આણંદથી એસટી બસો શરૂ જ ન થતા ડ્રાઈવરો-કન્ડકટરો બેસી રહ્યાં


આણંદ, તા.19 મે 2020, મંગળવાર

લોકડાઉનના સમયગાળા દરમ્યાન સમગ્ર ગુજરાત રાજ્યમાં એસ.ટી. બસોના પૈંડા થંભી ગયા હતા. જો કે લોકડાઉનના ચોથા તબક્કામાં સોમવારના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં એસ.ટી. બસો પુનઃ દોડતી કરવાનો નિર્ણય લેવાયો હતો.  પરંતુ ૫૪ દિવસ સુધી એસ.ટી. બસ સેવા સંપૂર્ણ બંધ રહ્યા બાદ આજે પણ આણંદ ખાતે એસ.ટી. બસ સેવા કાર્યરત થઈ શકી ન હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હોવા છતાં ઉચ્ચકક્ષાએથી મંજુરી ન મળતા એસ.ટી. બસો શરૃ કરાઈ ન હતી. જેને લઈ આજે સવારથી ફરજ પર હાજર થયેલ ડ્રાઈવર-કંડક્ટરોને એસ.ટી. બસ મથક ખાતે બેસી રહેવાનો વારો આવ્યો હતો. લોકડાઉનના ચોથા તબક્કામાં નોન કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં એસ.ટી. બસ સેવા શરૃ કરવા રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જો કે આણંદ એસ.ટી. ડેપો ખાતે આ અંગે કોઈ પરિપત્ર કરવામાં ન આવતા હાલ પુરતુ એસ.ટી. બસ સેવા શરૃ થઈ શકી નથી. ગઈકાલ રાત્રિના સુમારે એસ.ટી. બસ સેવા શરૃ કરવાની જાહેરાત થતા એસ.ટી. વિભાગ દ્વારા આજે સવારથી ડ્રાઈવર-કંડક્ટરોને ફરજ ઉપર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ઉપરથી મંજુરી ન મળતા એસ.ટી. બસો ચાલુ કરવામાં આવી ન હતી. જેના કારણે ડ્રાઈવર-કંડક્ટરોને બસ મથક ખાતે બેસી રહેવું પડયું હતું. બીજી તરફ એસ.ટી. બસ સેવા શરૃ થઈ હોવાની આશા સાથે બસ મથકો ખાતે આવેલ કેટલાક મુસાફરોને વિલા મોં એ પરત ફરવું પડયું હતું. વધુમાં એસ.ટી. વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ એસ.ટી. ડેપોમાં દૈનિક રૃા.૬ લાખની આવક થાય છે. જો કે છેલ્લા ૫૪ દિવસથી એસ.ટી. બસ સેવા બંધ રહેતા આણંદ એસ.ટી. ડેપોને રૃા.૪ કરોડ ઉપરાંતની ખોટ ગઈ છે. હાલમાં ખાનગી પરિવહનના વાહનો માટે છુટ આપવામાં આવી નથી ત્યારે જો એસ.ટી. બસ સેવા શરૃ કરવામાં આવશે તો તેનો લાભ પ્રજાજનોને મળી રહેશે. બસ સેવા શરૃ થતાંની સાથે જ બસ સ્ટેશનમાં આવનાર મુસાફરોને સેનીટાઈઝ કરવા માટે મશીન મુકવામાં આવશે સાથે સાથે એસ.ટી. બસોને પણ સેનીટાઈઝ કરવામાં આવશે તેમ એસ.ટી. વિભાગે જણાવ્યું હતું.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zVaMDb
Previous
Next Post »