આણંદ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 62.05 ટકા પરિણામ : 1.71 ટકા જેટલું વધ્યું


આણંદ, તા.17 મે 2020, રવિવાર

હાલ સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારી સામે લડત આપી રહ્યું છે ત્યારે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-૨૦૨૦માં લેવાયેલ ધો.-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત વર્ષ કરતા આઠ દિવસ મોડુ એટલે કે તા.૧૭ મે, ૨૦૨૦ને રવિવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાનું ગત વર્ષ કરતા ૧.૭૧ ટકા વધીને ૬૨.૦૫ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે આણંદ જિલ્લાનું ૬૦.૩૪ ટકા પરિણામ જાહેર થયું હતુ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-૨૦૨૦ની ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં આણંદ જિલ્લામાં ફક્ત ૧ જ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જો કે છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં પેટલાદ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહનું પરિણામ તા.૧૭ મે, ૨૦૨૦ને રવિવારના રોજ સવારે બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈ વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરિણામ જાહેર થતા પોતાના કોમ્પ્યુટર તેમજ મોબાઈલમાં પરિણામની વિગત મેળવી લીધી હતી. પરિણામ નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા હતા. જો કે હાલ લોકડાઉનની પરિસ્થિતિને લઈ માર્કશીટ પ્રિન્ટ ન થઈ હોવાને કારણે વિદ્યાર્થીઓને હવે પછી માર્કશીટની હાર્ડ કોપી જે-તે જિલ્લાના કેન્દ્ર ખાતે મોકલી આપ્યા બાદ જિલ્લા કક્ષાએથી શાળાઓમાં માર્કશીટ પહોંચાડયા બાદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આણંદ જિલ્લાના પાંચ પરીક્ષા કેન્દ્રોમાં આણંદ કેન્દ્રમાં નોંધાયેલ કુલ ૧૧૩૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૨૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૨૨ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં આણંદ કેન્દ્રનું ૬૪.૦૬ ટકા પરિણામ જાહેર થયુ છે. બોરસદમાં નોંધાયેલ કુલ ૯૯૩ વિદ્યાર્થીઓ પૈકી ૯૯૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫૫૬ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં ૫૬.૧૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ખંભાતમાં નોંધાયેલ કુલ ૬૭૮ વિદ્યાર્થીઓ પૈકી ૬૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૨૬ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં ૬૨.૮૩ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પેટલાદમાં નોંધાયેલા કુલ ૬૩૭ વિદ્યાર્થીઓ પૈકી ૬૩૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૩૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં ૫૨.૪૩ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વલ્લભવિદ્યાનગરમાં નોંધાયેલ કુલ ૧૧૪૮ વિદ્યાર્થીઓમાંથી ૧૧૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૮૭ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં ૬૮.૭૩ ટકા પરિણામ જાહેર થયું છે.

એ-૧ ગ્રેડ મેળવનાર જીત નરોડીયા કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે

આણંદ જિલ્લામાંથી એકમાત્ર એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર રાજકોટના ગોંડલ તાલુકાના વતની અને હાલ વિદ્યાનગર ખાતે રહી આર.પી.ટી.પી.માં અભ્યાસ કરતા જીત નિલેશકુમાર નરોડીયાએ ઉચ્ચ પરિણામની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સિધ્ધિનો શ્રેય તેઓના માતા-પિતા અને અભ્યાસમાં મદદરૃપ થનાર શિક્ષકોને ફાળે જાય છે. શાળાકીય અભ્યાસ ઉપરાંત તે દિવસ દરમ્યાન ૬ થી ૭ કલાકનું વાંચન કરતા હોવાનું જણાવ્યું હતું. તેઓના પિતા વિદ્યાનગરની જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવે છે જ્યારે માતા હાઉસવાઈફ છે. રીડીંગની સાથે સાથે તેઓને ડ્રોઈંગમાં રસ છે અને ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાની તૈયારી દરમ્યાન તેઓ માનસિક હળવાશ મેળવવા માટે માતા-પિતા સાથે વોકીંગ તેમજ ફેમીલી સાથે દિવસ દરમ્યાન બનેલ બનાવો અંગે વાતચીત કરતા હોવાનું જણાવાયું હતું. અંતમાં તેણે જણાવ્યું હતું કે એન્જીનીયરીંગ ક્ષેત્રમાં કોમ્પ્યુટર સાયન્સમાં તે કારકિર્દી બનાવવા માંગે છે.

ગત વર્ષની સરખામણીએ પરિણામમાં ૧.૭૧ ટકાનો સામાન્ય વધારો

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહનું પરિણામ ૬૨.૦૫ ટકા જાહેર થયું છે. જો કે ગત વર્ષ ૨૦૧૯માં આણંદ જિલ્લાનું પરિણામ ૬૦.૩૪ ટકા નોંધાયું હતું. આમ, આણંદ જિલ્લાના પરિણામમાં ૧.૭૧ ટકાનો વધારો નોંધાયો છે. જો કે વર્ષ ૨૦૧૩ બાદ વર્ષ ૨૦૧૬ સુધીના આણંદ જિલ્લાના પરિણામમાં ઘટાડો નોંધાયા બાદ વર્ષ ૨૦૧૭માં વર્ષ ૨૦૧૬ કરતા અને વર્ષ ૨૦૧૮માં વર્ષ ૨૦૧૭ કરતા પરિણામ ઉંચુ આવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં ૯૯.૩૬ ટકા, વર્ષ ૨૦૧૪માં ઘટીને ૯૮.૨૭ ટકા, વર્ષ ૨૦૧૫માં ઘટીને ૭૬.૫૫ ટકા તેમજ વર્ષ ૨૦૧૬માં પરિણામ વધુ નીચું જતા ૫૯.૮૯ ટકા જાહેર થયુ હતું. આમ સતત ચાર વર્ષ સુધી પરિણામમાં ઘટાડો નોંધાયો હતો. જો કે ત્યારબાદ પરિણામ ઉંચુ જતા વર્ષ ૨૦૧૭માં ૬૪.૩૯ ટકા અને ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં ૬૬.૩૩ ટકા પરિણામ નોંધાતા પરિણામમાં સુધારો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯ના પરિણામમાં ૫.૯૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. ચાલુ વર્ષે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહનું આણંદ જિલ્લાનું પરિણામ ૧.૭૧ ટકા ઉંચુ આવતા ૬૨.૦૫ ટકા જાહેર થયું છે.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZbRsMF
Previous
Next Post »