નડિયાદ, તા. 21 મે 2020, ગુરુવાર
નડિયાદના એક આશાસ્પદ યુવાનનું અમેરિકાના ન્યુજર્સીમાં મોત નિપજ્યું છે. પરંતુ કમનસીબ બાબત એ છે કે છેલ્લાં ૪૮ કલાકથી તેના પરિવારજનોની કોઇ ભાળ મળતી નથી તેવી અફવા આજે દિવસભર સોશ્યલ મીડીયામાં ચર્ચાસ્પદ રહી હતી. ન્યુજર્સી ખાતે પોતાના ઘરમાં એકલા જ રહેતા આ યુવાનનું મોત કોરોનાથી થયું હોવાની અફવા પણ જોરશોરથી ચાલી હતી.
પરંતુ તેમનું અવસાન બ્રેઇન હેમરેજથી થયું હોવાની ખાતરી થતા ત્યાંના અડોશી પડોશી તથા નજીકના સગાસંબંધીઓ ચિંતામુક્ત થયા હતા. અત્યારે અમેરિકામાં કોરોનાને કારણે ટપોટપ મરતા માણસોથી સ્મશાનગૃહ ઉભરાઇ ગયા છે. આથી ૪૮ કલાક પહેલા મૃત્યુ પામેલ ગુજરાતી યુવાનની અંતિમ ક્રિયા હજી સુધી થઇ શકી નથી.
ન્યુજર્સીના આઇસેલીનના હાર્ડીંગ એવ. ખાતે રહેતા આતિશ વિ.પટેલ નામના એક યુવાન અચાનક પોતાના ઘરમાં બ્રેઇન હેમરેજને કારણે બેભાન થઇને પડયા હતા. ગત્ રોજ તેમના ઘરમાંથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આથી તેમને તાત્કાલિક જે.એફ.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
આતિશભાઇનું મોત કોરોનાને કારણે થયું હોવાની તથા તેમના પરિવારજનો કે માતાપિતાની કોઇ ભાળ મળતી નથી તેવી અફવાઓ ગઇકાલથી સોશ્યલ મિડીયામાં જોરશોરથી ચાલી હતી. વળી આ યુવાન નડિયાદનો વતની છે, તેના માતાપિતા અમદાવાદમાં રહે છે, તેઓનું પણ મૃત્યુ થઇ ગયું છે એવી વિગતો સાથે સોશ્યલ મિડિયામાં આ યુવાનના ઘણાં ફોટાઓ અને મૃતદેહના ફોટા પણ વાઇરલ થયા હતા.
પરંતુ આખરે આ સઘળી હકિકત અફવા સાબિત થઇ હતી. અને યુવાનનું મોત માત્ર બ્રેઇન હેમરેજથી જ થયું હોવાની અને તેના પરિવારજનો પણ હયાત હોવાની બાતમી મળી હતી. આતિશ તેમના ઘરમાં એકલા જ રહેતા હોવાથી તેમના વિશે વધુ કોઇ વિગતો મળી આવી નથી, પરંતુ ન્યુજર્સીમાં રહેતા ભારતીય લોકોએ તેમના વિશે અમદાવાદ ખાતે રહેતા તેમના પરિવારજનોને આ સમાચાર પહોંચાડયા હતા. જો કે આ લખાય છે ત્યાં સુધી તેની અંતિમક્રિયા થઇ નથી કારણ કે ન્યુજર્સીમાં ફ્યુનરલ માટેનું વેઇટીંગ લીસ્ટ ઘણું લાંબુ છે.
આખરે રરમી તારીખે તેમની અંતિમવિધિની પૂજા અને ૨૩મીને શનીવારે સવારે તેમના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં એમ પણ જાણવા મળ્યું છે કે આ આશાસ્પદ યુવાને મૃત્યુ અગાઉ પોતાના શરીરના મૂલ્યવાન અંગો દાન કરવાની કાયદેસર જાહેરાત કરેલ છે. આથી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ અમેરિકાના પરિવારજનોએ જણાવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A2iNqk
ConversionConversion EmoticonEmoticon