બોરસદમાં બે મહિનાના પાડાને પથરી થતા શસ્ત્રક્રિયા કરીને બચાવી લેવાયું


આણંદ,તા. 12 મે 2020, મંગળવાર

બોરસદ તાબે આવેલ કુંભારી તલાવડી વિસ્તારમાં રહેતા કેસરીસિંહ ગંભીરસિંહ રાઠોડ પશુપાલક હોઈ તેઓની પાસે બે માસની ઉંમર ધરાવતો એક પાડો છે. જો કે છેલ્લા બે દિવસથી આ પાડાને પેશાબ થતો ન હતો તેથી કેસરીસિંહે અમૂલના પશુ દવાખાનામાં વિઝીટ બુક કરાવી હતી. દરમ્યાન અમૂલમાં ફરજ બજાવતા વેટરનરી ર્ડા.મોહસીન વ્હોરા તથા ર્ડા.શૈલેષ કડીયાએ ઈમરજન્સી વિઝીટ લીધી હતી અને પાડાની તપાસ કરતા તેને પથરી હોવાનું માલુમ પડયું હતું. જેથી તબીબોએ સ્થળ પર જ શસ્ત્રક્રિયા કરવાનું નક્કી કર્યું હતું. આ પાડાની શસ્ત્રક્રિયામાં એક નવીન પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સૌપ્રથમ લોકલ એનેસ્થેસીયા આપ્યા બાદ શસ્ત્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

શસ્ત્રક્રિયા દરમ્યાન માલુમ પડયું હતું કે તેની મૂત્રાશયની કોથળી આ બે દિવસની પીડામાં ફાટી ગયેલ હતી. આ નવીન પ્રયોગમાં મૂત્રને કૃત્રિમ રીતે શરીરની બહાર ફોલીસ કેથેટર વડે સપ્લાય આપવામાં આવે છે. જેનો એક છેડો મૂત્રાશયની કોથળીમાં અને બીજો છેડો શરીરની બહાર રાખવામાં આવે છે. જેથી મૂત્ર આ નળી વડે બહાર આવી શકે આ દરમ્યાન તેને ૧૫ દિવસ સુધી મોંઢા વાટે એમોનીયમ ક્લોરાઈડ આપવામાં આવ્યું હતું. જે મૂત્રાશયની નળીમાં રહેલ ક્ષારને તોડવાનું કામ કરે છે. ૧૨માં દિવસે પાડાએ તેના કુદરતી મૂત્ર માર્ગ દ્વારા પેશાબ કરવાનું શરૂ કર્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fHfWDn
Previous
Next Post »