ખેડા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાયા


- જમાતીઓના સંપર્કમાં આવેલો કણજરીનો શખ્સ, મહુધાના નવાપુરાની યુવતી અને મહેમદાવાદના વૃધ્ધા કોરોના પોઝિટિવ ઃ જિલ્લામાં દર્દીઓનો આંકડો ૩૩ ઉપર પહોંચ્યો

નડિયાદ,તા. 12 મે 2020, મંગળવાર


ખેડા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસો નાંેધાયા છે.આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૩૩ પર પહોંચ્યો છે.આજે બપોર બાદ નોંધાયેલા આ વધુ ત્રણ કેસો પૈકી મહેમદાવાદ શહેરમાં એક ,મહુધા શહેરમાં એક  અને નડિયાદ તાલુકાના કણજરી ગામે એક કેસ જાહેર થયો છે.

આજે નોંધાયેલા કોરોના દર્દીઓ પૈકી વધુ એકવખત અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોળકા નજીક આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીમાંથી જાહેર થયેલા કોરોના પોઝીટીવ દર્દીઓના સંક્રમણને કારણે ખેડા જિલ્લામાં કેસની સંખ્યા વધતી રહી છે. કણજરીના કોરોના દર્દી સ્થાનિક નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય હોવાથી અને ગામમાં ઝારખંડથી આવેલા જમાતીઓના સંપર્કમાં પણ હોવાથી સામાજિક કાર્યો વખતે કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની આશંકા છે. જ્યારે મહેમદાવાદ શહેરના વયોવૃદ્ધ મુસ્લિમ મહિલા અનેક બિમારીઓથી પીડાતી હોવાને કારણે કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે.

મહુધાના નવાપુરામાં આવેલ રબારીવાડમાં રહેતા સ્વાતિબેન મુકેશભાઇ પ્રજાપતિ, ઉં. ૨૫ આજે કોરોના પોઝીટીવ જાહેર થયા છે. તેઓ ગત્ ૭મીએ કોરોના પોઝીટીવ થયેલા હર્ષદભાઇ પ્રજાપતિના પરણિત દિકરી છે અને સગર્ભા હોવાથી પિતાને ત્યાં આવેલા હતા.

હર્ષદભાઇ ધોળકા પાસેની કેડિલા ફાર્મસ્યુટીકલીમાં નોકરી કરતા હતા અને તેઓ કોરોના પોઝીટીવ જાહેર થતા તેમના ઘરના ૧૦ સભ્યોને નડિયાદ ખાતે આવેલ સરકારી હોમક્વારન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા હતા.અને તે સૌના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.જેમાં હર્ષદભાઇની દિકરી સ્વાતિબેન આજરોજ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જ્યારે તેમના અન્ય પરિવારજનોના રીપોર્ટ  હજુ બાકી છે.જેથી તેમને નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મહેમદાવાદ શહેરના આશીયાના પાર્ક સોસાયટીમાં રહેતા હનીફાબેન ઇસ્માઇલભાઇ વ્હોરા ઉં.૭૧ને ગત્ તા.૧૧-૫-૨૦૨૦ ના રોજ છાતીમાં ગભરામણ થઇ હતી.જેથી તેઓને નડિયાદ શહેરમાં આવેલ વિવેક ભટ્ટની હોસ્પિટલમાં સવારે ૧૦ઃ૩૦ કલાકે લઇ જવામાં આવ્યા હતા.જ્યા ડૉકટરે તેમને હદયની બિમારી હોવાથી વધુ રીપોર્ટ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમને બપોરે૧૨ઃ૦૦ કલાકે નડિયાદની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને જ્યા સુધી તેમનો કોરોનાનો રીપોર્ટ  ન આવે ત્યા સુધી  હનીફાબેનને હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં આજે તેઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. 

નડિયાદ તાલુકાના કણજરી ગામની મદીના પાર્ક સોસાયટીમાં રહેતા ઇલિયાસભાઇ એ વ્હોરા ઉં.૫૦ નો આજે બપોેરે કોરોના રીપોર્ટ  પોઝીટીવ આવ્યો છે.તેઓ કણજરી પાલિકામાં કાઉન્સેલર છે. લોકડાઉન સમયેકીટ વિતરણ કરવા માટે તેઓ ગામમાં ફરતા હતા.

અચાનક ગત્ તા.૧૦-૫-૨૦૨૦ ના રોજ તેમને હાઇ બીપી થતા આણંદની શાશ્વત હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા.ત્યાંથી તેમને કરસમદ હોસ્પિટલ કે પછી ઝાયડસ જેવી મોટી હોસ્પિટલમાં જવાનું કહેવામાં આવ્યુ હતુ. પરંતુ તેઓ આણંદની અજય કોઠીયાલાની હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા અને ત્યાં એક આખો દિવસ રહ્યા હતા. ત્યારબાદ ગત્ તા.૧૧-૫-૨૦૨૦ ના રોજ નડિયાદ શહેરની હોસ્પિટલમાં સામે ચાલીને બતાવવા આવ્યા હતા.

જ્યાં તેમનો  કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને આજે તેઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. ઇલિયાસભાઇના પરિવારમાં પત્ની અને બે દિકરીઓ છે તથા તેમના ઘરે કામ કરવા આવતા બહેન કણજરીના ચૌહાણ મહોલ્લામાંથી આવે છે. આ સૌને કોરન્ટાઇલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જ્યારે ઇલિયાસભાઇનેનડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T2u5kZ
Previous
Next Post »