EmoticonEmoticon