આણંદ જિલ્લામાં પુનઃ જનજીવન ધબક્યું બજારોમાં ભીડ જામતા નિયમોના લીરેલીરા


આણંદ, તા.19 મે 2020, મંગળવાર

ગત તા.૨૫ માર્ચના રોજથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયા બાદ ૫૪ દિવસ વીતી ગયા પછી રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલીક છુટછાટો આપવામાં આવતા આજથી આણંદ જિલ્લામાં જનજીવન પુનઃ ધબકતુ થયું છે. જો કે ૫૪ દિવસ બાદ શરૃ થયેલ બજારોમાં આજે ગ્રાહકોની ભારે ચહલ-પહલ જોવા મળી હતી. ગ્રાહકોની ભારે ભીડ વચ્ચે કેટલાક વિસ્તારોમાં સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડતા નજરે ચઢ્યા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું કહેવાયું હોવા છતાં કેટલાક લોકો કોરોના વાયરસની બીકને બાજુમાં મુકી બજારમાં ખરીદી અર્થે ઉમટી પડયા હતા.

કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકાર દ્વારા આગામી તા.૩૧ મે સુધી દેશભરમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જો કે લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સોમવાર સાંજના સુમારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. કન્ટેઈન્ટમેન્ટ સિવાયના વિસ્તારોમાં સવારના ૮ઃ૦૦ થી બપોરના ૪ઃ૦૦ કલાક સુધી વિવિધ વેપાર-ધંધાની છુટ આપવામાં આવતા આણંદ જિલ્લાના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારોમાં આજે સવારથી જ વિવિધ ધંધા-રોજગાર ખુલવા પામ્યા હતા. અસમંજસની પરિસ્થિતિ વચ્ચે વેપારીઓએ ૫૪ દિવસ બાદ આજથી પુનઃ પોતાની દુકાનો શરૃ કરી હતી. જો કે આજે સવારના સુમારે બજારો ખુલતાની સાથે જ જિલ્લાના વિવિધ બજારોમાં ગ્રાહકોએ ખરીદી અર્થે પડાપડી કરી હતી. છેલ્લા ૫૪ દિવસથી પેન્ડીંગ પડી રહેલ કામકાજને લઈને જિલ્લાવાસીઓએ બજારો તરફ દોડ લગાવી હતી. જેને લઈ જિલ્લાના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

આણંદ શહેરના બજારો પણ આજે સવારથી ખુલતા ગ્રાહકોની ચહલ-પહલ વધી જવા પામી હતી. શહેરના વહેરાઈમાતા, સરદારગંજ, આણંદ-વિદ્યાનગર રોડ, સુપરમાર્કેટ, સ્ટેશન રોડ, જુના રસ્તા, ગુજરાતી ચોક, અમૂલ ડેરી રોડ, ગણેશ ચોકડી સહિત વિદ્યાનગરના નાના બજાર, મોટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનો વેપારીઓ દ્વારા આજરોજ પુનઃ ધમધમતી કરાતા આ વિસ્તારમાં ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળી હતી. જો કે સરકાર દ્વારા વેપાર-ધંધો કરતી વખતે સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં ગ્રાહકોની ભારે ભીડ એકત્ર થતા સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડતા જોવા મળ્યા હતા. 

અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયનો નાગરિકો દ્વારા સદ્ઉપયોગ કરી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવે તે નિહાળવાની જવાબદારી જે તંત્રના શિરે છે તે તંત્ર દ્વારા આગામી દિવસોમાં આણંદ શહેરમાં નાગરિકો પાસે કાયદાનું પાલન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઓડ-ઈવનના નિયમથી વેપારીઓ દ્વિધામાં મૂકાયા

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં આપવામાં આવેલ છુટછાટમાં કેટલાક નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત બજાર વિસ્તારની દુકાનો તથા શોપીંગ કોમ્પલેક્ષમાં આવેલ દુકાનોના વેપારીઓને ઓડ-ઈવન પ્રમાણે પોતાની દુકાનો ખોલવા મંજુરી અપાઈ છે. પરંતુ વેપારીઓ ઓડ-ઈવન અંગેના આ નિયમથી દ્વિધા અનુભવી રહ્યા છે. જો કે આણંદ જિલ્લામાં એકી મિલકત નંબર ધરાવતી દુકાનો એકી નંબરની તારીખે અને બેકી મિલકત નંબર ધરાવતી દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખવા તંત્રએ જણાવ્યું છે. પરંતુ વેપારીઓ દ્વારા આ નિયમનું પાલન કરવામાં આવ્યું કે નહી તે માટે તંત્ર દ્વારા કોઈ ખાસ કાર્યનીતિ ઘડાઈ છે કે કેમ તે અંગે હજી સુધી અસ્પષ્ટતા જોવા મળી રહી છે.

દુકાનો-પાનના ગલ્લાઓ પર ટોળેટોળાં ઉમટયાં

રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વિવિધ વેપાર-ધંધા માટે દુકાનો ખોલવા માટેની પરવાનગી અપાઈ છે પરંતુ જે-તે દુકાનમાં પાંચથી વધુ માણસોએ એકત્ર ન થવા પણ જણાવાયું છે. સાથે સાથે પાનના ગલ્લાંઓ ખોલવા પણ મંજુરી અપાઈ છે પરંતુ આવા પાનના ગલ્લાં ઉપર માત્ર ટેક અવેની સર્વિસ આપવા જણાવવામાં આવ્યું હોવા છતાં આજે પ્રથમ દિવસે જ આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આવેલ દુકાનો તેમજ પાનના ગલ્લાં ખાતે પાંચથી વધુ વ્યક્તિઓના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cO3dge
Previous
Next Post »