ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિાક
'કાલે હું બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે તું બ્રીફકેસ પાસે ઊભી હતી એટલે તને પૂછયું. 'કોઈ મોટી રકમનો મામલો નથી. તેં લીધા હોય તો કહી દે. સાચું બોલ, તેં લીધા છે?'
'ત્રીસ વર્ષથી બ્રિટિશ સિટિઝન છું,પણ હવે નથી ગમતું.' બિયરનો મગ ટેબલ ઉપર મૂકીને પ્રીતપાલસિંગે સામે બેઠેલા મલ્હોત્રા સામે જોયું. લંડનના સ્મિથ ફિલ્ડ વિસ્તારમાં પબની બહાર ઝળહળતી રોશનીનું દ્રશ્ય નયનરમ્ય હતું,પરંતુ પ્રીતપાલસિંગ પલાહને એમાં રસ નહોતો. 'મલ્હોત્રા, ટુ બી વેરી ફ્રેન્ક, અહીંનો બધો કારોબાર સમેટીને લુધિયાણા જવાની ઈચ્છા છે. આ જાન્યુઆરીમાં એકસઠ વર્ષ પૂરા થશે. હવે વતનની હવામાં આરામથી જીવવું છે.'
'મોટી ઉંમરે જ જીવનસાથીની જરૂર પડે છે, દોસ્ત, મારી વાત માનીશ? જલસાથી જીવવું હોય તો ફરીથી લગ્ન કરી લે. 'મલ્હોત્રાએ હસીને ઉમેર્યું.'તારી કરોડોની પ્રોપર્ટી જોઈને પચીસ વર્ષની કૂડી પણ મળી જશે!'
'દૂધનો દાઝેલો છું, દોસ્ત! આઠ વર્ષ પહેલા પમ્મીને છૂટાછેડા આપ્યા પછી એ દિશામાં વિચારવાનું છોડી દીધું છે.'
'અત્યારનું નહીં, કાલનું વિચાર. ત્યાં એક મિત્ર મેરેજબ્યુરો ચલાવે છે. વેલ ટુ ડુ ફેમિલી એના કસ્ટમર છે. સારું લાગે તો ફાઈનલ કરજે.રાઈટ?'
પ્રીતપાલસિંગે હકારમાં માથું હલાવ્યું.
સાતમી જાન્યુઆરી, 2018. પ્રીતપાલસિંગ લુધિયાણા આવી ગયો. વિશાળ મહેલ જેવી કોઠીમાં એકલા રહેવામાં દસેક દિવસ વાંધો ના આવ્યો. એ પછી એકલતાથી કંટાળીને મલ્હોત્રાની સલાહ યાદ આવી. એણે આપેલા નંબર ઉપર વાત કરીને એણે પોતાનો પરિચય આપ્યો.
મેરેજબ્યુરોવાળાએ બે મહિનામાં ચારેક પાત્ર સાથે મુલાકાત કરાવી. એમાંથી પ્રીતપાલસિંગને રજની શર્મા ગમી. ચાલીસ વર્ષની રજની શર્માનો પહેલો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જલંધર પાસે દકોહા ગામમાં એ એના પિયરમાં માતા પવનદેવી અને ભાઈ બબલુની સાથે રહેતી હતી. દેખાવમાં સુંદર રજની રસોઈમાં પણ કુશળ હતી.
ચોથી માર્ચ,2018ના દિવસે પ્રીતપાલસિંગ અને રજની શર્મા પરણી ગયા. લગ્ન પછીના વીસેક દિવસ પોતે સ્વર્ગમાં વિહરતો હોય એવું પ્રીતપાલસિંગે અનુભવ્યું. આદર્શ ગૃહિણીની જેમ રજનીએ ઘરનો કારોબાર સંભાળી લીધો હતો.
'મમ્મીની યાદ આવે છે. દકોહા જઈશું?' રજનીએ પ્રેમથી પૂછયું. પ્રીતપાલસિંગે સંમતિ સાથે શરત મૂકી કે વધુ રોકાવાનો આગ્રહ નહીં કરવાનો.
દીકરી-જમાઈની સરભરામાં પવનદેવીએ કોઈ કચાશ નહોતી રાખી. લંડનની ટિકિટની તારીખમાં કંઈક લોચો થયેલો એટલે લુધિયાણાથી એજન્ટનો ફોન આવ્યો. તાત્કાલિક લુધિયાણા જવું પડે એવું હોવાથી પ્રીતપાલસિંગ એકલો લુધિયાણા ગયો. ટિકિટનું કામ પતાવીને એ જમવા ગયો. હોટલનું બિલ ચૂકવવા એણે પાકિટ કાઢયું.
પાકિટના બીજા ખાનામાં પાઉન્ડની નોટો અલગ રાખી હતી.એ થપ્પી જોઈને સહેજ શંકા પડી એટલે એણે પાઉન્ડ ગણ્યા. પાકિટમાં નવસો પાઉન્ડ હતા એની પ્રીતપાલસિંગને પૂરેપૂરી ખાતરી હતી. અત્યારે માત્ર ચારસો પાઉન્ડ જ હતા! પાંચસો પાઉન્ડ ગયા ક્યાં? પાકિટ બ્રીફકેસના તળિયે મૂકેલું હતું.એમાંથી પાંચસો પાઉન્ડ કોણે કાઢયા હશે? એ પૈસા કદાચ બ્રીફકેસમાં પડી ગયા હોય એવું વિચારીને એણે રજનીને મોબાઈલ જોડયો. 'એક કામ કર, ડિયર. મારી બ્રીફકેસ ફેંદી નાખ. એમાં પૈસા છે કે નહીં એ ચકાસીને તાત્કાલિક ફોન કર.'
પાંચ મિનિટ પછી રજનીનો ફોન આવ્યો કે બ્રીફકેસમાં પૈસા નથી.
'મારા પાકિટમાં પાઉન્ડ હતા એ ઓછા થઈ ગયા હોય એવું લાગે છે. તારે કોઈ કામ પડયું હોય અને તેં લીધા હોય એવું તો નથીને?'
'મેં નથી લીધા.' રજનીએ તરત ખુલાસો કર્યો. 'મારે પાઉન્ડની શું જરૂર? હું તો તમારી બ્રીફકેસને અડીયે નથી.'
'કાલે હું બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે તું બ્રીફકેસ પાસે ઊભી હતી એટલે તને પૂછયું.' પ્રીતપાલસિંગના અવાજમાં હવે અગાઉ જેવી નરમાશ નહોતી. 'કોઈ મોટી રકમનો મામલો નથી. તેં લીધા હોય તો કહી દે. સાચું બોલ, તેં લીધા છે?'
'મારા ઉપર વિશ્વાસ નથી?' રજનીનો અવાજ ધ્રૂજતો હતો. 'તમારા સોગન. મેં પાંચસો પાઉન્ડ નથી લીધા.'
'નો પ્રોબ્લેમ.' પ્રીતપાલસિંગે હસીને કહ્યું. 'બીજે ક્યાંક મૂકાઈ ગયા હશે. ફરગેટ ઈટ.'
લુધિયાણાથી દકોહા જતી વખતે પ્રીતપાલસિંગના લમણાંની નસો ફાટફાટ થતી હતી. લગ્નને મહિનો પણ થયો નથી અને આ ચીટરે જાત બતાવી આપી.પોતે રકમનો ઉલ્લેખ તો કર્યો જ નથી એ છતાં, એ પાંચસો પાઉન્ડ કઈ રીતે બોલી? કાલે પોતાને જોઈને એ એક સેકન્ડ માટે ગભરાઈ હતી એ સ્મરણ સાથે જ પ્રીતપાલસિંગના મોંમાં કડવાશ ધસી આવી. એના વર્તનનું રહસ્ય ત્યારે સમજાયું નહોતું પણ આજે તાળો મળી ગયો. ખોટા સોગન ખાવામાં પણ એને જરાયે સંકોચ ના થયો.
બિચારી પમ્મીએ આવી ચોરી ક્યારેય નહોતી કરી. એની તુલનામાં આ રૂપસુંદરી તો ખતરનાક ચીટર છે. એના પર વિશ્વાસ ના મૂકાય. ફરી વાર લગ્ન કરવા બદલ પ્રીતપાલસિંગને પારાવાર પસ્તાવો થતો હતો. આ જૂઠ્ઠી અને ચોર સ્ત્રીનું કરવું શું? પ્રીતપાલસિંગ મનોમંથનમાં અટવાયો. અત્યારે પિયરમાં જો એની પૂછપરછ કરીશ તો એ ગુનો કબૂલ નહીં કરે. સાવધાનીપૂર્વક શાંતિથી તમાશો જોવાનો એણે નિર્ધાર કરી લીધો.
રજનીએ પૈસાની બાબતમાં કંઈ પૂછયું નહીં અને પ્રીતપાલસિંગે મોં ખોલ્યું નહીં.
'આજે ગુરૂવાર થયો.' રાત્રે સાસુ અને સાળાની હાજરીમાં એણે રજનીને કહ્યું. 'મારી રવિવારની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. લંડનમાં ચાર દિવસનું કામ નિપટાવીને પાછો આવું ત્યાં સુધી તું મમ્મી અને બબલુભૈયા સાથે જલસા કર. લંડનથી આવીશ ત્યારે તને લેવા માટે સીધો અહીં જ આવીશ.' લંડન જતી વખતે આ ચોરના હાથમાં લુધિયાણાની હવેલીની ચાવી ના અપાય એ વિચારીને એણે આવું કહ્યું એ રજનીએ સ્વીકારવું પડયું.
લંડનમાં પણ પ્રીતપાલસિંગના મગજમાં રજનીના વિચાર ઘૂમરાતા હતા. રજની ચોર છે, ચીટર છે, પણ ચાલાક નથી. પાંચસો પાઉન્ડ બોલીને એણે પોતાની ડફોળાઈ છતી કરી દીધી હતી. એના માટે પ્રીતપાલસિંગના હૃદયમાં હવે કોઈ લાગણી નહોતી. પતિને શંકા પડી છે એનો અણસાર આવી ગયો હોવાથી રજની રોજ ફોન કરીને ખુલાસો કરતી હતી કે મેં તમારી બ્રીફકેસ ખોલેલી,પરંતુ પાઉન્ડ માટે નહીં,પરફ્યુમની બોટલ માટે. એના નાટકથી કંટાળીને પ્રીતપાલસિંગે એનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું.
પ્રીતપાલસિંગ મલ્હોત્રાને મળ્યો.'તારી સલાહ માનીને સાણસામાં સપડાઈ ગયો છું.' વિગતવાર કથા પછી છેલ્લે કહ્યું.'ચોથી તારીખે લુધિયાણા જવાનો છું,પણ રજનીને જાણ નથી કરી.મેરેજબ્યુરોવાળા મિત્રને કહેજે કે આ ચોરંટીની વિરૂધ્ધના ભૂતકાળના કોઈ પુરાવા હોય તો શોધી રાખે.' મલ્હોત્રાએ મદદ કરવાનું વચન આપ્યું.
ચોથી નવેમ્બર,2018. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઊતરીને કસ્ટમની વિધિ પતાવીને પ્રીતપાલસિંગ બહાર આવ્યો ત્યારે એનું સ્વાગત કરવા રજની, પવનદેવી અને બબલુ હાજર હતા! પહેલવાન જેવા એક પાડોશી યુવાનને પણ એ લોકો સાથે લઈને આવ્યા હતા. પ્રીતપાલસિંગનું મગજ ચકરાઈ ગયું. આ લોકોને ક્યાંથી જાણ થઈ?
જાણે કશું જ બન્યું ના હોય એમ રજની તો દોડીને પ્રીતપાલસિંગને વળગી પડી. બબલુ અને પેલા યુવાને રીતસર ઝૂંટવી લેતા હોય એમ પ્રીતપાલસિંગના હાથમાંથી બંને સૂટકેસ લઈ લીધી. 'અમે ગાડી લઈને આવ્યા છીએ, જાનુ! દિવાળીનો તહેવાર છે એટલે સીધા દકોહા જ જવાનું છે.' રજનીએ પ્રેમથી આદેશ આપ્યો. 'ત્યાં થાક ઊતારીને આરામ કરો પછી આપણે લુધિયાણા જઈશું.'
બબલુનો મિત્ર ગુરૂપ્રીતસિંગ કાર ચલાવતો હતો. પવનદેવી એની પાસે બેઠી હતી. પાછળની સીટમાં બબલુ અને રજનીની વચ્ચે સેન્ડવીચ થઈને પ્રીતપાલસિંગ બેઠો હતો.
દકોહા પહોંચ્યા પછી જમીને પ્રીતપાલસિંગ ઊંઘી ગયો.ચાર કલાકની ઘસઘસાટ ઊંઘ પછી એ જાગ્યો ત્યારે એની બંને સૂટકેસ,મોબાઈલ અને પાકિટ-કશું દેખાયું નહીં. એ ચમક્યો. બારણાં પાસે પહોંચ્યો ત્યારે બારણું બહારથી બંધ હતું! એણે પૂરી તાકાતથી બારણું ખખડાવ્યું એટલે બારણું તો ખૂલ્યું પણ હાથમાં પ્લાસ્ટિકની રસ્સી સાથે બબલુ અને ગુરૂપ્રીતસિંગ અંદર આવ્યા. પ્રીતપાલસિંગને કંઈ સમજાય એ અગાઉ એ બંનેએ હાથ અને પગ પલંગ સાથે બાંધી દીધા.રજની અને પવનદેવી શાંતિથી ઊભા હતા.
'આ બધું છે શું?' એ મા-દીકરીની સામે તાકીને પ્રીતપાલસિંગ તાડૂક્યો. 'તમારો ઈરાદો શું છે?'
'ઈરાદા નેક હૈ.' રજનીએ હસીને સમજાવ્યું. 'મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યા પછી તું લંડન ભાગી ગયો. હું કરગરતી હતી તોય મારો ફોન નહોતો ઉપાડતો. ઈન્ડિયા આવવાનો છે એની જાણ પણ ના કરી. ધેટ મિન્સ, તને મારામાં રસ નથી. આ તો સારું થયું કે પેલો બ્યુરોવાળો ભૂલથી તારા આવવાની તારીખ બોલી ગયો એટલે અમે તને લેવા આવ્યા.મને છૂટાછેડા આપવાનો ઈરાદો તને ખૂબ મોંઘો પડશે, માલિક! ઓછા લાકડે બળવાની મને આદત નથી.તને ફાવવા નહીં દઉં.'
'તારે જોઈએ છે શું?' ઉશ્કેરાટથી બોલતી રજની અટકી એટલે પ્રીતપાલસિંગ સીધો સવાલ કર્યો.
'તારી પ્રોપર્ટી ચાળીસ કરોડની છે.' પાકું હોમવર્ક કરેલું હતું એટલે રજનીએ બિન્દાસ કહ્યું. 'એમાંથી વીસ તારા ને વીસ મારા.સીધો હિસાબ.'
'વ્હોટ? ગાંડી થઈ ગઈ છે તું?' ત્રાડ પાડીને આટલું બોલ્યા પછી પોતાની અત્યારની લાચારી સમજીને પ્રીતપાલસિંગે સમજાવ્યું. 'મેં છૂટાછેડાનું નથી કહ્યું. છતાં તારી ઈચ્છા હોય તો હું સંમતિ આપીશ, પણ વળતરની રકમ કોર્ટ નક્કી કરશે. સમજણ પડી?'
'અમે તો બધું સમજીને બેઠા છીએ. સમજવાનું તો તારે છે.' પત્નીને બદલે સાસુએ જવાબ આપ્યો. 'અત્યારે તું એકલો છે અને હાથ-પગ બંધાયેલા છે એટલે અમે કહીએ એ ચુકાદો જ ફાઈનલ.સમજ્યો?' વીંધી નાખે એવી નજરે પ્રીતપાલસિંગ સામે જોઈને એણે ઉમેર્યું.'આ મારો બબલુ અને એનો દોસ્તાર ગુરૂપ્રીત તો અખાડિયન છે. તારા હાડકાં ભાંગી નાખવા માટે એ બંને થનગને છે. પણ એમને રોકી રાખ્યા છે.કાલે સાંજ સુધીમાં જવાબ નહીં આપે તો એ બંને વહીવટ સંભાળશે.'
બારણું બંધ કરીને એ લોકો ગયા પછી પ્રીતપાલસિંગે આખી પરિસ્થિતિ ઉપર વિચાર કર્યો. અહીંથી છટકવું કઈ રીતે? જમવાના સમયે હાથ છોડવામાં આવે ત્યારે બબલુ અને ગુરૂપ્રીત એટેન્શનમાં ઊભા રહેતા હતા.
બીજો દિવસ વીતી ગયો. પ્રીતપાલસિંગે જવાબ નહોતો આપ્યો એટલે બબલુ અને ગુરૂપ્રીતે મારઝૂડ શરૂ કરી. પરવશ પ્રીતપાલસિંગ પાસે માર ખાધા સિવાય કોઈ ઉપાય નહોતો.
ત્રીજી સવારે રજની, પવનદેવી અને બબલુ આવ્યા. 'મારો ભાઈ તમને મારે છે એ મને નથી ગમતું. છૂટાછેડાના કોર્ટકેસનું પછી વિચારીશું. અત્યારે પૈસાની તાત્કાલિક જરૂર છે.એ વ્યવસ્થા કરી આપો.' રજનીએ કહ્યું.
'કેટલા?' પ્રીતપાલસિંગ ઢીલા અવાજે પૂછયું.
'હાલ પૂરતા પચાસ લાખ ચાલશે.' રજનીએ નફટાઈથી કહ્યું. 'તમે ચેક લખી આપો એટલે બબલુ બૅન્કમાં જઈ આવશે.'
'ખાતામાં પચાસ લાખ નથી અને ચેકબૂક હાજર નથી.' પ્રીતપાલસિંગે કહ્યું. 'મારી સૂટકેસ ચકાસી લો. એમાં ચેકબૂક નથી.'
એનો જવાબ સાંભળીને મા-દીકરી એકબીજાની સામે તાકી રહ્યા.
'ચેકબૂક ના હોય તો વિથડ્રૉઅલ સ્લીપથી પૈસા ઉપાડી શકાય.' બબલુએ જાણકારી આપી.
પેલા લોકોને ખ્યાલ ના આવે એ રીતે પ્રીતપાલસિંગના ચહેરા પર સ્મિત ફરક્યું. એણે રજનીને કહ્યું. 'ખાતામાં પચાસ નહીં પણ એકવીસ લાખ જેટલા હશે.'
મા, દીકરી અને દીકરાએ એકબીજાની સાથે આંખોથી સંતલસ કરી.
'અત્યારે વીસ લાખ ચાલશે.' પવનદેવીએ કહ્યું. 'પછીની વાત પછી વિચારીશું. બબલુ બૅન્કમાંથી સ્લીપ લઈ આવશે. એમાં સહી કરી આપજો.'
હવે પ્રીતપાલસિંગે હળવાશ અનુભવી. 'વિથડ્રૉઅલ સ્લીપથી પૈસા ઉપાડવા માટે મારે જાતે જવું પડે.બબલુ કે રજનીને બૅન્કવાળા પૈસા ના આપે.અન્ડરસ્ટેન્ડ?'
બીજા ઓરડામાં રજની,પવનદેવી, બબલુ અને ગુરૂપ્રીતની મિટિંગ થઈ. એ લોકોએ એમની રીતે પ્લાન બનાવી નાખ્યો.
8 નવેમ્બર,2018.લુધિયાણાના ફૂવારા ચોકમાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં કેદીની જેમ પ્રીતપાલસિંગને ત્યાં લઈ ગયા. પ્લાન એવો હતો કે પવનદેવી અને રજની પૂરી તકેદારીથી પ્રીતપાલસિંગની સાથે બૅન્કમાં જશે. બબલુ અને ગુરૂપ્રીત બહાર કાર પાસે ઊભા રહેશે. અંદર પ્રીતપાલસિંગના હાથમાં પૈસા આવે કે તરત રજની પ્રીતપાલસિંગને વળગી રહેશે અને પવનદેવી બબલુને મિસ્કોલ કરશે. બબલુ અને ગુરૂપ્રીત તરત જ બૅન્કના બારણે આવી જશે અને પ્રીતપાલસિંગનો કબજો સંભાળી લેશે.
એમના પ્લાનની ખામીનો ખ્યાલ હોવાથી પ્રીતપાલસિંગ નિશ્ચિંત હતો.
બૅન્કમાં ભીડ નહોતી. કેશિયર સલુજા કેશ કાઉન્ટર પર બેઠો હતો. રજની અને પવનદેવીએ પ્રીતપાલસિંગને ચસોચસ જકડી રાખ્યો હતો. સલુજાની સામે ઊભા રહીને પ્રીતપાલસિંગે વિથડ્રૉઅલ સ્લીપ ભરી ત્યારે એ મા-દીકરીની નજર એ સ્લીપની રકમ સામે જ હતી. સલુજા સાંભળી શકે એ રીતે પ્રીતપાલસિંગે રજનીને પૂછયું. 'નોટો પાંચસોની જોઈએ કે બે હજારની?'
'પાંચસોવાળી.' રજનીના અવાજમાં ઉત્સાહ હતો.
'ઓ.કે. હું આમાં એ સૂચના લખું છું. 'કાચી સેકન્ડમાં વિથડ્રૉઅલ સ્લીપની પાછળ અંગ્રેજીમાં મોટા ફાફડા જેવા અક્ષરે સૂચના લખીને પ્રીતપાલસિંગે સલુજાને આપી. સલુજા બાહોશ હતો. સેકન્ડના વીસમા ભાગમાં સૂચના વાંચીને એણે પવનદેવી અને રજનીની વચ્ચે ઊભેલા પ્રીતપાલસિંગ સામે જોયું.
'સરજી,મોટી રકમ છે એટલે મેનેજરને વાત કરીને વ્યવસ્થા કરવામાં દસેક મિનિટ લાગશે.આપ સોફા પર બેસો.'
સલુજા સીધો જ મેનેજરની કેબિનમાં ધસ્યો. એણે વિથડ્રૉઅલ સ્લીપ બતાવી એટલે મેનેજર પણ ચમક્યો. પ્રીતપાલસિંગે લખ્યું હતું કે મારું અપહરણ કરવામાં આવ્યું છે. તાત્કાલિક પોલીસને બોલાવો. પોલીસ ઈન્સ્પેક્ટર મનજિતસિંગ આ બૅન્કના જ ગ્રાહક હતા. મેનેજરે તરત મોબાઈલ જોડયો અને દસ મિનિટમાં એમની ટીમ સાથે એ બૅન્કમાં દોડી આવ્યા. પોલીસની જીપ જોઈને બબલુ અને ગુરૂપ્રીત ભાગી ગયા. આંખમાં વીસ લાખનું સપનું આંજીને મા-દીકરી તો આરામથી સોફામાં બેઠા હતા. પોલીસે એ બંનેને પકડી લીધા. બીજા દિવસે બબલુ અને ગુરૂપ્રીત પણ ઝડપાઈ ગયા.
'સર, આ બેવકૂફોને બૅન્કની પ્રોસિજરનો ખ્યાલ નહોતો એ મારું સદનસીબ!' મેનેજર અને ઈન્સ્પેક્ટરની સામે જોઈને પ્રીતપાલસિંગે આભારવશ અવાજે કહ્યું.'વિથડ્રૉઅલ સ્લીપથી આટલી મોટી રકમ ઉપાડી ના શકાય.વળી વિથડ્રૉઅલ સ્લીપની સાથે પાસબૂક ફરજિયાત જોઈએ એ હું જાણતો હતો પણ પેલા લોકોને આવી ગતાગમ નહોતી. કેશિયર સલુજાભાઈએ મારી દશા પારખીને તાત્કાલિક આપને જાણ કરી એ બદલ એમનો અને આપ સહુનો દિલથી આભારી છું.'
રજની,પવનદેવી,બબલુ અને ગુરૂપ્રીત અત્યારે જામીન ઉપર છૂટેલા છે. છૂટાછેડા માટે પ્રીતપાલસિંગે કરેલા કેસનો ચુકાદો આવવાની તૈયારીમાં છે. લંડનથી ફોન કરીને મલ્હોત્રા હજુયે બીજી કન્યા શોધવાની સલાહ આપે છે અને પ્રીતપાલસિંગ ના પાડે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WxmEV1
ConversionConversion EmoticonEmoticon