કણજરીના કોરોનાના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા નડિયાદમાંથી રજા અપાઈ


નડિયાદ,તા. 21 મે 2020, ગુરુવાર

નડિયાદના વધુ એક કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.નડિયાદ તાલુકાના કણજરીના ઇલિયાસભાઇ વ્હોરા આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.

કણજરી ગામની મદની પાર્ક સોસાયટીમાં રહેતા અને નગરપાલિકાના કાઉન્સીલર ૫૦ વર્ષિય ઇલિયાસભાઇ એ. વ્હોરાને તા.૧૧ મે રોજ કોરોના રીપોર્ટ  પોઝીટીવ આવ્યો હતો.જેથી તેમને નડિયાદની કોવિડ-૧૯ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા.ઇલિયાસભાઇ કણજરી પાલિકામાં કાઉન્સેલર છે.લોકડાઉન સમયે તેઓ કીટ વિતરણ કરવા માટે ગામમાં ફરતા હતા. 

આથી કોરોના સંક્રમિત થયા હોવાની ચર્ચા છે. ગત્ ૧૦-૫-૨૦૨૦ ના રોજ તેમને હાઇ બીપી થતા આણંદની શાશ્વત હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા.ત્યાંથી તેમને કરસમદ હોસ્પિટલ કે પછી ઝાયડસ જેવી મોટી હોસ્પિટલમાં જવાનું કહેવામાં આવ્યુ હતુ.

પરંતુ તેઓ આણંદની અજય કોઠીયાલાની હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હતા અને ત્યાં એક આખો દિવસ રહ્યા હતા.ત્યારબાદ ગત્ તા.૧૧-૫-૨૦૨૦ ના રોજ નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સામે ચાલીને બતાવવા આવ્યા હતા. જ્યાં તેમનો  કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જે પોઝીટીવ આવતા ત્યાંજ આઇસોલેટ કરાયા હતા.

આજે દસ દિવસ બાદ તેમનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતો અને તે નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે તેમને વિદાય આપી હતી.  ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૫૫ પર પહોંચ્યો છે. તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36lQQpi
Previous
Next Post »