કદની નીચાઈ સામે કાર્યની ઊંચાઈની જીત

વામાવિશ્વ - અનુરાધા દેરાસરી

કોઈપણ વ્યક્તિની તેના રંગ, રૂપ, કદ કે શારીરિક નકારાત્મકતાને કારણે કાબેલિયત અને સફળતાનો આંક આંકવો જોઈએ નહીં : કાર્યોની ઉંચાઈ તેની સફળતાની પરિમિતિ છે

જીવનમાં કોઈ પણ વ્યક્તિ તેના રંગ-રૂપ, કદ કે કોઈ પણ શારીરિક ખોડને કારણે તેની કાબેલિયત અને જીવનની સફળતાને આંકવી જોઈએ નહીં પરંતુ તેના જીવનના કાર્યોની ઉંચાઈ પર વ્યક્તિની સફળતાનો આંક પરિમિત કરવો જરૂરી છે.

આવી જ વાત જીવનમાં આરતી ડોગરા સાથે બની. આરતી ડોગરાની ઉંચાઈ ફક્ત ૩ ફૂટ અને પાંચ ઇંચ જ રહી પરંતુ, તે પછીના તેના જીવન સંઘર્ષ અને તેના કાર્યોની સફળતાએ તેને જીવન ઉંચાઈ પર બેસાડી. કર્નલ ડોગરા અને શિક્ષિકા કુમકુમને ઘેર દીકરીના પધરામણા થયા ડોગરા પરિવારમાં આનંદની છોળો ઉછળી કારણ કે લક્ષ્મીનો જન્મ થયો. આ તેમનું પ્રથમ સંતાન હતું પરંતુ થોડા સમયમાં બાળકોના તબીબે (પીડીઆટ્રીક) જણાવ્યું કે, આરતીની ઉંચાઈ વધવામાં પ્રોબ્લેમ છે. તેની ઉંચાઈ અમુકથી વધુ થઈ નહિ શકે અને આ શારીરિક કદની નિષ્ફળતાના કારણે તેણીને બાળકોની પ્રાયોગિક શાળામાં મૂકવી પડશે.

આ સાંભળતા જ શરૂઆતમાં કર્નલ પરિવારને આઘાત લાગ્યો પરંતુ તરત જ પિતાને લશ્કરી માનસ અને માતાનું શૈક્ષણિક માનસ નિર્ણય કરી બેઠું કે, ભલે કુદરતે અમારી દીકરીને શારીરિક નકારાત્મકતા આપી પરંતુ અમે તે નકારાત્મકતાને, હકારાત્મકતામાં ફેરવીને દીકરીનું જીવન બનાવશું અને તેને સામાન્ય બાળકની જેમ ઉછેરી સફળતાની કેડી પર ચાલતી કરીશું.

આરતી નાની હતી ત્યારથી તેનું કદ નાનું જ રહ્યું એટલે જ્યારે સગા- વ્હાલા મિત્રો દીકરીના જન્મની શુભેચ્છા આપવા આવતા ત્યારે આરતીને જોઈને અચંબો પામી જતા અને કાં તો હસી મજાક ઉડાવતા અથવા તો મોટા થાય ત્યારે આ દીકરીને હોસ્ટેલ વગેરેમાં મૂકવાની સલાહ આપતા ઘણા શિક્ષિકા કુમકુમને થોડા સમયમાં જ બીજું સંતાન કરવાની સલાહ આપતા.

પરંતુ બધા જ લોકોને ડોગરા માતાપિતાનો જવાબ હતો 'અમારી દીકરીને કુદરતે ડારફીસમ (ઉંચાઈની નકારાત્મકતા) આપી પરંતુ અમારું આ એક જ સંતાન અમારે માટે જીવનભર કાફી છે, અમે તેને સુંદર રીતે ઉછેરીશું અને એક દિવસ અમારી દીકરી અમારું નામ રોશન કરશે.'

અને શરુ થઈ ડોગરા પરિવારની સંઘર્ષ યાત્રા...

આરતીને સામાન્ય કન્યાશાળા દહેરાદુનની વેલ્કમ શાળામાં જ મૂકવામાં આવી જ્યાં બીજી સામાન્ય છોકરીઓ સાથે, આરતીએ ભણવા માંડયું. આરતીનું અત્યંત નીચું કદ જોઈ બીજી છોકરીઓ તેની મજાક ઉડાવતી પરંતુ આરતીને તેના માતાપિતા દ્વારા જબરજસ્ત શીખ મળેલી કે કોઈ પણ વ્યક્તિ તેણીને ઉડાવેતો જવાબમાં માત્ર હાસ્ય જ આપવું. ક્યારેક કુદરતે આપેલી ખોડનું દુ:ખ કરવું નહીં, વ્યક્તિ તેના કાર્યથી મહાન થાય છે નહિ રૂપ ને રંગથી. આ શીખ આરતીએ નખશીખ પોતાના માનસમાં અંક્તિ કરી હતી એટલે તે જરા પણ ચીડાતી નહીં. શાળાનો અભ્યાસ પણ પત્યો, દિલ્હીની શ્રીરામ કોલેજમાંથી ઇકોનોમિક્સ વિષય સાથે સ્નાતક કર્યું અને દહેરાદુનમાંથી અનુસ્નાતક કર્યું.

આમ ડારફિસમની દર્દી હોવા છતાં સરળતાથી, ખૂબ સારા માર્કસ સાથે શૈક્ષણિક કારકિર્દી મેળવી. આટલેથી આરતી ડોગરાની શૈક્ષણિક યાત્રા અટકી નહીં ભલે ઉંચાઈનું કદ નાનું હતું પણ ધ્યેયનું કદ તો વિશાળ હતું અને તેના ધ્યેયને નિસરણી મળી તે નિસરણીનું નામ આઇએએસ ઓફિસર મનીષાબહેન આરતીની કહાણી જાણી અને તેને આઇ.એ.એસની પરીક્ષા આપી આઇએએસ ઓફર બનવાની પ્રેરણા આપી આરતીને રસ્તો મળી ગયો, હવે મંઝિલ સુધી તેણે પહોંચવા મહેનત કરવાની હતી અને આરતીએ આઇએએસની પરીક્ષા માટે સખત મહેનત કરી અને ૨૦૦૬ની સાલમાં પ્રથમ જ પ્રયાસમાં આરતીએ ટોપર તરીકે આઇએએસની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને તેણી આઇએએસ ઓફિસર બની.

જ્યારે આ સફળતાની ઉપલબ્ધિની શુભેચ્છાઓ આપવા સૌ આવતા ત્યારે જનસમૂહનો સામાન્ય અવાજ હતો દીકરીએ દીકરાની ગરજ સારી ત્યારે ડોગરા પરિવારનો જવાબ હતો દીકરી અમારી દીકરી જ છે અને તેણીએ જીવનમાં કુદરતે આપેલી નકારાત્મકતાને હકારાત્મકતામાં ફેરવી, સફળતા મેળવી દીકરી તરીકે જ. આરતીની આઇએએસ ઓફિસર તરીકેની કામગીરી ખૂબ જ સફળ રહી.

પ્રથમ તેનું પોસ્ટિંગ બીકાનેરમાં થયું અહીં સૌથી પ્રથમ આરતીએ સ્ત્રીઓને ખુલ્લામાં હાજત કરતા જોઈ અને તેઓની તકલીફ જાણી આથી તેણે 'બેંકો બીકાવો' કરીને પ્રોજેક્ટ કર્યો જેમાં સ્ત્રીઓને ખુલ્લામાં હાજત ન જવું પડે તે માટે ગામોમાં શૌચાલયોની હિમાયત કરી તે માટે સમજાવ્યા અને ૧૯૫ ગામોમાં શૌચાલય બંધાવ્યા જેના કારણે તેણીને ઘણી પ્રસિદ્ધિ મળી આરતીના આ પ્રોજેક્ટની કામગીરી આઉટકેમ સોફ્ટવેર દ્વારા મોબાઇલ પર થઈ અને બીકાનેર જિલ્લો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો જ્યાં પાક્કા શૌચાલયો બન્યા અને સ્ત્રીઓની મુશ્કેલી દૂર થઈ. આ મોડેલ પ્રોજેક્ટે પંજાબ, મધ્યપ્રદેશ વગેરેમાં અનુકરણ કર્યું.

આ પછી તેની બદલી જયપુરમાં થઈ અહીં આરતી ડોગરાએ 'વીજળી બચાવો અભિયાન' એ પ્રોજેક્ટ પર ભાર મૂક્યો. આરતીએ જાતે ફરી, સર્વે કરી તારણ કાઢ્યું કે ઘણી બધી વીજળી વેડફાઈ રહી છે, જ્યારે ઘણા રાજસ્થાનના અંતરિયાળ ગામડામાં વીજળીનો અભાવ જણાય છે. આથી તેણીએ જુનિયર અને સિનિયર એન્જિનિયરોને બોલાવી કામગીરી સોંપી કે તેઓ ગામોમાં અને શહેરોમાં જાતે ફરી અને વીજળીના વપરાશની ચકાસણી કરે અને વપરાશના આંકડા મેળવે. આ સાથે આરતી ડોગરાએ પાવર સેવર ૩ લાખ બલ્બ નાના શહેરો અને બીજી જગ્યાએ વહેંચ્યા જેના કારણે વીજળીનો બચાવ થયો આ ઉપરાંત એન્જિનિયરોની સુંદર કામગીરીથી ઘણો ન જોઈતો વીજળીનો બચાવ થયો જેના કારણે અંતરિયાળ ગામડાઓમાં અમુક કલાક સુધી વીજળી પહોંચાડવાનો પ્રયાસ થયો.

ઉપરાંત આરતી ડોગરાનો ખૂબ જાણીતો પ્રોજેક્ટ 'ડોક્ટર્સ એન્ડ ડોટર્સ' એ શીર્ષક હેઠળ એક પ્રોજેક્ટ કર્યો. જેમાં ૪૦ ડોક્ટરોએ ગામડાની ૪૦ દીકરીઓ દત્તક લીધી જેમની ભણવાની, માંદગીની બધી જ જવાબદારી ઉઠાવવાના શપથ લીધા.

આ બધા જ કાર્યો માટે આરતીને અનેક રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યા.

આરતી ડોગરા મહિલાઓને એટલો જ સંદેશ આપે છે કે : હું મારી શારીરિક નકારાત્મકતાને કારણે પણ સફળ થઈ શકી. કારણ કે, મારા માતાપિતાનો સપોર્ટ અને દીકરી તરીકે ઉછેર, જે ફક્ત હકારાત્મક અભિગમથી ભરેલો દરેક માતાપિતાએ દીકરીનો ઉછેર, દીકરી તરીકે જ કરી તેને સફળ બનાવવી જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cOo43b
Previous
Next Post »