હસમુખ ગજજર
673 વર્ષ પહેલા ચીનના ઉંદરડાઓથી ફેલાયેલા બ્લેક ડેથે યુરોપમાં તાંડવ મચાવતા 7.5 કરોડ લોકોના મોત થયા હતા.માનવ ઇતિહાસમાં કોઇ વાઇરસ કે બગે આટલી ઝડપે માનવ વસ્તીનો સફાયો કર્યો ન હતો. લોકો પાંચ વર્ષ સુધી ઘરમાં પૂરાયેલા રહેવાથી ભૂખમરો ફાટી નિકળ્યો હતો
ઇ સ 1347ના ઓકટોબર મહિનામાં ઇટલીના સિસલી પોર્ટ પર આવનારા 12 વેપારી જહાજોની લોકો આતૂરતાથી રાહ જોઇ રહયા હતા. એ સમયે જહાજો દરિયાનો લાંબો પથ કાપીને આવે ત્યારે જહાજમાં સફર કરતા મુસાફરોના પ્રિયજનો દરિયાકાંઠે રાહ જોઇને ઉભા રહેતા હતા. હવામાન પલટા અને દરિયાઇ માર્ગોના જોખમના હિસાબે જહાજો કલાકો નહી પરંતુ દિવસોમાં વહેલા કે મોડા કાંઠે આવતા હતા. સિસલી ટાપુ પર એક પછી એક જહાજો તો લાંગર્યા પરંતુ ઉત્સાહભર્યો સળવળાટ જોવા મળ્યો નહી.
આમ તો લાંબી સફર ખેડીને આવેલા જહાજ લાંગરે એટલે મુસાફરોની ચિચિયારીઓના નાદથી બંદર ગુંજી ઉઠે તેના સ્થાને વાતાવરણ શાંત હતું. ખૂબ વાર થયા પછી મુસાફરોના પ્રિયજનોએ જહાજ પર જઇને તપાસ કરતા લાશોના ઢગલા વચ્ચે અધમૂવા મુસાફરોને જોઇને હેબતાઇ ગયા હતા. જહાજના કપ્તાનોએ જહાજને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડયા પરંતુ જહાજની અંદર બેઠેલા મુસાફરો ટપોટપ મોતને ભેટયા હતા. કલાકો સુધી અફરાતફરીના શોકભર્યા માહોલ વચ્ચે જહાજમાં પડેલી લાશો બહાર કાઢીને સામૂહિક દફનવિધી કરવામાં આવી હતી. આ કાર્યવાહી માંડ આટોપાઇ ત્યારે સંદેશો આવ્યો કે નગરમાં પણ કેટલાક લોકોના અચાનક મોત થયા છે. બન્યું એવું હતું કે જહાજમાંથી અધમૂવા અને બીમાર મુસાફરો ઉતર્યા તેની સારવાર કરી રહેલાને અજ્ઞાત રોગ ભરખી ગયો હતો. એ પછી તો આગની જેમ બીમારીએ એવો કાળ કેર વરતાવ્યો કે લાશો ગણવી અઘરી થઇ પડી.
ઇસ 1347 થી 1351ના સમયગાળા દરમિયાન આવેલી આ મહામારી ઇતિહાસના પાના પર બ્લેક ડેથ (પ્લેગ)ના નામે પ્રચલિત છે. 14 મી સદીની શરુઆતના બે દાયકા આસપાસ ખેતી નિષ્ફળ જવાથી યૂરોપ આમ પણ અનાજની અછતમાં જીવતું હતું. એમાં કાળા તાવની બીમારીએ પછાડ પર પાટું મારવાનું કામ કર્યુ હતું. જેમ કોરોના વાયરસ એક રહસ્ય છે એમ બ્લેક ડેથ પણ રહસ્ય રહયો હતો. આ રોગ કયાંથી આવ્યો તે અંગે અનેક અટકળો થઇ ત્યારે પણ નામ તો ચીનનું જ આવતું હતું.
આ રોગ અગાઉ ચીનમાં અનેકવાર ફેલાયો હતો પરંતુ ઇસ 1340માં તે ચીનના સીમાડા કુદીને વિશ્વમાં પ્રસર્યો હતો. વ્યાપારમાં સરળતા રહે તે માટે મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ યૂરોપ વચ્ચે સંપર્ક સ્થાપિત કરવા જમીન અને જળમાર્ગ વિકસિત થયા હતા. ચીનથી યૂરોપ તરફ જતા વેપારી માર્ગને સિલ્કરુટ કહેવામાં આવતો હતો. 14 મી સદીના ચોથા દાયકા દરમિયાન ચીનમાં બ્લેક ડેથ (પ્લેગ) સિલ્ક માર્ગથી યૂરોપ સુધી ફેલાયો હતો.
આ રોગ માટે જવાબદાર ગણાતા વિષાણુ ફેલાવતા કાળા ઉંદર ચીનમાં ખૂબ થતા હતા. ક્રિમિયાથી જહાજો જયારે ઇટલીના સિસલી પોર્ટ પર રવાના થયા ત્યારે જહાજમાં પણ રોગિષ્ટ ઉંદર હતા. એ સમયે જહાજમાં જઇને તપાસ કરનારા બિચારા લોકોને કયાં ભાન હતું કે આ એક સંક્મક રોગ છે જે યૂરોપ માટે ખતરનાક સાબીત થવાનો છે.
ચીનથી યૂરોપમાં ફેલાયેલી બ્લેકડેથની મહામારીથી પ વર્ષમાં 8.5 કરોડ લોકોના મોત થયા હતા જે અંદાજે કુલ વસ્તીના 50 ટકા જેટલા હતા એટલે કે અડધુ યૂરોપ સાફ થયું હતું. સામૂહિક કબરો ખોદીને જેમ તેમ લાશો દફનાવવામાં આવતી હતી. લોકોને રોગના લક્ષણો અને ચેપ અંગે જેમ સમજણ પડી તેમ જાતે જ ઘરમાં કેદ થવા લાગ્યા હતા. મહિનાઓ સુધી ગ્રામ અને નગરોના ગલી માર્ગો ભેંકાર ભાસતા હતા. ઇટલી, સ્પેન, ઇગ્લેન્ડ હોય કે ફ્રાંસ એ સમયે જેમના હાથમાં સત્તાનો દોરી સંચાર હતો એ શાસકો જ પોતાનો જીવ બચાવવામાં પડયા હતા ત્યારે લોકોની સારવાર કરવાવાળું કોઇ જ ન હતું.
રોગિષ્ટ માણસ ગમે તેવો નજીકનો સગો હોયતો પણ લોકો કાળજી લેતા ન હતા. પાડોશી તો દૂર પરીવારના સંબંધો પણ તૂટી ગયા હતા. મા પોતાના છોકરા સામે ન જુએ એટલી માનવતા નીચી ઉતરી ગઇ હતી. 14મી સદીમાં બ્લેક ડેથ તરીકે ઓળખાતી બીમારી હકિકતમાં યર્સીનિયા પેસ્ટિસ વાયરસથી થતો પ્લેગ રોગ હોવાનું પછીથી સાબીત થયું હતું. આ રોગ ચીનના ઉંદરોમાંથી માણસોમાં આવ્યો હતો. ચીનથી અવરજવર કરતા વેપારી જહાજોનો પ્લેગ ફેલાવવામાં મોટો ફાળો હતો.
લંડનના કબ્રસ્તાનમાં મધ્યકાલીન શબો બહાર કાઢીને તપાસ થતા માલૂમ પડયું કે એ સમયના લોકોમાં બ્લેક ડેથ માટે જવાબદાર વાયરસનો સામનો કરવાની ક્ષમતા જ ન હતી. માનવ ઇતિહાસમાં અગાઉ કોઇ વાયરસ કે બગે આટલી મોટી સંખ્યામાં નરસંહાર કર્યો ન હતો. આ મધ્યકાલીન પ્લેગ તમામ પ્રકારના આધુનિક પેથોજેનિક પ્લેગના મૂળિયામાં હતો. 14 મી સદીની આ મહામારી વિશે એ જમાનાના પ્રખ્યાત ઇટાલિયન લેખક અને પત્રકાર ગિયોબાવી બોકાસિયો ફલોરેંસે લખ્યું હતું કે યુરોપમાં બે પ્રકારના બ્લેક ડેથ થતા હતા.
પ્રથમ ન્યૂમોનિક જેમાં ભારે તાવ આવતો અને લોહીની ઉલટી થતી અને 3 જ દિવસમાં માણસનું મોત થતું હતું. બીજો પ્રકાર બ્યૂબોનિક જેમાં ભારે તાવ સાથે દર્દીની જાંઘ અને બગલના ભાગમાં ગાંઠો ઉભરી આવતી હતી. આગની જેમ ફેલાતો બ્યૂબોનિક સ્વસ્થ વ્યકિતના શરીરમાં પ્રવેશીને રોગપ્રતિકારકશકિતના મજબૂત કિલ્લાને ધરાશયી કરી નાખતો હતો. સતત 5 વર્ષ સુધી કાળો કેર વરતાવ્યા પછી બ્લેક ડેથની અસર ઓછી થવા લાગી હતી કારણ કે લોકોએ પોતાને જાતે જ બીમાર માણસોથી દૂર કરી લીધા હતા.
14મી સદીના મધ્યાંતરે હાહાકાર મચાવનારા બ્લેકડેથના ઇલાજ માટે લોકો શરીર ઉપર થયેલી ગાંઠો ફોડવા ઉકળતું ગરમ પાણી નાખતા અથવા તો ગરમ ડામ દેતા હતા. જો કે આ કોઇ કારગત ઇલાજ ન હતો છતાં સંતોષ ખાતર અપનાવતા હતા. યૂરોપના વધુ લોકો તો આ મહાઆફત ભગવાનનો કોપ સમજતા હતા. લોકો રોગથી બચવા વિવિધ તરીકા અજમાવતા એમાંથી જ ખુદને કોડા મારવાની ભયાનક પ્રથાએ જન્મ લીધો હતો. આ પ્રથા મુજબ 33 દિવસ સુધી એક દિવસમાં 3 વાર લોકો ખુદના શરીરને કોડા મારતા હતા.ધીરેધીરે આ પ્રથા પ્રચલિત ખૂબ થઇ પરંતુ પ્લેગ મટવા સાથે આને નાવા નિચોવાનો સંબંધ ન હતો.
લગભગ પાંચ વર્ષ સુધી બ્લેક ડેથનો ખૂની ખેલ ચાલતો રહયો છેવટે ચીન અને એશિયાથી પાછા ફરતા જહાજોને આઇસોલેશનમાં રાખવાનું શરુ કરવામાં આવ્યું હતું. જયાં સુધી જહાજમાં બેઠેલા માણસો સ્વસ્થ છે તેની ખાતરી ના થાય ત્યાં સુધી મૂળ માનવ સમૂહથી અલગ રાખવામાં આવતા હતા. પછીથી આઇસોલેશનનો સમય 30 દિવસનો રાખવામાં આવ્યોે હતો. યૂરોપની કળા અને સંસ્કૃતિને પણ બ્લેક ડેથે ખૂબ નુકસાન કર્યુ હતું. આ બ્લેક ડેથની બીમારીમાંથી બહાર આવીને વિકાસ કરવામાં યૂરોપને વર્ષો લાગ્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35ZOEUo
ConversionConversion EmoticonEmoticon