મધ્યાંતર સુધીની જીત છેક સુધી જાળવવાનો જંગ


વિવિધા - ભવેન કચ્છી

હવે ગામડાઓમાં કોરોના ન ફેલાય તેની પ્રાર્થના કરવી રહી : વાઈરસે પણ હિજરત તો કરી જ હશે
બેલ્જીયમમાં દસ લાખની વસ્તી દીઠ 762, સ્પેનમાં 572, બ્રિટનમાં 482 અને અમેરીકામાં 246 નાગરિકોના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. ભારતમાં દસ લાખની વસ્તીએ આ આંક 1.7 જ છે 
રસી શોધાય નહીં ત્યાં સુધી આપણે વાયરસ સાથે જ જીવતા શીખવું પડશે ..કઈ રીતે ? : શ્રમિકો પરત આવે તો જ અર્થતંત્રના પૈડા ફરવાની શરૂઆત થશે 

ગઈકાલે જ કોરોના સંબંધી વિશ્વના તમામ દેશોના આંકડાઓ, તુલનાત્મક ચાર્ટસ અને મેપને સતત અપડેટ કરતી પોર્ટલ 'સ્ટેટીસ્ટા' અને 'આઉટવર્લ્ડ ઇન્ડિયા ડેટા'એ બહાર પાડેલા રિપોર્ટને જોઈને ભારત માટેનું ગૌરવ ગદ્દગદ્દ થઇ જવાય તે હદે વધી જાય તેમ છે. જે તે દેશની કુલ વસ્તીના દસ લાખની વસ્તી દીઠ કોરોનાને લીધે થયેલા મૃત્યુના આંકમાં  બેલ્જીયમ 762 મૃત્યુ સાથે વિશ્વમાં મોખરે છે. તે પછી ક્રમશઃ સ્પેન 572, ઇટાલી 508, બ્રિટન 482, ફ્રાંસ 397, સ્વીડન 319, નેધરલેન્ડ 316, આયર્લેન્ડ 302, યુનાઈટેડ સ્ટેટ્સ 246 અને સ્વીત્ઝર્લેન્ડ 216 આવે છે. કઈ રીતે આ આંક પર આવ્યા તે પણ જાણી લો. ઉદાહરણ તરીકે અમેરિકાની વસ્તી 32.71 કરોડ છે ને ત્યાં 80,559 નાગરિકોના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. એટલે કે પ્રત્યેક દસ લાખની વસ્તીએ 246ના મૃત્યુ થયા છે. આ તો થયા વિશ્વના ટોપ ટેન. આ કોઠામાં ભારતની સ્થિતિ જોવાનો પ્રયત્ન કરતા તમારે એટલા આગળ જવું પડે કે એક તબક્કે મનોમન તમને એમ લાગે કે આ ચાર્ટમાં ભારત ભૂલથી રહી નથી ગયું ને. જી, હા ભારતને છેક 104માં સ્થાને જોઈ શકાય છે. 1.35 અબજની વસ્તી, 2,294 મૃત્યુ અને દસ લાખની વસ્તી દીઠ માત્ર 1.7ના મૃત્યુ જ ભારતમાં નોંધાયા છે. ભારતની 1.35 અબજની વસ્તી, ગીચતા, ગરીબી અને મેડીકલ સિસ્ટમનીની જુજ સગવડો છતાં સાવ ઓછી વસ્તી ધરાવતા આપણા રાજ્યો કરતા પણ નાના દેશોમાં કોરોનાનો મૃત્યુ દર ઘણો વધારે છે. યાદ રહે ભારત વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે વસ્તી ધરાવે છે.

તમને ભય સાથે સ્વાભાવિક પ્રશ્ન થાય કે હજુ આગામી મહિનાઓમાં ભારતના હાલ અમેરિકા,ઇટલી, ફ્રાંસ કે સ્પેન અને બેલ્જીયમ જેવા થઇ જ શકે ને. શક્ય છે ભારતમાં કેસ નોંધાવાની શરૂઆત અન્ય દેશો કરતા મોડી શરુ થઇ હોય અને હાહાકાર મચાવાનો સમય હવે આપણો શરુ થાય. આ મામલે પણ ભારતની અત્યાર સુધીની સફળતાને જાણીને ખુશ થાઓ. અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ 20 જાન્યુઆરી,2020ના રોજ બહાર આવ્યો હતો. ફ્રાન્સમાં 26 જાન્યુઆરીએ, ઈટાલીમાં 29 જાન્યુઆરીએ, ભારતમાં 30 જાન્યુઆરીએ, સ્પેન, સ્વિડન અને બ્રિટનમાં 31 જાન્યુઆરીએ અને બેલ્જીયમમાં 4 ફેબ્રુઆરીએ પ્રથમ કેસ સાથે ખાતું ખુલ્યું હતું.

આ પછીના એક મહિનામાં આ તમામ દેશોમાં દસ લાખ નાગરીકો દીઠ એક પણ દર્દીના મૃત્યુ નહોતા થયા. બીજા અને ત્રીજા મહિનામાં ભારત સિવાયના દેશોમાં લાશોની હારમાળા સર્જાઈ. મૃત્યુની રીતે અગ્રક્રમે રહેલા દેશોમાં પ્રથમ કેસ ભારત કરતા લગભગ દસ દિવસ પ્લસ માયનસ દિવસોમાં જ નોંધાયો હતો. અમેરિકામાં 80,559,બ્રિટન 32,065, ઇટાલી 30,739 અને ફ્રાંસમાં 26,744, બ્રાઝીલમાં 11,653, બેલ્જીયમ 8,707, જર્મનીમાં 7,661, ઈરાનમાં 6,685, કેનેડામાં 5,115 અને સ્વિડનમાં 3,256 અને ભારતનો મૃત્યુ આંક 2,294 જ છે. રસપ્રદ વાત એ છે કે ચીનને બાદ કરતા મૃત્યુના આંકની રીતે જે વિશ્વના ટોચના દેશો છે તેઓની વસ્તીનો કુલ સરવાળો કરીએ તો પણ ભારતની વસ્તીની નજીક નથી પહોંચતો જ્યારે ગીચતાની રીતે ભારત બધા કરતા વિપરીત સંજોગો ધરાવે છે.

કેટલાક નિષ્ણાતો એવી દલીલ કરે છે કે નાગરિકના કોરોના ટેસ્ટિંગની રીતે આપણો ક્રમ તળિયે છે તેથી આ ભારતની આવી સિદ્ધિ ભ્રામક છે.પણ અહીં આપણે દર્દીઓની સંખ્યાની રીતે તુલના કરીએ તો તે બરાબર છે પણ વાત મૃત્યુ આંકની છે. માની લો કે નાગરિકોના ટેસ્ટ ન થયા હોય તો પણ તે કોરોનાગ્રસ્ત થાય તો હોસ્પિટલ તો આવે જ અને ગંભીર બની મૃત્યુ પણ પામે જ.વગર ટેસ્ટિંગના નાગરિકો દર્દી બની વાતાવરણ ભયજનક બની જાય તેમ ટપોટપ મૃત્યુ પણ નથી જ પામ્યા. હા,એક ભય એવો સેવી શકાય કે લક્ષણો ન ધરાવતા દર્દીઓ સમાજમાં જ ફરતા રહીને ચેપ ફેલાવી શકે પણ લોક ડાઉન હેઠળ જે પણ કેસ નોંધાયા છે અને મૃત્યુ પામ્યા છે તેઓના આંકડા આજ સુધીના ડેટામાં સામેલ જ છે. ભારતનો કેસ બમણો થવાનો રેટ પણ 10થી 12 દિવસ વચ્ચે ફરતો રહે છે જે ઉલ્લેખનીય નિયંત્રણ કહી શકાય. પ્રથમ ચરણમાં થયેલી શ્રમિકોની હિજરતને લીધે જે કેસ આવવા જોઈએ તે પણ લોક ડાઉન દરમ્યાન બહાર આવી ગયા તેમ કહી શકાય. વડાપ્રધાન મોદીને હવે એક ખુબ જ વાજબી ચિંતા છે કે હિજરત બાદ હવે ગામડાઓમાં કોરોના ન પ્રસરે.

જો અમેરિકા અને યુરોપના દેશોના દરે ભારતમાં મૃત્યુ નોંધાયા હોત તો ભારતની વસ્તી જોતા ઓછામાં ઓછા બે લાખ અને વધુમાં વધુ પાંચ લાખ નાગરિકોને કોરોના ભરખી ગયો હોત. ભારતની અત્યાર સુધીની ઐતિહાસિક સફળતાનો જશ વડાપ્રધાન મોદીએ ખુબ જ સમયસર ત્રણ લોક ડાઉન આપ્યા તેને આપી શકાય. હા, કેટલાક નિર્ણયો એવા હોય કે તેની ભૂલ પ્રક્રિયામાં આગળ ધપતા બહાર આવે છે પણ આવા અકળ અને ક્યારેય વિશ્વને અનુભવ ન હોય તેવા વાયરસ સામેના જંગમાં તે ભૂલને ક્ષમ્ય ગણી શકાય.

જો વડાપ્રધાને પ્રથમ લોક ડાઉન જાહેર કરતા અગાઉ પરિવહનની વ્યવસ્થા કરી જેઓ અન્ય શહેર કે રાજ્યોમાં ફસાયેલા છે તેવા નાગરિકો અને શ્રમિકોને તેમના વતન જવા દેવા માટે પાંચેક દિવસ આપ્યા હોત તો શ્રમિકોની આવી દયનીય અને આત્મસન્માનને ઠેંસ પહોચતી હાલત ન થઇ હોત. હવે વધુ મોટો પડકાર એ સર્જાશે કે જ્યારે લોક ડાઉન અમુક ઝોનમાં અને ઉદ્યોગ માટે હળવો કરાશે તો શ્રમિકો અને કારીગરો વગર અર્થતંત્રના પૈડા ક્યાંથી ફરવાના શરુ થશે. દેશ ખોલવાનું વિચારાય છે ત્યારે તો હજુ શ્રમિકો તેમના વતન ભૂખ્યા -તરસ્યા પહોંચ્યા હશે. આ શ્રમિકો એ હદે રઝળ્યા છે કે તેઓ સમસમી પણ ગયા છે અને ફફડી પણ રહ્યા છે. તેઓ એવા ભય સાથે ગયા છે કે કોરોના એક વખત કાબુમાં આવશે તો પણ ફરી વખત વાયરસ શિયાળામાં દેખા દઈ શકે છે. તે રીતે વિચારીએ તો શ્રમિકો બીજા વર્ષ સુધી તેમનું વતન નહીં છોડે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર, ઉદ્યોગપતિઓએ તેઓને વિશ્વાસ આપવો પડશે. તેઓને ગામડા કે તેમના વતનમાં રોજી નહીં હોઈ કઈ રીતે ઝઝૂમે છે તે પણ જોવાનું રહેશે. હજુ તો દેશમાં આંતરરાજ્ય અને મુક્ત રીતે પરિવહન શરુ થતા સમય લાગશે. ચોમાસુ બેસશે ત્યાં દિવાળી નજર સામે દેખાશે. અબજોની મૂડી, ઉદ્યોગ, પ્લાન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પણ શ્રમિક જ ન હોય તો એકડા વગરના મીંડા જેવું છે. આ તો શ્રમિકોની વાત થઇ. ગામો અને શહેરોમાં જે બેકારી સર્જાશે તે પડકારને પણ કેમ ભૂલાય.ખેર ભયાનક સમયની વાતો બહુ આગળ નથી લંબાવવી પણ વાસ્તવિકતાનો અંદાજ તો દરેક વ્યક્તિએ રાખવો જ પડશે. શ્રમિકોની સમસ્યા વચ્ચે ખેડૂતોની વ્યથા અને દુર્દશા ભુલાવી ન જોઈએ. એક જાગૃત વાચકે ચિંતા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં નકસલવાદ અને ગુનાખોરી પણ ભારે માત્રામાં વધી શકે તેમ છે.

અત્યારે સરકાર પર અર્થતંત્રમાં હિલચાલ આરંભવાનું ભયંકર દબાણ છે તેથી રેલ, ઓનલાઈન ડીલીવરી, રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો ખોલવી અને ઉદ્યોગ શરુ કરવાના નિર્દેશો તો બહાર પડે છે. આવું તો અગાઉના લોક ડાઉનના તબક્કા વખતે પણ થયેલું પણ ત્યારે વેપારી એસોસિયેશનોએ જ સામે ચાલીને હજુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય જણાવ્યો હતો. ફેકટરી અને મધ્યમ ઉદ્યોગકારોએ વેદના વ્યક્ત કરી હતી કે કામદારો અને કારીગરો જ નથી આવતા. સરકારે પણ જે નિયમનો રાખ્યા છે તેની કડાકૂટ અને કાયદાના બંધનમાં નિયંત્રિત ઉત્પાદનમાં તેઓને રસ નથી.

રેસ્ટોરાં, મોલ, સિનેમા, લગ્ન પ્રસંગો અને ધામક મેળાવડા, મંદિરોમાં આવતા પણ જાગૃત નાગરિકો છૂટ અપાય તો પણ ડરે જ. લોક ડાઉન ખુલે કે ન ખુલે કોરોનાના કેસ શૂન્ય પર પહોંચે નહીં અને તે પછી બીજા પંદર દિવસ પણ નવા કેસ ન આવે ત્યાં સુધી બજાર કે અર્થતંત્રમાં ખાસ હલચલ જોવા નહીં મળે.

એક વાત સમજી લેવી પડશે કે લોક ડાઉન અને માસ્ક, ફીઝીકલ ડિસ્ટન્સ, સેનીટાઈઝર કેસનું સંક્રમણ દેશમાં ફરી ન વળે તે માટે હોય છે. તેને લીધે કેસ અને મૃત્યુના આંક વિશ્વની તુલનામાં અસાધારણ રીતે ઘટેલા જોઈ શકાયા પણ આ તો વાયરસના રાક્ષસી રંજાડને છેટે રાખવાનો કામચલાઉ કીમિયો માત્ર છે. માનવ જગતને ખરો છુટકારો વાયરસ સામે એન્ટી બોડી કે રસીની શોધ થાય તો જ મળી શકે તેમ છે . આવે સમયે આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે. જીવતા રહેવું પડશે એટલે વાયરસ તેનું કામ કરતો રહે અને આપણે આપણું કામ તેમ ન સમજતા. ચેપ ન લાગે તેની જવાબદારીથી રહેવું અને રોગ પ્રતિકાર શક્તિ વધારતા રહેવી પડશે. હજુ પણ વારંવાર કરિયાણું, દવા અને શાકભાજી લેવા જવાનું ત્રણેક મહિના ટાળવું. રેસ્ટોરાં અને મોલ નિયંત્રણ સાથે ખુલે તો પણ અમેરિકા અને યુરોપના દેશોની જેમ ફ્રીડમ ભોગવતા તૂટી ન પડતા. કામ ધંધે જાઓ તો પણ માસ્ક અને સલામત અંતર રાખવું. મંદિરમાં દર્શન કરવા કે ખાણી પીણીની ભીડમાં જવા કરતા ઘેર જ મજા કરો, ભક્તિ કરો. ક્રમશ, લોક ડાઉન તો સરકારને ઉઠાવવો જ પડે પણ આપણે જવાબદારીપૂર્વક વર્તવું પડશે. કુટુંબીઓ અને મિત્રોને મળવામાં હજુ ધીરજ રાખવાની જરૂર છે. જો રાજાના ઘોડા છૂટયા તે રીતે વર્તીશું તો અમેરિકા અને યુરોપના દેશો જેમ જ લાશોની હરોળ જોવા તૈયાર રહેજો. . ડરના ઔર ડરાના ભી જરૂરી હૈ. 

હા, કોરોનાના લક્ષણો દેખાય એટલે કંઈ જીવનનો અંત તેવો ફફડાટ બિલકુલ કાઢી નાંખવો. 70 વર્ષથી વધુ વયના અને જેમને હૃદય, ફેફસા અને કીડનીની બીમારી છે તેઓને જ વધુ ભય હોઈ વિશેષ સાવચેતી જરૂરી છે. બાકી ઘેર પણ એક રૂમમાં જાતે જ ડોક્ટર કહે તેટલા દિવસ અન્ય સભ્યોથી દુર રહીએ તે પુરતું છે.

આપણે મધ્યાંતર સુધીની લડાઈમાં કોરોના વાયરસને એ હદે તેના પાશવી ઈરાદામાં સફળ નથી થવા દીધો, વિશ્વ અને યુનાઈટેડ નેશન્સે પણ તેની નોંધ લીધી છે. અમેરિકા જેવા સુપર પાવર દેશ કરતા આપણી વસ્તી ચાર ગણી છે છતાં અમેરિકાના મૃત્યુ આંક જેટલા ભારતમાં કોરોનાના કેસની પણ સંખ્યા નથી તે જેવી તેવી વાત નથી. વિશ્વનો ભારત માટેનો નજરિયો જ બદલાઈ ગયો છે. મોદી ઉપરાંત આ માટેનું શ્રેય ભારતના નાગરીકો કે જેઓઓએ અમુક અપવાદોને બાદ કરતા જોરદાર શિસ્ત બતાવ્યું છે તેને આપવું જ રહ્યું. અન્ય દેશોની સરકાર અને મેડીકલ સીસ્ટમ નાગરિકોના બેજવાબદાર વર્તનનાં મામલે જ માર ખાઈ ગઈ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, અમલદારો માટે જ નહીં વિશ્વભર માટે આ પ્રથમ વખતનો પડકાર છે તે જોતા જોરદાર કામ તેઓ દ્વારા થયું છે. મેડીકલ, પેરા મેડીકલ,નસગ,પોલીસ દળને પણ સો સલામ.ગરીબો અને શ્રમિકોને પણ 'વોરિયર'નો દરજ્જો જ આપવો રહ્યો. એકબીજાને જીવાડી લેનારા દિલાવારોએ હજુ અનુકંપાનો દીવડો પ્રજવલિત રાખવાનો છે. કોરોના વાયરસ શક્ય છે કે આજે પણ ખંધુ હાસ્ય કરીને આપણને સૌને ડાયલોગ ફટકારતો હોય કે 'પિક્ચર અભી બાકી હૈ.' 

આપણી ખરી પરીક્ષા હવે જ છે. દરેક નાગરિક અને પરિવાર ધીરજ, સંયમ અને શિસ્ત સાથે હજુ કેટલાક મહિનાઓ ખેંચી કાઢશે તો જ 'ખાધું પીધું અને રાજ કીધું'જેવો અંત આવશે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/363ioQn
Previous
Next Post »