ખેડા જિલ્લામાં અન્ય જિલ્લામાંથી અપડાઉન કરતા કર્મચારી, અધિકારીઓ સામે પગલાં લેવાશે


નડિયાદ, તા.10 મે 2020, રવિવાર

રાજયમાં કોરોના મહામારીનો વ્યાપ વધ્યો છે.ત્યારે દરેક જિલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે વિવિધ નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ખેડા જિલ્લાની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં આ મહામારીનો વ્યાપ વઘી ગયેલ છે.આજુબાજુના જિલ્લામાંથી અપડાઉન કરતા સરકારી કર્મચારીઓને કારણે જિલ્લામાં કેસોની સંખ્યા વધવાની સંભાવના છે.તાજેતરમાં અત્રેના જિલ્લામાંથી અમદાવાદ નોકરી માટે જતા હોય તેવા પોઝીટીવ કેસો પણ માલૂમ પડેલ છે.

આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ જિલ્લામાં હંગામી રોકાણની વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યુ હતુ.આમ છતા છેલ્લા કેટલાય સમયથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ જિલ્લા બહારથી આવન જાવન કરી રહ્યા છે.આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.આ બાબત જિલ્લા કલેકટરના ધ્યાને આવતા તેઓએ સરકારી અધિકારી-કર્મચારીઓને અપડાઉન ન કરવા તાકીદ કરી છે.આમ છતા નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક પગલા ભરવા પણ તાકીદ કરવામાં આવી છે.

રાજય સરકારના પરિપત્ર મૂજબ જિલ્લા બહાર રહેતા સરકારી કર્મચારી કે અધિકારી કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન અપડાઉન ન કરી શકે.આમ છતા તેઓ અપડાઉન કરે તો તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧(બી)ની જોગવાઇઓ અન્વયે કાર્યવાહી કરવામાં આવી શકે છે.આ બાબતે ખેડા જિલ્લા કલેકટરે અગાઉ પણ તા.૧૯-૪-૨૦૨૦ ના રોજ પરિપત્ર પાઠવી સરકારની સૂચનાઓનુ પાલન કરવા જણાવ્યુ હતુ.તેમજ જિલ્લા કલેકટર કચેરી ખાતે મળતી વખતોવખતની બેઠકમાં પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યુ છે.તમામ અધિકારીને તેમની કચેરીના તાબાના કર્મચારીઓ અને અધિકારીઓ જિલ્લા બહાર અપડાઉન ન કરે તે જોવા સૂચના આપવામાં આવી છે.આમ છતા અપડાઉન કરતા જણાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યુ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bjNN1N
Previous
Next Post »