મુંગાની બોલબાલા .


સ્માઈલરામ - સાંઈરામ દવે

દૂરદર્શનના શક્તિમાન ઉડી ઉડી અને થાકી ગયા. નુક્કડ પણ લોકોને આકર્ષી ન શક્યું. ટી.આર.પી. ના વર્લ્ડ રેકોર્ડ સાથે રામાયણ પૂરી થઈ પરંતુ આ લોકડાઉન પૂરું ન થઈ શક્યું.

સવાર સવારમાં અતૂલનો ફોન રણક્યો, મને કહે સાંઈ અમદાવાદ - સુરત કે મુંબઈના કોઈ મિત્રને ખબર પૂછવા માટે પણ તું ફોન ના કરતો ! મેં પૂછયું કેમ ? ફોન કરવામાં થોડો કોરોના થઈ જાય ? અતુલ કહે, હવે એટલું જ બાકી રહ્યું છે ભાઈ, આપણે કોઈને ફોન કરીએ સામેવાળો છીંક કે ઉધરસ ખાય અને વાઈરસ સીધા આપણાં કાનમાં ઘૂસી જાય તો ? 

નણ્યા કોઠે કોકે આદુવાળી ચા ના બદલે કડવું કડીયાતું પાઈ દીધું હોય એવી ફીલીંગ આવી. મેં ફોન કટ કરી દીધો. જીવનમાં આપણે ગમે તેટલા પોઝીટીવ હોઈએ પરંતુ અત્યારે આપણાં રીપોર્ટ પોઝીટીવ આવે એટલે આપણાં માટે બધા નેગેટીવ થઈ જાય એવી પરિસ્થિતિ વણસી રહી છે. દૂરદર્શનના શક્તિમાન ઉડી ઉડી અને થાકી ગયા. જે પોતાના જ કર્મોના સરકસમાં અટવાયેલા હોય એ લોકોને શાહરૃખખાન વાળું સરકસ ક્યાંથી ગમે ? નુક્કડ પણ લોકોને આકર્ષી ન શક્યું. ટી.આર.પી. ના વર્લ્ડ રેકોર્ડ સાથે રામાયણ પૂરી થઈ પરંતુ આ લોકડાઉન પૂરું ન થઈ શક્યું. કર્ણના રથના પૈડાની જેમ જીવન જાણે કોરોનાના કાદવમાં ખૂંચી ગયું હોય એવું લાગી રહ્યું છે. ભીષ્મની બાણશૈયાની જેમ ડ્રોઈંગરૃમની  'સોફા શૈયા' પર જિંદગી જાણે ઘાયલ થઈને પડી છે એવા સમયે કેટલીક કદી ન બોલાતી અમૂર્ત વસ્તુઓ કંઈક કહી રહી છે. લ્યો સાંભળોતો મૂંગાઓની બોલબાલા :-

કૂકડો

મારી બાંગ સાંભળીને આ લોકો કામ હોય કે ન હોય બહાર નીકળી જ જાતા. અને છેલ્લા કેટલાક મહિનાઓથી મારું ગળું બેસી જાય છે તો'ય આ માળા બેટા કેમ કોઈ ઘરની બહાર નથી નીકળતા ? છેલ્લા દોઢ મહિનાથી અમારી નાતની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ. શું લોકો સહકુટુંબ મિત્રમંડળ શાકાહારી થઈ ગયા ? કે અહિંસા વ્રતમાં સ્થિર થયા સાલ્લું કાંઈ સમજાતું નથી. 

ટ્રાફિકસિગ્નલ :- 

ઓ, માણસો અમારી લાલ-પીળી થતી આંખ મિચોલી બંધ થઈ ગઈ છે. અમારી આંખોમાં ધૂળના ચીપડા જામી જાય છે. ચોકની સામેનું સિગ્નલ એ મારી પ્રિયતમા છે. છેલ્લા દોઢેક મહિનાથી એણે તમારા પાપે મને ભાવ દેવાનું જ બંધ કર્યું છે. પેટ્રોલ ડિઝલના ધુવાડાં અમારા શ્વાસોશ્વાસ જેવા થઈ ગયા છે. તેના વગર ગુંગળામણ થઈ રહી છે. શહેરનો ક્યો ટ્રાફિકવાળો સાચો છેત અને કોણ કોની પાછળ બેસીને ક્યાં જાય છે તેની સાવ સાચી ખબર મને જ હતી પણ હું એ કોઈને નહીં કહું પ્રોમીસ, ફરીથી ધબકતા થાવને યાર... નથી ગમતું તમારા હોર્નના દેકારા વગર.

ચાની કીટલી :-

કલાકમાં ચાર વખત છલોછલ અને ગરમા ગરમ ચાથી છલકાતી હું કીટલી સાવ બેરોજગાર થઈ ગઈ છું. મારા મોઢા ઉપર કાટ જામી ગયો છે. ગજબની ગુંગળામણ અનુભવી રહી છું. માલધારીના હાથનો ખરબચડો સ્પર્શ, એ ચૂલાનો સતપ અગ્નિ, એ ચાની ભૂકીને મારા તળિયે બેસાડી રાખવાનો કસબ, અને એ રકાબી રૃપી દિલરૃબાને ક્યારેક અજાણતા થતું ચુંબન... બધું જ ભૂલાય ગયું છે. હે માણસો, આ દેશમાં દેકારો કરીને દારૃની દુકાનો ખોલાવી શકાય તો ચાની દુકાનો કેમ નહીં ? શું મારા ચાહકો ઓછા છે ? પૂછી જુઓ વડાપ્રધાનને. 

ઓટલો 

 ચાર મળે ચોટલા તો ભાંગે ગામના ઓટલાત હવે આ કહેવત ફરીથી લખજો. છેલ્લા પિસ્તાલીસ દિવસથી કોઈ મારી ઉપર બેઠું નથી. આખી શેરીની પંચાત વર્ષોથી સાંભળી સાંભળીને ટેવાય ગયેલા મારા કાન પંચાત વગર બહેરા થવાની અણી માથે છે. આમ તો મારું સર્જન મહિલા મંડળ માટે જ અબાધિત હક્કો સાથે થયું છે. પરંતુ ગઈકાલે બે ભઈલાઓએ બેસવાની હિંમત કરી અને ત્યાં જ પોલીસની જીપ આવી ચડી, મારી નજર સામે ચાર લાકડીઓ વીંઝાણી. 'ઓટલાનું એકાંત' કોઈ કવિ પાસે કવિતા લખાવજો પણ હમણાં ઓટલે ન બેસતા સોજી જાશો. 

રેલ્વે સ્ટેશન 

આઝાદીથી અત્યાર સુધીમાં આવી ભયાનક શાંતિ મેં અનુભવી નથી. લાલકપડાં સાથે લગેજ માથે ઉપાડીને દૌડતાં કુલીઓનો પરસેવો મારો બોડી સ્પ્રે છે. ભર ઉનાળામાં પણ ગરમ કાળા કોટમાં આંટા દેતો ટી.ટી. એ મારી આંખ્યુ છે. એંજીનનો ધુમાડો એ મારું સ્મોકીંગ છે. પાટા ઉપર દોડતા ઉંદરો અને છછુંદરો મારો પરિવાર છે. સિગ્નલ અને વ્હીસલ મારા નસકોરા છે. ભક ધૂક એ મારા પગલાંનો ધ્વનિ છે. અને હૈયે હૈયું દળાતું હોય એટલા માણસો મારું અસ્તિત્વ છે. આ બધું ગોટે ચડયું છે. ફર્સ્ટ ક્લાસ એ.સી. રેલ્વે સ્ટેશન લોકોના દેકારા પડકારા વગર થર્ડ ક્લાસ લાગી રહ્યું છે. હું સ્યુસાઈડ કરી લેવાની તૈયારીમાં હતું ત્યાં મજૂરોને મૂકવાનો ઓર્ડર આવ્યો અને હું જીવી ગયુ છું. હવે જલ્દી કરજો કાં તો તમે બધા પાછા ફરજો અને કાં મને માત્ર મજૂરોની અવરજવર માટે તદ્દન ફ્રી કરી દયો ! સાંભળો છો સત્તાધારીઓ... નહીતર હું ખરેખર આપઘાત કરી લઈશ. લાસ્ટવોર્નિંગ. 

શેરડીનો ચીચોડો

હે, ભાઈ કોઈ બહું મોટો રોગચાળો ફાટી નીકળ્યો છે કે શું ? તમે બધા સાગમટે કાં ફાટી પડયા ? હોલસેલમાં સંધાયને ડાયાબીટીશ થયું કે શું ? શેરડીનો રસ પીવાથી પાપ લાગે છે આવું કોઈ શાસ્ત્રમાંથી બહાર પાડયું કે શું ? શેરડીનો રસ જીવ માટે જોખમી છે આવું કોઈ વૈજ્ઞાાનિક સંશોધન બહારે પડયું કે શું ? મને કોક જણાવો તો ખરા ! વરસમાં માત્ર ઉનાળાના ચાર મહિના જ અમારે તમારા હોઠ સુધી પહોંચવાનું હોય. કાળઝાળ ઉનાળામાં તમે ઉકાળા પી રહ્યા છો ? એવા તે ક્યાં પાપ કર્યા ? કર્મના ક્યાં ચીચોડે શેરડીની જેમ પિલાઈ રહ્યા છો ? કોઈ શેરડીના ચીચોડાને જવાબ તો આપો ? એલા કોક તો મોઢામાંથી ફાંટો ? કે સંધાય પીલાઈ ગયા છે ?  

યુરીનલ (જાહેર મુતરડી) : 

ઓ ભઈ, મારી તો હાલત ને તબિયત કાંઈ સુધરી છે, કાંઈ સુધરી છે કે વાત જવા દો. મારાથી દસ ફૂટ દૂર એક ફૂલનું ઝાડ છે તેની સુગંધ લાઈફમાં પહેલીવાર મને આવી છે. છેલ્લા પિસ્તાલીસ દિવસથી મારી સફાઈ કરવા પણ કોઈ જ નથી આવ્યું કારણ હું બગડી જ નથી. માણસો કરતાં વધારે મારી પાસે અત્યારે શ્વાન આવી રહ્યા છે. કેટલાંય પરપ્રાંતિય શ્વાન પરિવારોનું આશ્રય સ્થાન બની છું તેનો આનંદ છે એક જ પ્રકારની સુગંધ (?) થી વર્ષોથી ટેવાયેલી હું શહેરની નવી હવાઓ શ્વાસમાં ભરી રહી છું. કાલે મારી અંદર કોઈ છાપું નાખી ગયું. આવા સમયે પણ કોમવાદને ભડકાવતા ને પોલીસ અને ડોકટરો પર પથ્થરો મારતા સમાચાર વાંચીને થયું કે કેટલાંક માણસો અને જ્ઞાાતિ કરતાં તો હું વધારે સુગંધી છું. શું ક્યો છો ? 

ભૂકંપ :-
કાંઈ બોલે નહી જે થાય છે એ ચેક કરે છે કે બધા ઘરમાં જ છે ને ? સાંઈરામના સ્માઈલરામ.

ઝટકો :
જીવનમાંથી નિરર્થક હટાવી દો,
સાર્થક બહાર આવી જશે.
- અષ્ટાવક્ર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ynATCE
Previous
Next Post »