હોટલાઈન - ભાલચંદ્ર જાની
પાનમસાલાના લારી ગલ્લાની માફક દેશભરમાં ગલીએ ગલીએ ખૂલી નીકળેલાં નર્સિંગ હોમ અને ખાસ તો ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇ.સી.યુ.)માં કેવું અંધેર પ્રવર્તે છે એનો ચિતાર અહીં રજૂ કર્યો છે
કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં સૌથી પહેલી જરૂર શેની પડે? વેન્ટિલેટર અને આઈ.સી.યુ.ની આમ જોવા જઈએ તો આઈ.સી.યુ હોય એટલે તેમાં વેન્ટિલેટર હોય જ. પરંતુ કોરોનાનો કહેર એટલો બધો વ્યાપી ગયો છે કે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત થઈ છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા મહાનગરોમાં પણ હોસ્પિટલો, ડોક્ટરો,નર્સો ઓછાં પડે છે. જેટલી સંખ્યામાં બીમારોનો આંકડો વધે છેએટલા બિછાના પણ હોસ્પિટલોમાં નથી. તો ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)ની તો વાત જ ક્યાં કરવી.
આ તો વર્તમાનની વાત છે જ્યારે આખા દેશમાં જ નહીં, બલ્કે આખા વિશ્વમાં મહામારી ફેલાઈ ચૂકી છે. પરંતુ સામાન્ય સંજોગોમાં પણ આપણા દેશની સ્વાસ્થ્ય સેવા એટલી કંગાળ છે કે ના પૂછો વાત. હોસ્પિટલો છે તો તેમાં પૂરતી સગવડ નથી. ડોક્ટરો છેતો તેમાંકેટલાંયબનાવટી ડિગ્રીધારી છે. તો નર્સોમાં પણ કેટલીક ફુવડ,પર્યાપ્ત તાલીમ વિનાની છે. પણ આ બધામાં સૌથી નિમ્ન કક્ષાના હોય તોતે આઈ.સી.યુ.છે.
આજકાલ ઠેરઠેર બિલાડીના ટોપની માફક ઊગી નીકળેલા નરિસંગ હોમ અને દરેક નાનીમોટી હોસ્પિટલ પાોતાની પાસે આઇ.સી.યુ. (ઇન્ટેન્સિવ કેર યુનિટ) માટે જોઇતી સર્વપ્રકારની સવલતો મોજૂદ છે એવો દાવો કરી પોતાના નામના પાટિયામાં 'ફલાણી હોસ્પિટલ (કે નર્સિંગ હોમ) એન્ડ ઇન્ટેન્સિવ કેર યુનિટ એવું જોડાણ દેખાડવાની જાણે એકબીજા સાથે હરિફાઇ કરતી હોય એમ લાગ્યા વગર રહેતું નથી. મુંબઇની એક વિખ્યાત હોસ્પિટલના આઇ.સી.યુ.ના વડા આ સંદર્ભમાં બોલતા જણાવે છે કે, '' હકીકતમાં, આપણે ત્યાં આઇ.સી.યુ.ના ખાટલાઓની જરૂરિયાત ઘણી વધારે છે. પરંતુ અત્યારે ઠેરઠેર જોવા મળતા આઇ.સી.યુ.ના પાટિયાઓમાંથી માત્ર 40 ટકા કેસોમાં જ તેમની પાસે ખરેખર આઇ.સી.યુ. માટે આવશ્યક એવી બધી સગવડો હોય છે જ્યારે બાકીના 60 ટકા કેસોમાં તેમની પાસે આઇ.સી.યુ. માટેની પ્રાથમિક જરૂરિયાતો પણ નથી હોતી છતાંય તેઓ પોતાની પાસે આઇ.સી.યુ. હોવાનો પોકળ દાવો કરી નિર્દોષ પ્રજાને છેતરતાં હોય છે! આપણે ત્યાં એક કાર્યક્ષમ આઇ.સી.યુ. માટે આવશ્યક એવા સર્વ મશીનો તથા કુશળ સ્ટાફ ધરાવતા આઇ.સી.યુ.ની જરૂરિયાત કેટલી હદે ગંભીર છે એ બાબતનો અંદાજ તમને આ એક કિસ્સા પરથી તરત જ આવી જશે- 1 વર્ષ અગાઉ ત્રીજા માળ પરની પોતાની ગેલેરીમાંથી પડી જવાને લીધે માથામાં ગંભીરપણે જખ્મી થનાર એક બાળકને ઇજા થયા પછીના 24 કલાક સુધી આપણા મુંબઇ શહેરોમાં આઇ.સી.યુ.નો એકેય ખાટલો ખાલી નહોતો મળ્યો!
વાસ્તવમાં, આઇ.સી.યુ.ને જો સાદી ભાષામાં સમજાવવું હોય તો એમ કહી શકાય કે આઇ.સી.યુ. એટલે હોસ્પિટલના (કે નર્સિંગ હોમના) પરિસરમાં આવેલી એક જગ્યા કે જ્યાં વર્ષના 365 દિવસ-રાત સતત જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દરદીની સારવાર થાય છે. ! અહીં કામ કરતા ડોકટર તથા નર્સને દરરોજ કોઇને કોઇ ઇમરજન્સીનો સામનો કરવો પડતો હોય છે. આપઘાતનો પ્રયાસ, પીધેલી અવસ્થામાં વાહન ચલાવવાને લીધે થયેલ ગંભીર અકસ્માત, દાઝી જવું, વીજળીનો શોક લાગવો, ખૂનનો પ્રયાસ, શ્વસનતંત્રમાં ઊભી થયેલ ગંભીર તકલીફ અને હાર્ટઅટેક જેવી અનેક કટોકટીવાળી સ્થિતિમાં અહીં દર્દીને લાવવામાં આવતો હોય છે. આમાંથી મોટાભાગના કિસ્સાઓમાં જીવન અને મૃત્યુ વચ્ચે બહુ પાતળી ભેદરેખા રહેલી હોય છે. દર્દીને યમરાજના પંજામાંથી બચાવવા ડોકટરો તથા નર્સોએ ચોવીસ કલાક ખડેપગે તૈયાર રહેવું પડે છે અને ત્યારે દરેક સેકન્ડ અમૂલ્ય હોય છે. કારણ કે અહીં એક સેકન્ડની કિંમત કાં તો ઝિંદાદિલ જિંદગી હોઇ શકે અને કાં તો વિષાદમય મરણ ! પૂનાની હોસ્પિટલના ક્રીટીકલ કેર ફિઝિશિયન આ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહે છે કે, '' આઇ.સી.યુ.માં કામ કરતાં ફિઝિશીયન સતત માનસિક તાણ અનુભવતા હોય છે. અમે અહીં મૃત્યુને બહુ નજદીકથી જોઈએ છીએ. જો કે અહીં રોજ જીવન-મરણનો જંગ ખેલાતો હોવા છતાંય આજકાલના મોટાભાગના યુવાન ભારતીય ડોકટરો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની મહત્વાકાંક્ષા રાખતા હોય છે. દરેક ક્ષણે સર્જાતી કટોકટીનો સફળતાપૂર્વક સામનો કરવા આપણે ત્યાં સ્ટાફની પદ્ધતિસર તાલીમ તથા અદ્યતન મશીનો ધરાવતા આઇ.સી.યુ.ની માગ એ અત્યંત નાજુક તથા આવશ્યક બાબતો છે. પરંતુ હકીકત એવી છે કે આ મહત્વના મુદ્દાઓ પરત્વે આપણે ત્યાં જોઇએ એવું લક્ષ્ય અપાતું નથી.
હવે આપણે આઇ.સી.યુ. માટે જરૂરી એવી મૂળભૂત આવશ્યકતાઓની વિગતો જોઇએ. સૌ પ્રથમ તો આ માટે યોગ્ય હવાઉજાસ ધરાવતી વિશાળ ખુલ્લી જગ્યા હોવી ખૂબ જ અગત્યનું છે. દર બે ખાટલા વચ્ચે અમુક મોનીટર-મશીનો રાખવા જેટલી જગ્યા હોવી ખૂબ જ જરૂરી છે. આઇ.સી.યુ. માટે પ્રાથમિક જરૂરિયાત રૂપી અમુક મશીનો જેવા કે વેન્ટીલેટર્સ (દર્દીને કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ કરાવતું મશીન),ઇ.સી.જી. (ઇલેકટ્રો કાર્ડિયોગ્રામ)તથા મોનીટર્સ પૂરતી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર્સ, સક્શન મશીન (દર્દીના શરીરમાં પેદા થતા ટોક્સીનને બહાર કાઢવા માટે), પલ્સ ઓક્સિમીટર (દર્દીના લોહીમાં કેટલો પ્રાણવાયુ ખેંચી શકવાની શક્તિ છે એ બાબત જણાવતું મશીન), ઇન્ફયુસન પંપ (દર્દીના શરીરમાં ગ્લુકોઝ તથા સલાઇન જેવા ઇન્ટ્રાવીનસ ફ્લુઇડ્સ યોગ્ય માત્રામાં ચઢાવવા માટેનું નિયંત્રણ રાખતું મશીન)તથા પૂરતી સંખ્યામાં કાર્યક્ષમ એરકંડીશનર્સ હોવા ખૂબ જ મહત્વનું છે. આ વિશે મુંબઇના એક પરાના નર્સિંગ હોમ એન્ડ ઇન્ટેન્સીવ કેર યુનિટમાં છેલ્લા બે વર્ષથી કામ કરતા રેસીડન્ટ મેડિકલ ઓફિસર ડોકટર કહે છે કે, '' મેં જોયું છે કે, આજકાલ તો દરેક નાનું મોટું નર્સિંગ હોમ પોતાની પાસે ઓક્સિજન સિલિન્ડર્સ રાખી આઇ.સી.યુ.નું પાટિયું લટકાવવા લાગ્યું છે. વાસ્તવમાં તેમની પાસે આઇ.સી.યુ. માટે જરૂરી એવા મૂળભૂત મશીનો તથા લાઇફ સેવીંગ્સ ડ્રગ્સનો (જીવનરક્ષક) દવાઓ પૂરતા સ્ટોકનો પણ તેમની પાસે અભાવ હોય છે. આ ઉપરાંત આઇસીયુમાં મોટાભાગે ગંભીર અવસ્થામાં હોય તેવા જ દર્દીઓને દાખલ કરતા હોવાને લીધે શરૂઆતના 8થી10 કલાક હાર્ટપેશન્ટને પેસમેકર પર રાખવામાં આવતો હોય છે અને તે માટે દર્દીના શરીરમાં સફળતાપૂર્વક તથા ઝડપથી નળી ઘૂસાડવા માટે યોગ્ય સ્ક્રીનીંગ મશીનો હોવા પણ અત્યંત આવશ્યક છે. આ મશીનથી માત્ર 5થી10 મિનિટમાં જ દર્દીના શરીરમાં ઘણી આસાનીથી નળી દાખલ કરાવી શકાય છે. પરંતુ જો આ મશીન ન હોય તો આ જ કામ માટે ઓછામાં ઓછા 1થી દોઢ કલાક નીકળી જાય છે, ક્યારેક તો દર્દીને 10થી 12 વોલ્ટનો વીજળીનો શોક પણ આપવો પડે. આમ, આ સ્ક્રીનીંગ મશીન કોઇપણ આઇ.સી.યુ. માટે અત્યંત આવશ્યક હોવા છતાં ઘણી નાની મોટી હોસ્પિટલ તથા નર્સિંગ હોમમાં આના વગર જ કામ ચલાવતું હોય છે કારણ કે તેની કિંમત આશરે 8થી 10 લાખ જેટલી હોય છે.
આ સિવાય કોઇ પણ આઇ.સી.યુ.માં પોર્ટેબલ એક્સ-રે મશીન, 24 કલાક કાર્યરત એવી પેથોલોજી લેબોરેટરી, યોગ્ય સ્ટરીલાઇઝેશન માટેની સગવડ, એક્સહોસ્ટ પંખાઓ તથા ચોવીસે કલાક પૂરતી સંખ્યામાં હાજર હોય એવા કુશળ, તાલીમ પામેલા સ્ટાફની પણ ઘણી આવશ્યકતા હોય છે, પરંતુ અફસોસની વાત એ છે કે આપણે ત્યાં જેમ બધે ચાલે છે એમ અમુક લાગતાવળગતા સરકારી ઓફિસરોને પૈસા ખવડાવીને દરેક નાનુંમોટું નર્સિંગ હોમ રાજ્ય સરકારના આરોગ્ય ખાતામાંથી પોતાની પાસે આઇ.સી.યુ. હોવાનું સર્ટિફિકેટ ઘણી આસાનીથી મેળવી શકે છે. પછી ભલેને તેઓ ઉપર જણાવ્યા મુજબ બધી રીતે લાયકાત ધરાવતા હોય કે ન હોય.
10 ખાટલાઓ તથા બ્લડપ્રેશર અને કાર્ડીએક કન્ડીશન દર્શાવતા મોનીટર્સ, ડેફીબ્રીલેટર (દર્દીના હૃદયના સ્નાયુઓને યોગ્ય માત્રામાં વીજળીનો શોક આપતું મશીન કે જેથી દર્દીના ધબકારા નોર્મલ થઇ શકે), પેસમેકર અને કૃત્રિમ વેન્ટીલેટર્સની વ્યવસ્થા ધરાવતા આઇ.સી.યુ.નો કુલ ખર્ચ આશરે એક થી દોઢ કરોડ રૂપિયા જેટલો થતો હોય છે.અને એટલે જ આઇ.સી.યુમાં રહેનાર દર્દી પાસેથી આ પૈસા કોઇપણ તકે જવા નથી દેતા. દાખલા તરીકે જો કોઇ દર્દી માટે આઇ.સી.યુ.માં માત્ર 5-10 મિનિટ માટે વેન્ટીલેટર્સનો ઉપયોગ કરવોપડયો હોય તો ય તેનો ચાર્જ 24 કલાક જેટલો લેવાતો હોય છે. એજ પ્રમાણે કોઇ દર્દીને માત્ર એકાદ કલાક પણ જો ઓક્સિજન પર રાખવામાં આવ્યો હોય તોય તેનો ચાર્જ પૂરા ચોવીસ કલાક જેટલો જ વસૂલ કરવામાં આવે છે. આ સિવાય આઇ.સી.યુ.ના ખાટલાનો ચાર્જ, પેથોલોજી તથા એકસ્-રે ચાર્જ, ફિઝીશીયન તથા દવાઓનો ચાર્જ અને નર્સિંગ હોમનો સર્વિસ ચાર્જ વગેરે મળીને દર્દીની બીમારી મુજબ મુંબઇની કોઇપણ ખાનગી હોસ્પિટલનો આઇ.સી.યુ.નો ખર્ચ સરેરાશ માત્ર એૅક દિવસનો દસ થી વીસ હજાર જેટલો હોય છે.
ઘણાં ખરાં તબીબો એક બાબત પર સંમત થાય છે કે આઇ.સી.યુ. ને અદ્યતન મશીનોની એટલી જરૂરિયાત નથી કે જેટલી આવશ્યકતા મહેનતુ અને ખંતીલા સ્ટાફની છે. વાસ્તવમાં કોઇપણ આઇ.સી.યુ.ના સફળ સંચાલન માટે ત્યાંનો મુખ્ય તબીબ કે સુપરવાઇઝર પોતાના કાર્યમાં અત્યંત કુશળ હોય એ બાબત ખૂબ જ અગત્યની છે. ઉપરાંત ત્યાંના આર.એમ.ઓ. અને નર્સોને પણ આઇ.સી.યુ.ના દર્દીઓની વધારે સારી કાળજી કેમ લેવી એ વિશે યોગ્યતાલીમ આપવી જરૂરી છે. આપણા દેશમાં આ ક્ષેત્રમાં તાલીમ આપવા માટે હજુ સુધી જોઇએ એટલી જાગૃતિ આવી નથી, જ્યારે પશ્ચિમના દેશોમાં તો સર્જરી,એનેસ્થેટીક્સ તથા પીડીયાટ્રીક્સ અથવા બીજા કોઇ વિષયમાં એમ.ડી. કર્યા બાદ જ આ ક્ષેત્રમાં કોઇ ડોકટર પોતાની કારકિર્દી બનાવી શકે એવો નિયમ છે. અમેરિકામાં તોજે ડોકટરને આઇ.સી.યુ. સંબંધી ડિગ્રી હાંસલ કરવી હોય તેમણે ત્યાંના બોર્ડ પાસેથી એક ખાસ સર્ટિફિકેટ મેળવવું પડે છે. જ્યારે યુરોપમાં ત્યાંના ડોકટરે આ માટેનો ખાસ ડીપ્લોમા કોર્સ કરવો પડે છે. ખેર, ભારતમાં પણ ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રીટીકલ કેર મેડિસીન દ્વારા આ વિષય પર
6 મહિનાનો એક સર્ટિફિકેટ કોર્સ શરૂ થયો છે. આ કોર્સ માટે એક ડોકટરે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે આ કોર્સ દ્વારા અમે એક કુશળ ફિઝિશીયન માટે જરૂરી એવી દરેક પ્રકારની તાલીમ આપશું. આમાં કટોકટીની ક્ષણે દર્દીનો જાન કઇ રીતે બચાવી શકાય તથા સર્વ પ્રકારના મશીનોનો સફળતાપૂર્વક ઉપયોગ કઇ રીતે કરી શકાય એવી દરેક પ્રકારની તાલીમ અપાય છે.
આઇસીયુને વિષયક બીજો એક અગત્યનો મુદ્દો એટલે દર્દીને કેટલા દિવસ માટે આઇસીયુમાં રાખવો ? આ બાબત પર દુનિયાના મોટાભાગના ડોકટરોનો એવો મત રહ્યો છે કે દર્દીને બને ત્યાં સુધી જેટલા ઓછા દિવસ આઇસીયુમાં રાખીએ એટલું સારું. આની પાછળ બે કારણો છે. પહેલું કારણ એ કે જો કોઇ દર્દીને વધારે દિવસો આઇસીયુમાં રાખે તો તેટલા દિવસ સુધી તેનો ખાટલો ખાલી ન રહે જેથી નવા દર્દીને દાખલ કરવા માટે નર્સિંગ હોમના આઇસીયુમાં વધારે ખાટલાઓ તથા તે દરેક ખાટલા માટે જરૂરી એટલો સ્ટાફ તથા મશીનોની ગોઠવણ કરવી પડે.આમ, આઇસીયુ શરૂ કરવાનો ખર્ચ ખૂબ જ વધી જાય.
બીજું તથા મહત્વનું કારણ એ મનાય છે કે કોઇ એક દર્દીનો આઇ.સી.યુ.માં જેટલો લાંબો વસવાટ એટલો જ તેને ઇન્ફેકશન થવાનો સંભવ પણ વધારે. વાસ્તવમાં દુનિયાભરના ડોકટરોને આ સમસ્યા સૌથી વધારે સતાવે છે. આઇસીયુમાં દાખલ કરેલા દર્દીના શરીરમાં લાંબા સમયસુધી જાતજાતની નળીઓ તથા કેથેટર્સ (દર્દીના શરીરમાં જોડાયેલી એક સીધી નળી કે જેના વાટે પેશાબ સીધો એક કોથળીમાં એકઠો કરાય)જોડાયેલી હોવાથી તેને ત્યાં ઇન્ફેકશન (ચેપ) થવાની શક્યતા વધી જાય છે. જર્નલ ઓફ અમેરિકન એસોશિયેશને કરેલા યુરોપના 1400 થી વધારે આઇ.સી.યુ.ના 10,000 દર્દીઓના સર્વેક્ષણ પરથી એક વાત સાબિત થઇ છે કે તેમાંના આશરે 45 ટકા દર્દીઓને એક યા બીજા પ્રકારનું ઇન્ફેક્શન તો હતું જ અને તેમાંના 20 ટકા દર્દીઓને આઇસીયુને કારણે ચેપ લાગ્યો હતો. આવા અમુક ઇન્ફેકશનોમાં ન્યૂમોનિયા, બ્રોન્કાઇટીસ અને મૂત્રમાર્ગને લગતાં રોગોનો સમાવેશ થાય છે. આ સમસ્યાના સમાધાનરૂપે યુરોપના પ્રખ્યાત ડોકટર અમુક અગત્યનાં સૂચનો આપતાં જણાવે છે કે, દરેક આઇ.સી.યુ.માં સ્વચ્છતા તથા ચોખ્ખાઇને સૌથી વધારે મહત્વ આપવું જોઇએ. આ ઉપરાંત દર્દીના ઘા પરનું ડ્રેસીંગ દરરોજ બદલવું જોઇએ કે જેથી કરીને તેના શરીરમાં ઘૂસાડેલી નળીઓ બરાબર પોતાના સ્થાન પર છે કે નહીં તેની ચકાસણી પણ કરી શકાય. વળી દર્દીને સોંય ભોંકી નળી દ્વારા આહાર આપવાને બદલે તેને મોં વાટે ખોરાક આપવો વધુ સલાહભરેલું છે. છેલ્લું તથા અગત્યનું સૂચન જણાવતા જૂનો પણ સોનેરી નિયમ યાદ કરતા કહે છે કે, મેડિકલ સ્ટાફે પોતાના હાથ ધોવાની બાબતમાં જરાય આળસ ન કરવી જોઇએ. એક દિવસમાં ભલે ને તેમને 10થી 15 વાર હાથ ધોવા પડે તોય વાંધો નહીં કારણ કે તેનાથી ચેપનો ફેલાવો થતો અટકે છે. આમ તો હવે દરેક હોસ્પિટલના દરેક વોર્ડમાં આઈ.સી.યુ.માં ઠેકઠેકાણે સેનિટાઈઝર્સ રાખ્યા હોય છે.
અંતમાં એક વાત તદ્દન સ્પષ્ટ છે કે. આજના જમાનામાં વ્યવસાયીકરણે દરેક ક્ષેત્રમાં પૂરજોશથી પગપેસારો કરી લીધો છે અને તેમાંથી તબીબી ક્ષેત્ર જેવું ઉમદા ક્ષેત્ર પણ બાકાત નથી રહ્યું. આ બાબતની સાબિતી રૂપે હવે દેરક નાનામોટાં નર્સિંગહોમ પોતાની પાસે આઇ.સી.યુ. હોવાનો દાવો કરતાં થયા છે. આવા સંજોગોમાં દર્દી તથા તેના સગાવ્હાલાંઓએ હોસ્પિટલ તથા આઇ.સી.યુ.ની પસંદગી કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી હિતાવહ રહેશે...!
અત્યારે જો કે પરિસ્થિતિ જ એવી ગંભીર છે કે કોરોનાગ્રસ્ત પેશન્ટને પસંદગીનો કોઈ અવકાશ જ નથી રહેતો. તેને હોસ્પિટલના જે કોઈ વોર્ડમાં ગોંધી દેવાય ત્યાં જ સારવાર લેવી પડે છે. હાય રે કિસ્મત....
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yVmhL5
ConversionConversion EmoticonEmoticon