રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના ટેકામાં આણંદમાં કલેકટરને આવેદનપત્ર


આણંદ, તા.19 મે 2020, મંગળવાર

પરપ્રાંતીયોને પોતાના વતનમાં મોકલવાની કામગીરી બાબતે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા બહિષ્કાર કરવામાં આવતા આણંદ જિલ્લા મહેસુલી કર્મચારી એસોસીએશને પણ તેને ટેકો આપ્યો છે. આજરોજ આણંદ જિલ્લા મહેસુલી કર્મચારી એસોસીએશનના વર્ગ-૩ના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પરપ્રાંતીયોને પોતાના વતનમાં મોકલવાની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.

પરપ્રાંતીયોને તેઓના વતનમાં મોકલવાની કામગીરીમાં જોડાયેલ મહેસુલી કર્મચારીઓ પૈકી તાજેતરમાં અમદાવાદ ખાતે એક મહેસુલી કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ જીવ ગુમાવતા મહેસુલી કર્મચારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. પરપ્રાંતીયોને તેઓના વતનમાં મોકલવા અંગે થતી કામગીરી બાબતે નોંધણીથી લઈ જે-તે જિલ્લામાંથી બસમાં બેસાડી તેમના વતન જતી ટ્રેનમાં બેસાડવા સુધી કામગીરીમાં મહેસુલી કર્મચારીઓ સીધા સંકળાયેલા હોય છે. સાથે સાથે પરપ્રાંતીયો પાસેથી ભાડાના નાણાં વસુલી રેલ્વે તંત્ર સુધી પહોંચાડવાની જવાબદારી પણ મહેસુલી કર્મચારીના શિરે નાખવામાં આવી છે. જેને લઈ આવા કર્મચારીઓ કોરોના વાયરસના સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવે છે. આ બાબતે તાજેતરમાં ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સમક્ષ યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરાઈ હતી. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ જ તકેદારીના પગલાં ન ભરાતા આખરે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પરપ્રાંતીયોને પોતાના વતનમાં મોકલવાની કામગીરીનો બહિષ્કાર કરવાનું એલાન કરાયું છે. જે અંતર્ગત આણંદ જિલ્લા મહેસુલી કર્મચારી એસોસીએશને ટેકો જાહેર કરી આજથી પરપ્રાંતીયોને પોતાના વતનમાં મોકલવાની કામગીરીનો બહિષ્કાર કરી જિલ્લા કલેક્ટરને આ અંગે લેખિત રજૂઆત કરી છે. આણંદ જિલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ દ્વારા પરપ્રાંતીયોને તેમના વતન મોકલવા સંબંધિત તમામ કામગીરીનો આજથી મહામંડળના અન્ય આદેશો ન થાય ત્યાં સુધી બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e2hMgt
Previous
Next Post »