આણંદ, તા.20 મે 2020, બુધવાર
લોકડાઉનના ચોથા તબક્કામાં પ્રથમ દિવસે એસ.ટી. બસોનો પ્રારંભ ન થયા બાદ આજે બીજા દિવસે આણંદ જિલ્લામાં એસ.ટી. બસ સેવા શરૃ કરવામાં આવી હતી. તાલુકા લેવલે લગભગ ૩૫૦ જેટલી ટ્રીપોની આજે વિધિવત શરૃઆત કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
વધુમાં મળતી વિગતો મુજબ ડીવીઝનલ મેનેજર દ્વારા આજરોજ આણંદ એસ.ટી. ડેપોના અધિકારીઓ તેમજ ડ્રાઈવર કંડક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં કેટલાક નિર્દેશો આપ્યા બાદ આણંદ જિલ્લામાં એસ.ટી. બસોને વિવિધ રૃટો ઉપર દોડતી કરવામાં આવી છે. ડીવીઝનલ મેનેજરના જણાવ્યા મુજબ વડા મથક આણંદ ખાતેથી પેટલાદ, ખંભાત, બોરસદ, સોજીત્રા, આંકલાવ, ઉમરેઠ તથા તારાપુર જેવા તાલુકા મથકોને સાંકળતી કુલ ૩૫૦ જેટલી ટ્રીપોનું સંચાલન હાલ શરૃ કરવામાં આવ્યું છે. જેને લઈ આજે સવારના સુમારે આણંદ શહેરના નવા તેમજ જૂના બસ મથક ખાતે મુસાફરોની ચહલ-પહલ જોવા મળી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કોરોના વાયરસની મહામારીને લઈ સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે હેતુથી હાલમાં દરેક બસમાં માત્ર ૩૦ જ મુસાફરોને બેસાડવામાં આવશે. સાથે સાથે તમામ બસોને સૌપ્રથમ સેનીટાઈઝ કર્યા બાદ જ જે-તે સ્ટેન્ડ ઉપર મુકવામાં આવશે. દરેક મુસાફરે ફરજીયાત માસ્ક પહેરવાનું અને સેનીટાઈઝરથી હાથ સાફ કરવાના રહેશે. સરકાર અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરોનું પરિવહન કરવામાં આવશે.
ઉપરાંત આણંદ ખાતેથી વિવિધ રૃટ ઉપર એસ.ટી. બસો દોડાવ્યા બાદ જે-તે રૃટ ખાતેથી પરત ફરેલ એસ.ટી. બસને પુનઃ સેનીટાઈઝ કરવામાં આવશે અને ત્યારબાદ જ અન્ય રૃટ ઉપર જે-તે એસ.ટી. બસ દોડાવાશે. ઉપરાંત એસ.ટી. વિભાગના સ્ટાફ સાથે પણ તેઓએ મીટીંગ યોજી કોરોના વાયરસના સંક્રમણને રોકવા યોગ્ય તકેદારીના પગલાં લેવા ડ્રાઈવર-કંડક્ટરોને જણાવવામાં આવ્યું હતું. લોકડાઉનના ૫૬ દિવસ બાદ આજથી એસ.ટી. બસ સેવા શરૃ થતાં પ્રથમ દિવસે આણંદના બસ મથકો ખાતે મુસાફરોની સંખ્યા ઓછી જોવા મળી હતી. પરંતુ આવનાર દિવસોમાં ધીમે-ધીમે મુસાફરોની સંખ્યા વધશે તે ધ્યાને લઈ એસ.ટી. તંત્ર દ્વારા આગામી દિવસોની કામગીરી માટે વિચારણા કરવામાં આવી રહી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZiiRg6
ConversionConversion EmoticonEmoticon