આણંદના ગંજ બજારમાં જથ્થા બંધ વેપાર માટે તંત્રએ પરવાનગી આપતાં વિવાદ


- 17મી મે સુધી ગંજ બજાર બંધ રાખવાના નિર્ણયના ગણતરીના દિવસોમાં જ ફરી બજાર ચાલુ કરાતા પોલીસને બખ્ખા

આણંદ,તા. 12 મે 2020, મંગળવાર


લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કટકી-બટકીના એપી સેન્ટર બનેલા આણંદના ગંજ બજાર માટે તંત્રએ ફરીથી એકવાર તાઈફો કરી જથ્થાબંધ વેપાર માટે પરવાનગી આપતા જિલ્લાના નાગરિકોમાં તંત્રના અણઘડ વહીવટ સામે અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. 

તંત્ર દ્વારા છાશવારે ગંજ બજારને ઉદ્દેશીને જાહેરનામું બહાર પડાતા નાગરિકો સહિત ગંજ બજારના વેપારીઓ પણ અસમંજસમાં આવી ગયા છે. આજથી આણંદના ગંજ બજારમાં જથ્થાબંધ વેપાર માટે મુક્તિ આપવામાં આવતા જથ્થાબંધ વેપારીઓની સાથે સાથે કેટલાક વેપારીઓએ પાછલા બારણે પોલીસની મીઠી રહેમ નજર હેઠળ છુટક વેપાર પણ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ જિલ્લાને રેડ ઝોન જાહેર કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના ગંજ બજારમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન થતું હોવાના કારણે ગંજ બજારને બંધ કરાયું હતું. જો કે ત્યારબાદ વેપારીઓની રજૂઆતને લઈને ખુબ ટૂંકાગાળામાં તંત્રએ તુરંત જ પોતાનો નિર્ણય બદલી અઠવાડિયાના ત્રણ દિવસ જથ્થાબંધ વેપાર તેમજ ત્રણ દિવસ છુટક વેપાર માટે છુટ આપી હતી.

જો કે આ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થયાને માંડ આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો વીત્યા હતા અને શુક્રવાર રાત્રીના સુમારે તંત્રએ જાહેરનામું પ્રસિધ્ધ કરી તા.૧૦ મેથી તા.૧૭ મે સુધી ગંજ બજારને સંપૂર્ણ રીતે બંધ રાખવાના આદેશ કર્યા હતા. જો કે આ જાહેરનામાને માંડ ગણતરીના દિવસો પસાર થયા છે ત્યાં તો સોમવાર રાત્રિના સુમારે તંત્રએ પુનઃ તાઈફો કરી ગંજ બજાર માટે વધુ એક જાહેરનામું પ્રસિધ્ધ કરતા હવે મંગળવારના રોજથી ગંજ બજાર જથ્થાબંધ વેપાર માટે શરૂ કરવાનો નિર્ણય લેવાતા વેપારીઓ સહિત શહેરીજનોમાં તંત્રના અણઘડ વહીવટ સામે અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે.

શહેરના ગંજ બજાર માટે છાશવારે જાહેરનામું પ્રસિધ્ધ કરી ગંજ બજારને ચાલુ-બંધ કરવાના નિર્ણય સામે વેપારી આલમ સહિત જાગૃતોમાં તંત્રની નીતિ સામે છુપો રોષ વ્યાપ્યો છે. કોઈ રાજકીય દબાણને વશ થઈ તંત્ર દ્વારા અવાર-નવાર પોતે જ જાહેર કરેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે કે પછી કટકી-બટકીના ખેલ કરી પોતાના ખિસ્સા ભરવા માટે ગંજ બજારને પુનઃ શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો છે તે અંગેની ચર્ચાઓ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WSQ1jk
Previous
Next Post »