આણંદ ગંજબજારમાં પાન-મસાલાના જથ્થાબંધ વેપારીઓને ત્યાં છૂટક વેપારીઓ ઉમટયા


આણંદ,તા. 21 મે 2020, ગુરુવાર

લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા પાનના ગલ્લાં ખુલ્લા રાખવાની છુટ મળતા આણંદ શહેરના ગંજ બજારમાં આજે સવારના સુમારે જથ્થાબંધ વેપારીની દુકાનો ખાતે તમાકુ તથા તમાકુની બનાવટો ખરીદવા આવતા છુટક વેપારીઓની ભારે ભીડ જામી હતી. 

લોકોએ ખરીદી માટે પડાપડી કરતા સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને આખરે કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરવાનો વારો આવ્યો હતો. જો કે છુટક વેપારીઓ દ્વારા દુકાન પાસે ભીડ એકત્ર કરવામાં આવતા આખરે પોલીસે આ મામલે મોરચો સંભાળી તમામ લોકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો હતો.

વધુમાં મળતી વિગતો મુજબ લોકડાઉનના ત્રીજા તબક્કા સુધી જીવન જરૂરીયાત સિવાયની ચીજવસ્તુઓ ઉપર પ્રતિબંધ રહ્યા બાદ લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સવારના ૮ઃ૦૦ થી ૪ઃ૦૦ કલાક દરમ્યાન વિવિધ વેપાર-ધંધાને છુટ આપવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લામાં પાનના ગલ્લાંઓ પણ શરૂ થયા છે.

જો કે છેલ્લા ૫૦ દિવસ ઉપરાંતથી પાનના ગલ્લાં બંધ રહેતા વ્યસનની આદતવાળા લોકોની હાલત કફોડી બની હતી. આખરે પાનના ગલ્લાં ખુલતા છેલ્લા બે દિવસ દરમ્યાન વ્યસનના બંધાણીઓએ પાનના ગલ્લાં તરફ દોડ લગાવી છે. તો બીજી તરફ પાનના ગલ્લાંના વેપારીઓ પાસે પણ પુરતો સ્ટોક ન હોઈ હવે તેઓ જથ્થાબંધ વેપારીઓને ત્યાં ખરીદી અર્થે ઉમટી રહ્યા છે.

આણંદ શહેરના સરદારગંજ  બજારમાં આજે સવારના સુમારે તમાકુ તથા તેની બનાવટોના જથ્થાબંધ વેપારીઓને ત્યાં છુટક વેપારીઓ સહિતના લોકોએ ખરીદી અર્થે પડાપડી કરી હતી. પાન-મસાલા સહિત તમાકુની બનાવટોની અછતને લઈ મોટી સંખ્યામાં લોકો ગંજ બજારમાં ખરીદી અર્થે ઉમટી પડયા હતા. જો કે બીજી તરફ જથ્થાબંધ વેપારીઓને ત્યાં પણ પુરતો સ્ટોક ન હોઈ તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દુકાન ખોલતાની સાથે જ ગ્રાહકોએ પડાપડી કરતા કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરવાનો વારો આવ્યો હતો.

 તેમ છતાં ખરીદદારો દુકાન આગળથી ખસ્યા ન હતા અને ભારે ભીડ જામી ગઈ હતી. લોકોને સંયમ જાળવવા જણાવ્યું હતું તેમ છતાં લોકો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનું ઉલ્લંઘન કરવામાં આવતા હોલસેલના વેપારીઓ વિમાસણમાં મુકાયા હતા અને આખરે વેપારીઓએ પોલીસનો સહારો લેવો પડયો હતો. પોલીસે તમામ વેપારીઓને સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ખરીદી કરવા અનુરોધ કર્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36rKVz5
Previous
Next Post »