ખેડા જિલ્લામાં મહદઅંશે વેપાર-ધંધા ચાલુ થતા વેપારીઓ-ગ્રાહકોમાં આનંદ


નડિયાદ, તા.19 મે 2020, મંગળવાર

ખેડા જિલ્લામાં આગામી ૩૧ મી તારીખ સુધી લંબાવાયેલા લોકડાઉન ૪ બાબતનું જાહેરનામું આજે બપોરે જિલ્લા કલેક્ટરે બહાર પાડયું છે. છેલ્લાં ૪૮ કલાકથી જિલ્લાવાસીઓ જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા હતા એ જાહેરનામુ આજે બહાર પડતા વેપારીઓ અને પ્રજાજનો નિરાશ થયા છે. લોકડાઉન ૪.૦માં છૂટછાટો મળશે અને જનજીવન પહેલાની જેમ ધબકતું થશે તેવી ઠેર ઠેર ચર્ચાઓ હતી ત્યારે કેન્દ્ર અને રાજ્યના જાહેરનામા અન્વયે બહાર પડેલા જિલ્લાના આ જાહેરનામામાં બજારો માટેનો સમય બે કલાક ઘટાડાયો છે, દુકાનોને એકી-બેકી સંખ્યામાં ખોલીને અડધુ જ બજાર ખોલવાની મંજૂરી મળી છે. રેસ્ટોરન્ટો- બાગબગીચાઓ- સિનેમા-મોલ્સ,અને ખાણીપીણીની લારીઓ પ્રતિબંધિત રહી છે. સાંજે ૭ થી સવારે ૭ કરફ્યુ જાહેર થયો છે. જ્યારે પાનની દુકાનો, ફળો, શાકભાજીની લારીઓ,રીક્ષા,ટેક્ષી અને એસ.ટી.બસ જેવી જીવનજરુરિયાત વસ્તુઓ માટે છૂટછાટ મળતા જીલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. 

આજે બપોરે ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે ડિઝાસ્ટર કલમ ૩૪ અને એપેડેમિક રેગ્યુલરેશનની જોગવાઇઓ અનુસારનું લોકડાઉન ૪.૦નું જાહેરનામું છ પાનામાં પ્રસિદ્ધ કર્યું છે. જેમાં આગામી ૩૧મી તારીખ સુધી નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ધંધા-રોજગાર માટે વધુ  છૂટછાટો અપાઇ છે. છતાં માર્કેટ અને દુકાનો તો સવારે ૮ થી ૪ દરમ્યાન જ ખોલવાના હુકમો થયા છે. શહેરી વિસ્તારમાં પાલિકાના ચીફ ઓફિસરને અને ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓને મોલ તથા બજારોની દુકાનો એકી-બેકી સંખ્યામાં આંતરે દિવસે ખોલવાની મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત લોકડાઉન ૩ કરતા વધારે ધંધા-વેપારો ખોલી શકે તે રીતે પાન મસાલાની દુકાનો, હેરકટીંગ સલુનો, બ્યુટીપાર્લર, શાકભાજી, ફળ, રીપેરીંગની દુકાનો, ગેરેજ વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો વગેરેને ખોલવાની મંજૂરી મળી છે.

આજે બહાર પડેલા જાહેરનામામાં જિલ્લા કલેક્ટરે જિલ્લામાં એસ.ટી.બસ સેવા ચાલુ રાખવાના આદેશો કર્યા છે. પરંતુ સીટી બસ, અને પ્રાઇવેટ બસ સર્વિસ પ્રતિબંધિત જાહેર કરી છે. ઓટો રીક્ષા તથા કેબ-ટેક્ષીને બે પેસેન્જરથી શરુ કરવાની પરવાનગી અપાઇ છે. આ ઉપરાંત લાયબ્રેરી, શૈક્ષણિક સંસ્થાઓને વહીવટી કામ માટે ચાલુ રાખી શકાશે. જ્યારે રેસ્ટોરન્ટ અને ડાઇનીંગ હોલના રસોડાઓ હોમ ડીલીવરી માટે જ શરુ કરી શકાશે.  નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ પારેખે  જણાવ્યું હતું કે લોકડાઉન ૪ સંદર્ભે પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં નડિયાદ શહેરની દુકાનો તથા બજારો ખોલવાની વ્યવસ્થા પાલિકાને સોંપાઇ છે. આથી અમે નડિયાદ પાલિકાના કર્મચારીઓની સાત જુદી જુદી ટીમો બનાવી છે. જે આજથી વિવિધ બજારો,અને શોપીંગ મોલોની દુકાનોને નંબરો આપી દેશે. અને એકાદ દિવસમાં જ એકી-બેકી સંખ્યામાં દુકાનો ખોલવાની કાર્યવાહી શરુ થશે. જેમાં બજારોમાં જ્યાં સળંગ દુકાનો છે અને શોપીંગ મોલોમાં સળંગ દુકાનો છે ત્યાં લાઇનમાં એક દુકાન છોડીને બીજી દુકાન ખોલવાની પરવાનગી અપાશે. એટલે કે સોમવારે ૧,૩,૫... જેવા એકી નંબરની દુકાનો ખુલશે. તો મંગળવારે ૨,૪,૬.... એવા નંબરની દુકાનો ખુલશે. આ નંબર આપવાની કામગીરી અમે ૨૪ કલાકમાં જ પૂર્ણ કરી દઇશું. 

જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં વેપારીઓની ઉપર સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી સોંપાઇ છે. જો કોઇપણ દુકાને કે ઓફિસમાં સોશ્યલ ડિસ્ટન્સ નહીં જળવાય તો તેના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. વળી દરેક દુકાનદારે અને ઓફિસ માલિકોએ પોતાના તમામ કર્મચારીઓ પાસે ફરજિયાત આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની રહેશે. 

લોકડાઉન-4માં કયા વ્યવસાય-ઓફિસો ચાલુ થયા

* પાનના ગલ્લાઓ

* હેર કટીંગ સલુન

* બ્યુટીપાર્લર

* ફળો-શાકભાજીની દુકાનો

* હોટલ-રેસ્ટોરન્ટના કિચન હોમ ઔ ડીલીવરી માટે

* અનાજ-કરિયાણાની દુકાનો

* તમામ રીપેરીંગની દુકાનો 

* ખાનગી ઓફિસો અને શૈક્ષણિક ઔ સંસ્થાઓ ૩૩ ટકા વહીવટી ઔ સ્ટાફ સાથે

* ગેરેજ,વર્કશોપ,સર્વિસસ્ટેશન

* લાયબ્રેરી ૬૦ ટકા સ્ટાફ સાથે

* એસ.ટી.બસ, ઓટો-કેબ-ટેક્ષી ઔ માત્ર બે પેસેન્જર માટે

* ટુ-વ્હીલર માત્ર ચાલક

લોકડાઉન-૪માં શું શું બંધ રહેશે ?

* સિનેમા *   વિડિયોગેમ

* શોપીંગ મોલ   *   જીમ્નેશ્યમ

* સ્વીમીંગપુલ    *   ગેમઝોન

* ક્લબહાઉસ     *    બાગ બગીચા

* સભાખંડ,મીટીંગખંડ, પાર્ટી ઔ પ્લોટ,મેરેજ હોલ, વાડીઓ

* મંદિરો-મસ્જીદો,ચર્ચ, ગુરુદ્વારા

* ટયુશન ક્લાસીસ, શાળા, ઔ કોલેજ

* ખાણીપીણીની લારીઓ



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e6cLDL
Previous
Next Post »