આણંદમાં શોપિંગ કોમ્પ્લેક્સ, બજારોમાં ઓડ-ઇવનના નિયમનો સરેઆમ ભંગ


આણંદ, તા.20 મે 2020, બુધવાર

લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વેપાર-ધંધાને છુટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત આણંદ શહેરમાં પણ વિવિધ શોપીંગ કોમ્પલેક્ષ અને બજારોમાં આવેલ દુકાનોને ગઈકાલે ૧ અને ૨ એમ નંબર આપી વેપારીઓને સરકારના આદેશ મુજબ ઓડ-ઈવન પ્રમાણે દુકાનો ખોલવા અનુરોધ કરાયો હતો. 

જો કે આજે બીજા દિવસે પણ આણંદ શહેરના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી અને કેટલાક વેપારીઓએ ઓડ-ઈવનની સુચનાની ઐસી-તૈસી કરી પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા ખાસ સુચનાઓ અપાઈ હોવા છતાં આણંદ શહેરના કેટલાક વેપારીઓ દ્વારા સરકારની સુચનાઓની ઐસી-તૈસી કરી વેપાર-ધંધા કરવામાં આવતા હોવા છતાં વહીવટી તંત્રની ચુપકીદી જાગૃતોમાં અનેક સવાલો ઉભા કરી રહી છે.

લોકડાઉનનો ચોથો તબક્કો તા.૩૧મી મે સુધી લંબાવવામાં આવ્યો છે. સાથે સાથે અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વિવિધ વેપાર-ધંધા માટે અનુમતી અપાઈ છે. જો કે વેપાર-ધંધો કરતી વખતે ફરજિયાત માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સુચનાઓ અપાઈ છે. ૫૪ દિવસ બાદ ગઈકાલથી આણંદ શહેરના બજારો પુનઃ ધમધમતા થયા છે. આજે બીજા દિવસે પણ આણંદ શહેરના બજારોમાં ગ્રાહકોની વધુ ચહલ-પહલ જોવા મળી હતી. સરકાર દ્વારા અપાયેલ સુચના મુજબ વિવિધ શોપીંગ કોમ્પલેક્ષ તેમજ બજારની દુકાનોના વેપારીઓએ ઓડ-ઈવન પ્રમાણે પોતાની દુકાનો ખોલવાની રહેશે. જે અંતર્ગત આણંદ નગરપાલિકા દ્વારા ગઈકાલ સાંજના સુમારે વિવિધ શોપીંગ કોમ્પલેક્ષ તેમજ બજારોની દુકાનોને ૧ અને ૨ એવા નંબર આપવામાં આવ્યા હતા અને ૧ નંબરની દુકાનો એકી તારીખે અને ૨ નંબરની દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખવા આદેશ કરાયા હતા. જો કે આજે સવારના સુમારે પાલિકા તંત્ર તેમજ સરકારના આદેશોનું આણંદ શહેરના બજારોમાં સરેઆમ ઉલ્લંઘન થતું હોવાના ચિત્રો જોવા મળ્યા હતા. નગરપાલિકા દ્વારા ૧ નંબરની દુકાનો એકી તારીખે ખુલ્લી રાખવા આદેશ કરાયો હોવા છતાં આજે બેકી તારીખ હોવા છતાં કેટલાક એકી નંબર ધરાવતા દુકાનદારોએ પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બજારોમાં ભીડ એકત્ર ન થાય તે હેતુથી સરકાર દ્વારા ઓડ-ઈવન મુજબ વેપાર-ધંધો કરવાની છુટ અપાઈ છે. જે મુજબ બાજુ-બાજુમાં આવેલ દુકાનો વૈકલ્પિક દિવસોમાં ખોલવાના આદેશ કરાયા છે. પરંતુ આણંદ શહેરના સ્ટેશન રોડ, ટુંકી ગલી, ગામડીવડ, જુના બસ મથક સહિતના વિવિધ વિસ્તારોમાં મોટાભાગના વેપારીઓ દ્વારા ઓડ-ઈવનના આદેશનું ઉલ્લંઘન કરી આજે બેકી તારીખે પણ કેટલાક એકી નંબર ધરાવતા દુકાનદારોએ પોતાના વેપાર-ધંધા ચાલુ રાખ્યા હતા. આજે સતત બીજા દિવસે પણ આણંદ શહેરના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી અને સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડતા નજરે ચઢ્યા હતા. કોરોના વાયરસની મહામારી હજુ સુધી ટળી નથી ત્યારે આ પરિસ્થિતિમાં વહીવીટી તંત્ર સહિત શહેરીજનોની લાપરવાહી આગામી દિવસોમાં આણંદ માટે ખતરારૃપ બને તે પૂર્વે વહીવટી તંત્ર આળસ ખંખેરે અને આણંદમાં સરકારના આદેશોનું ચુસ્તપણે પાલન કરાવે તેવી માંગ ઉઠી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TmNHQI
Previous
Next Post »