હોરાઈઝન - ભવેન કચ્છી
કોઇમ્બતોરના 85 વર્ષના વૃદ્ધા છેલ્લા ત્રીસ વર્ષથી સેંકડો શ્રમિકો માટે રોજ રૂ જેવી પોચી ઈડલી બનાવીને પ્રેમથી પીરસે છે... લોક ડાઉનમાં તેમનો ઈડલી યજ્ઞા હોલવાઈ જાય તેમ લાગતું હતું ત્યારે જ...
વિશ્વવિખ્યાત શેફ વિકાસ ખન્નાએ તેમના વિશ્વવ્યાપી મિત્રોને અપીલ કરી અને શ્રમિકો તેમજ ગરીબો માટે ભારતમાં 40 લાખ ગ્રોસરી કીટનું વિતરણ કરાવ્યું
કોરોના જીવાણુના ચેપ આપણને ન લાગે તેવી પ્રાર્થના પણ દિલાવરોના હૃદયમાં ઊર્જિત થતા અનુકંપાના વિજાણુઓ આપણામાં ફેલાય તો ઉત્સવની લાગણી અનુભવજો
તમિલનાડુના કોઈમ્બતોર નજીકના ગામમાં એક કાચી પાકી ઝૂંપડી જેવી ઓરડીની બહાર સવારે આઠેક વાગ્યાની આસપાસ શ્રમિકો રોજની જેમ ભારે શિસ્ત સાથે કેળનું પાન જમીન પર ગોઠવીને હરોળબંધ બેઠા છે. થોડી જ વારમાં ગણગણાટ સંભળાય છે કે 'અમ્મા આવી..અમ્મા આવી. 'સાવ એકવડા બાંધાના 85 વર્ષના વૃદ્ધા ઓરડી અને રસોડું બંનેની ગરજ સારતા કક્ષમાંથી બહાર ડગ માંડતા દેખાય છે. તેમના હાથમાં એક મોટા પવાલામાં સફેદ રૂનાં જાણે ટચુકડા તકિયા ગોઠવેલા હોય તેવી વરાળ ઉડાડતી ઇડલીઓ છે. ભૂખ્યા શ્રમિકો જ શું કામ ભોજન લઈને તમે બેઠા હો તો પણ ઉભા ઉભા બે ચાર ઇડલીઓ વગર ચટણીએ મોંમાં ઓગાળી દો તેવી આ ઇડલીઓ દુરથી જ મનમોહિની લાગે છે. વૃદ્ધા પોતે જ ઉંમર અને વર્ષોના શ્રમને લીધે કમરથી એટલા ઝુકી ગયા છે કે ઈડલી પીરસતા તેમને વિશેષ ઝૂકવું નથી પડતું. અમ્માની તરત પાછળ સંભારની ડોલ લઈને તેમની પુત્રી આવે છે. બે કલાકમાં તો ત્રણસો જેટલા શ્રમિકો ઈડલી, સંભાર અને ચટણી આરોગી નજીકના ખેતરો અને હુન્નરોમાં મજુરી માટે ભારે તૃપ્તિનો ઓડકાર ખાઈને જોડાઈ જાય છે. આમ તો આ વૃદ્ધાનું નામ કે. કમલાથલ છે પણ નજીકના ગામોના લોકો પ્રેમથી તેમને 'ઈડલી અમ્મા' કહીને સંબોધે છે.
અમ્માના ઘરની બહાર આ રીતે શ્રમિકો ઈડલી આરોગી મજૂરીએ ચઢે તે આજકાલનું દ્રશ્ય નથી. છેલ્લા 30 વર્ષથી રોજ અમ્મા આ રીતે ઈડલી પીરસે છે. તેમની ઈડલી કદમાં મોટી અને શ્રમિક સહેજે બે કે વધુમાં ત્રણ ઈડલી ખાઈ શકે તેવી હોય છે. અમ્મા સંભાર અને ચટણી પણ છૂટથી પીરસે છે . અમ્મા એક ઈડલીનો એક રૂપિયો લે છે. શ્રમિકો કહે છે કે અન્ય ઈડલી વેચનારાઓએ હવે ગામડાઓમાં ભાવ એક નંગના ત્રણથી પાંચ રૂપિયા કરી દીધો છે અને થોડે દુર શહેર નજીક તો દસ રૂપિયાની ઈડલી મળે છે ત્યારે અમ્મા અમારી કાળી મજુરીની રકમ બચાવવામાં અમારામાં પ્રાણ ફૂંકતી મદદ કરે છે. એક ગરીબ પરિવાર અમ્માને લીધે મહીને છસ્સો-આઠસો રૂપિયા બચાવી શકે છે.
શ્રમિકો કહેછે કે અમને પંદર રૂપિયા એક ટંકનું એક જણા માટેનું ટીફીન પોસાતું નથી. અમ્મા અમારા માટે અન્નપુર્ણા દેવી છે. અમ્માએ ભારે મોંઘવારી છતાં છેલ્લા દસ વર્ષથી એક ઈડલીનો ભાવ એક રૂપિયો જ જાળવી રાખ્યો છે. ત્રીસ વર્ષ પહેલા તેમણે આ સેવા શરૂ કરી હતી ત્યારે એક ઈડલીના 25 પૈસા રાખેલા દસ વર્ષ પછી પચાસ પૈસા અને બીજા દસ વર્ષ પછી એક રૂપિયો ભાવ ભારે ગ્લાની સાથે વધારવા ફરજ પડી હતી. શ્રમિકો કહે છે કે અમે સસ્તામાં ઈડલી -સંભાર મેળવીએ છીએ તેનો જ નહીં પણ જાણે અમારા માતા જે પ્રેમથી ભોજન બનાવે અને પીરસે તેવી લાગણી અનુભવીએ છીએ તે અમને બહુ સ્પર્શે છે. દુકાનદાર પાસેથી આ આંતરિક પ્રેમ અને સન્માન ન મળે. અમ્માના ઘરની બહાર જાણે સામાજિક મેળાવડો અને ઉત્સવ હોય તેવું અમને લાગે છે. પરસ્પર હંસી મજાક કરતા ઈડલી આરોગીએ અને પ્રસન્ન -તૃપ્ત થઈને મજૂરીએ ચઢીએ એટલે થાક પણ ઓછો લાગે છે અને કાર્યક્ષમતા જોઈ માલિકો પણ ખુશ થાય છે.
અમ્માના આ ઈડલી યજ્ઞાથી અત્યારે જ મનોમન ભાવુક થઈને તેમને વંદન કરવા માંડયા હો તો થોભજો કેમ કે હજુ તેમને શાષ્ટાંગ દંડવત કરવાનો ભાવ જાગે તેવી તેમની દિનચર્યા જાણવાની છે. રોજ સવારે બધાને ઈડલી ભોજન કરાવી અમ્મા તેમના પુત્રના ખેતરે જવા નીકળે છે.ખેતરમાં તેઓ શાકભાજી અને તુગત પાકનું વાવેતર કરી ગુજરાન ચલાવે છે, અમ્મા તેના ખેતરમાંથી સંભારમાં ઉમેરવાના બટાટા, કાંદા અને સરગવા ઝાડમાંથી ઉતારે છે. બીજા દિવસ માટેની આ તૈયારી હોય છે. સાથે અગ્નિ પ્રગટાવવાના લાકડા પણ લાવે છે. તેમના પૌત્રો અને પૌત્રીઓ અમ્માને મદદ કરે છે. અમ્મા આજે પણ રોજ લાકડા સળગાવીને ચૂલો પ્રજવલિત કરે છે. આ રીતે સંભારમાં ઉમેરવાના શાક અને ચટણી માટેની સામગ્રી લઇ આવી એકાદ કલાક અમ્મા આરામ કરે છે. બપોરે ચારેક વાગે તેમનું મહાઅભિયાન કે જે અમૃત મંથન પણ કહેવાનું મન થાય તે શરુ થાય છે.
એમાં પાસે ઈડલી માટે પલાળેલ ચોખાનું ખીરું બનાવવા માટે ગ્રાઈન્ડર કે મીક્ષી મશીન નથી, કદાચ જૂની પેઢીના હોઈ તેને તે ફાવતું કે આકર્ષતું પણ નથી. રોજ વહેલી સવારે પલાળેલ કણકી અને બોઈલ જેવા ચોખાને રોજ સાંજે ચાર વાગે વાટવા બેસી જાય. તેમના રસોડાની ઓરડીમાં વર્ષો જૂની અનાજ વાટવાની પથ્થરની કુંડી અને વજનદાર પથ્થરનો દસ્તો (ખરલ)છે. અમ્માનો ત્રીસ વર્ષથી બપોરના ચાર વાગ્યાનો આ જ નિત્ય ક્રમ. બીજા દિવસે જે ઇડલીઓ બનાવવાની છે તે માટે વાટી દાળનું ખીરું બનાવવું. કલ્પના કરો રોજ સવારે ખેતરમાં શાકભાજી ઉતારવા જવાનું. ચોખા, દાળ પલાળવાના અને ચાર વાગે હાથને સતત વજન આપતા હલાવતા રહીને ખીરું બનાવવું તે પણ ત્રીસ વર્ષોથી રોજ. આ રીતે ચાર કલાક વાટયા પછી ખીરું તૈયાર થાય. અન્ય પુરક તૈયારી કરીને અમ્મા રાત્રે સાડા નવ વાગે સુઈ જાય.
સવારે ચાર વાગે અચૂક ઉઠી જાય અને સ્નાનવિધિ, ઈશ્વર સ્મરણ બાદ શરુ થાય તેમનો યજ્ઞા. એક સાથે ત્રીસેક મોટી ઈડલી ઉતારી શકાય તેવું કુકર તેમની પાસે છે. ચૂલાને લાકડાથી પ્રગટાવી એક ચુલા પર સંભારનું તપેલું મુકે અને બીજામાં ઈડલીઓ. શ્રમિકોને શક્ય ત્યાં સુધી ગરમાગરમ મળે તેથી બધી ઇડલીઓ ઉતારી નથી લેતા. આ રીતે રોજ 1500 જેટલી ઈડલી અને તેને અનુરૂપ માત્રામાં સંભાર બનાવામાં આવે છે. અમ્મા મહદઅંશે આ 'વન લેડી શો'ની જેમ પાર પાડે છે. જો કે તેમના પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રો-પૌત્રીઓ અમ્માને માટે ભારે ગૌરવ અનુભવે છે અને જરૂરી સહકાર આપે છે. વહેલા ઉઠીને પણ મદદ કરે છે. જો કે અમ્મા પોતે જાણે આખો દિવસ આરામ કરતા હોય તેમ બધાને કહે છે કે તમારે આખો દિવસ ખેતરે જવાનું હોય અને ઘર પણ સંભાળવાનું હોઈ તમે થોડો આરામ કરો.
અમ્માને ત્યાં બપોરના 12 સુધી કોઈ ભૂખ્યું આવે તો તેને ઈડલી મળી જાય છે, કોઈ વખત ઈડલી ખૂટી ગઈ હોય તો શ્રમિકને રોટલો બનાવી આપે અને સંભાર કે તે પણ ન હોય તો ચટણી બનાવી આપે.અમ્મા પીરસતી વખતે પામી જાય કે કોને હજી ભૂખ છે પણ પૈસાને લીધે સમાધાન કરે છે. અમ્મા આવા શ્રમિકોને એકાદ ઈડલી એમ જ મફતમાં પીરસે છે. કોઈને ઘેર બીમાર હોય તો તે દિવસ પુરતા પૈસા બાકી રાખે અને દવા લેવાની સુચના આપે. લોક ડાઉનને લીધે અમ્માને તેમના આવા યજ્ઞામાં પહેલી વખત પડકાર સર્જાયો. પણ કહેવાય છે ને કે આપણે આપણા માટે કરવા માંગીએ તો આપણને કોઈ વ્યક્તિ કે ઈશ્વરની મદદ ન પણ મળે તેવું બને પણ આપણું ધ્યેય અને ભાવના જ અન્યોને બેઠા કરવા માટેની હોય તો ચમત્કાર સર્જાતા જોઈ શકાય છે.
એક તરફ કોરોનાના લોક ડાઉનને લીધે ઈડલી, સંભાર, ચટણી બનાવવા માટેનું કરિયાણું નવું મળે તેમ નહતું તો બીજી તરફ ઘરમાં જે સંગ્રહિત જથ્થો હતો તે ગણતરીના દિવસોમાં ખલાસ થઇ જાય તેટલી માત્રાનો બચ્યો હતો. કોઈએ કહ્યું કે 'અમ્મા હવે એક ઈડલીનો ભાવ દોઢ બે રૂપિયા કરવા પડશે તેવા દિવસો દેખાય છે.' લોક ડાઉનને લીધે સર્જાયેલી આવી સ્થિતિ વચ્ચે શ્રમિકો બેકાર બન્યા અને તેઓ અમ્માને રસોડે સવારે નિરાશ્રિત જેવા ચહેરા સાથે સપરિવાર ઈડલીના ઈન્તેજારમાં હરોળમાં ગોઠવાઈ જતા.અમ્માએ કોઈને તેની પોતાની સ્થિતિ કેવી કટોકટીભરી છે તે કળવા ન દીધી. ઈશ્વર કરાવે ત્યાં સુધી કરીએ મારે ક્યાં આ ધંધો છે. અત્યાર સુધી ઈડલી યજ્ઞા ચલાવનાર પણ ઈશ્વર હતો હવે બંધ કરાવે તો પણ તે તેની ઈચ્છા જેવી સમજ સાથે અમ્માએ સામગ્રીનો સ્ટોક હોય ત્યાં સુધી ઈડલી બનાવવાની જારી રાખી.
આ દરમ્યાન અમેરિકાના ન્યુયોર્કમાં સ્થાયી થયેલ મિશેલીયન સ્ટાર વિશ્વ વિખ્યાત શેફ વિકાસ ખન્નાએ જાણ્યું કે ભારતમાં ગરીબો અને શ્રમિકોને ફૂડ વિતરણ અને કરિયાણાનાં કીટના વિતરણનું કેટલું ઉદાહરણીય માનવતા દાખવતું કાર્ય નાગરિકોના સમૂહ અને સંસ્થાઓ કરી રહી છે. વિકાસ ખન્નાને પણ વિચાર ઝબુક્યો કે તેના તો કેટલાયે શ્રીમંત મિત્રો વિશ્વભરમાં વસે છે. વિકાસ ખન્નાએ ભારત સહીત વિશ્વના આ મિત્રોને સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફોન કરીને કેન્દ્ર સરકારે ગરીબો અને શ્રમિકોને ગ્રોસરી કીટ વિતરણ માટેની ફંડ કમિટી બનાવી છે ત્યાં સહાય આપવા અપીલ કરી. વિકાસ ખન્નાના અને મિત્રો આ માટે પ્રત્યેક ગામના કરિયાણાના વેપારીને એક નક્કી કરેલ કીટની વિગત લખાવે અને કેટલા પેકેટ બનાવી સરકારની કમિટીને ડીલીવરી કરાવી તે જણાવે.કીટ પેકેટની રીસીપ્ટ સામે જ ઓનલાઈન પેમેન્ટ થઇ જાય. વિકાસ ખન્નાને આવી ઉમદા સેવામાં છેતરનારા પણ નીકળ્યા.
એક વેપારીએ મોટા ઓર્ડરનું એડવાન્સ પેમેન્ટ માંગ્યું જે વિકાસે આપ્યું પણ ગ્રોસરી પેકેટની ડીલીવરી તો નથી જ થઇ પણ બેંગ્લોરનો આ વેપારી પણ હવે ફોન પર નથી આવતો અને તેની દુકાનમાં તાળું લાગેલું છે. આવી ચેરીટી પ્રોજેક્ટ દરમ્યાન વિકાસ ખન્નાને અચાનક જ જાણે ભગવાને સુઝાડયું હોય યેમ યાદ આવ્યું કે તેણે થોડા વર્ષો પહેલા કોઈમ્બતોર નજીકના 'ઈડલી અમ્મા' અંગે લેખ વાંચ્યો હતો. તે વખત કરતા આજે વિકાસ ખન્નાને અમ્મા પર ભારે આદર અને પ્રેમની લાગણી જન્મી. કેમ કે અત્યાર સુધી તો વિકાસ ખન્ના વિશ્વની સૌથી મોંઘી હોટલોમાં શ્રીમંતો અને વિશ્વની દિગ્ગજ હસ્તીઓને માટે ભોજન બનાવીને ગૌરવ અનુભવતો હતો પણ શ્રમિકો અને ગરીબોને માટે અમ્મા જેવા ગરીબો જે અતુલનીય શ્રમ ઉઠાવી વળતરની જગ્યાએ ઘરના પૈસા ઉમેરી જે અન્નદાન કરે છે તેની સામે પોતે ક્ષુલ્લક છે તેવી લાગણી તેનામાં જન્મી. વિકાસ ખન્નાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી 'ઈડલી અમ્મા' ક્યાં છે તેનો પ્રશ્ન કરીને તેમને યાદ કરતા સલામ કરી. જોતજોતામાં વિકાસની પોસ્ટ વાયરલ બની. વિકાસ ખન્નાએ ગુગલમાં પણ સર્ચ કરતા જાણ્યું કે અમ્મા આજે પણ એક રૂપિયામાં ઈડલી વેચે છે. વિકાસ ખન્નાએ કોઈમ્બતોર સંપર્ક કરી ઓનલાઈન ચોખા અને અન્ય ગ્રોસરી સામગ્રીની ગુણોથી અમ્માનું ઘર કોઠારમાં ફેરવી દીધું. અમ્માને મેસેજ લખ્યો કે તમારે કારણે ભારત વિશિષ્ઠ દેશ છે.
વિકાસ ખન્નાએ અમ્માનો વિશ્વને પરિચય કરાવ્યો.અમ્માની તસ્વીરો પણ પોસ્ટ થઇ. અમ્મા લાકડા પ્રજવલિત કરતો ચૂલો ઈડલી બનાવવા માટે તૈયાર કરે છે તે તસ્વીર જોઈને ટેક મહિન્દ્રા કંપનીના આનંદ મહેન્દ્રાએ ટ્વિટ કર્યું કે હું અમ્માને હું એલપીજી ગેસ સ્ટોવ આપીશ. તે પછી તેમણે સરસ વાત ઉમેરી કે અમ્મા જે કરે છે તે જોઇને લાગે કે આપણે ખરેખર જે ઉદ્યોગ- ધંધો કરીએ છીએ તે અમ્મા જેટલું દેશ માટેનું પ્રદાન કહેવાય કે નહીં તે અંગે વિચારતા કરી મુકે તેવું છે. કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શરમિન્દગી અનુભવી કે દયા તે તો રામ જાણે પણ મહિન્દ્રા પહોંચે તે પહેલા સ્થાનિક અધિકારીને સુચના આપી અને અમ્માને ઘેર એલપીજી ગેસ સ્ટોવ પહોંચી ગયો.અમ્મા સ્ટોવ સ્વીકારતા હોય તેવો ફોટો સરકારે સ્થાનિક અખબારોમાં વહેતો કરી પબ્લીસીટી મેળવી લીધી. અમ્મા પર અત્યાર સુધી નાના ચોપાનીયા જેવા અખબારો લખી ચુક્યા છે. પણ વિકાસ ખન્નાએ તેમને જગપ્રસિદ્ધ કરી દીધા છે. અલબત્ત અમ્માને કે તેના પરિવારને કંઈ જ ખબર નથી કે આ બધું શું બની રહ્યું છે. અમ્માને એલપીજી સ્ટોવ અને મિક્સચર મળ્યા છે પણ તેમને તે અનુકુળ પડે તેમ પણ લાગતું નથી.હા, વિકાસ ખન્નાએ તેમનો ઈડલી યજ્ઞા અવિરત રહે તે માટેની કાયમી વ્યવસ્થા કરી દીધી છે.
વિકાસ ખન્નાએ આ જ રીતે એક જમાનામાં દક્ષિણ ભારતની ઓથેન્ટિક વાનગીઓ અને રસમ બનાવતા વર્ષો પહેલા જેમની પાસેથી શીખ્યું હતું તે રસ્તા પર ઢાબાના રસોઈયાને પણ કોરોનાના પડકાર વખતે જ યાદ કર્યો અને તેને શોધી કાઢવામાં પણ સફળતા મેળવી. વિકાસે જાણ્યું કે ખુબ સામાન્ય આથક સ્થિતિ વચ્ચે તે રહે છે . જે સોડમસભર દાળ -બિરયાની બનાવી પ્રવાસીઓની દાદ મેળવતો હતો આજે તેને ઘેર દાળ બનાવવાના ફાંફા છે. વિકાસે તેની જોડે વાત પણ કરી અને ગ્રોસરી તેમજ અન્ય મદદ પણ પહોંચાડી. વિકાસ ખન્નાએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેના સોશિયલ મીડિયા અને ફોન થકી 40 લાખ ગ્રોસરી કીટનું ભારત અને અમેરિકામાં વિતરણ કરાવ્યું છે જેમનું મોટાભાગનું કેન્દ્ર સરકારની આ માટે બનાવાયેલ કલેક્શન એજન્સીને સીધું મળ્યું છે.
ઈડલી અમ્મા અને વિકાસ ખન્ના બંને માનવતાના સામસામેના અને ખુબ જ દુરના છેડાના બે ધ્રુવ છે. અમ્મા આપણને પ્રેરણા આપે છે કે તમે ગરીબ છો ,અશક્ત છો અને સાવ અંતરિયાળ ગામમાં રહો છો તો પણ તમારા બાંધવોના ચહેરા પર સ્મિત પ્રગટાવી શકો છો અને પેટની જઠારાગ્નિ ઠારી પણ શકો છો. આ માટે પ્રબળ સદભાવના જોઈએ. જ્યારે વિકાસ ખન્ના શ્રીમંત, પ્રતિષ્ઠિત અને વિશાળ સંપર્ક ધરાવતી પ્રતિભા છે. વિશ્વના સૌથી આધુનિક શહેર ન્યુયોર્કમાં રહે છે.માત્ર પોતાની જ વાહવાહીમાં પડયા રહેતા સેલીબ્રીટીઓ ધારે તો ઘેર બેઠા તેમના સેલ્ફ પબ્લીશિટીના સેલ્ફીશ એજેન્ડામાંથી બહાર આવી એક હાકલ કે અપીલ કરે તો કલ્પનામાં ન હોય તેવી મદદ માટે નિમિત્ત બની શકે છે . જોગાનુજોગ અમ્મા અને વિકાસ ખન્ના બંને ભોજન બનાવે છે. એકનું રસોડું ગામડાની ઓરડીમાં છે અને બીજાનું ન્યુયોર્કની સેવન સ્ટાર હોટલમાં. બંનેને સલામ. કોરોનાના જીવાણુંનો કોઈને ચેપ ન લાગે તેવી પ્રાર્થના પણ અમ્મા અને વિકાસ ખન્ના જેવા ઘણા દેવદૂતો ગુજરાત,ભારત અને વિશ્વમાં છે તેઓનાં હૃદયમાં જે અનુકંપાના વિજાણુઓ ઊજત થાય છે તેનો આપણા હૃદયમાં ચેપ લાગતો હોય તો ભલે આપણે તે માટે તૈયાર છીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cH3Kk5
ConversionConversion EmoticonEmoticon