આણંદની વહેરાખાડીની સીમમાં ખનીજ માફિયાઓનો તલાટી મંત્રી પર હુમલો


આણંદ, તા.6 મે 2020, બુધવાર

આણંદ તાલુકાના વહેરાખાડી સીમમાં ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોને રોકવા જતા ભૂમાફિયાઓએ તલાટી ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ ખંભોળજ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ભૂમાફિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ તાલુકાના વહેરાખાડી ગામની સીમમાં આવેલ જમીનમાંથી માટીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળતા ગામના તલાટી કમલેશ સોલંકીએ જમીન માલિકની પુછપરછ કરી હતી. જો કે આ માટી ખનન અંગે જમીન માલિક પાસે કોઈપણ પ્રકારની કાયદેસરની મંજુરી કે અધિકારી પાસેથી રોયલ્ટી પાસ મેળવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન તલાટી કમ મંત્રી તથા સરપંચ વહેરાખાડી ગામે સ્થળ તપાસ કરવા જતા ઘટના સ્થળે જેસીબી મશીન દ્વારા માટી ખોદી વાહનોમાં ભરી લઈ જવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બાબતે પુછપરછ કરતા માટી ખોદીને એક પોલ્ટ્રીફાર્મમાં લઈ જવાતી હોવાનું તેમજ ખોદકામનો કોન્ટ્રાક્ટ ઓડ તાબેના દેવરામપુરા ગામના વિશાલ વનાભાઈ ભરવાડે રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તલાટી કમ મંત્રીએ પરવાનગી બાબતે પુછપરછ કરતા વિશાલ વનાભાઈ ભરવાડ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને વિશાલ ભરવાડ સહિતના અન્ય ભરવાડ જ્ઞાાતિના શખ્શોએ કમલેશભાઈ સોલંકીને ખેંચીને બાજુના ખેતરમાં લઈ જઈ ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં તેઓની પાસેનો મોબાઈલ ખુંચવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી જેસીબી મશીન સહિતના વાહનો લઈ નાસી છુટયા હતા. આ બનાવ અંગે કમલેશ સોલંકીએ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ વનાભાઈ ભરવાડ સહિત ભરવાડ કોમના અન્ય શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dkUZMy
Previous
Next Post »