આણંદ, તા.16 મે 2020, શનિવાર
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે અને તપાસ કરતા સરકારી અધિકારીઓ ઉપર આવા ખનીજ માફીયાઓ અવાર-નવાર હુમલો કરતા હોવાના બનાવ બન્યા છે ત્યારે ભૂમાફીયાઓ દ્વારા તપાસ કરવા ગયેલ પોલીસની ટીમ ઉપર વધુ એક વખત હુમલો કરાયો હોવાનો બનાવ બનતા ચકચાર મચી છે. ઉમરેઠ તાલુકાના શીલી ગામે એલસીબી અને ખંભોળજ પોલીસની ટીમ તપાસ કરવા ગઈ હતી ત્યારે ભૂમાફીયાઓએ પોલીસ ઉપર હુમલો કરતા ખંભોળજ પોલીસે ભૂમાફીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ તાલુકાના વહેરાખાડી ગામે ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હોવાની મળેલ ફરિયાદના આધારે તલાટી કમ મંત્રી તપાસ કરવા ગયા હતા. જેમાં માથાભારે ભૂમાફિયાઓએ તલાટી કમ મંત્રી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે વહાણ વનાભાઈ ભરવાડ, હીરાભાઈ હોથીભાઈ ભરવાડ, રેવાભાઈ બાથાભાઈ ભરવાડ અને રાજુભાઈ ભલાભાઈ ભરવાડ વિરૃધ્ધ ગુનો નોંધાતા પોલીસે તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. જે અંતર્ગત ગઈકાલ રાત્રિના સુમારે એલસીબી પોલીસની ટીમ ખંભોળજ ખાતે પહોંચી હતી. જ્યાંથી ખંભોળજ પોલીસને સાથે રાખી મોડી રાત્રિના સુમારે શીલી ગામ સ્થિત આવેલ રઘુપુરા ચરાંમાં તપાસ કરવા માટે ગઈ હતી. જો કે તપાસ કરવા જતા એક ઘરની બહાર સુઈ રહેલ વનાભાઈ ગંગદાસભાઈ ભરવાડ જાગી ગયા હતા અને અહીંયા કોઈ નથી, બધા બહારગામ ગયા છે તેમ જણાવી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી બુમાબુમ કરી હતી. દરમ્યાન ઘરમાં સુઈ રહેલ વનાભાઈ અને સાથીઓને બચાવવા માટે ઘરના સભ્યોએ લાઈટો બંધ કરી દીધી હતી અને પોલીસની ટીમ સામે ગાયો છુટી મુકી દઈ ઘરમાં તપાસ કરવા દીધી ન હતી. જેથી આ અંગે ખંભોળજ પોલીસે વનાભાઈ ગંગદાસ ભરવાડ, સુરેશ ગંગદાસ ભરવાડ, મહેશ ઉર્ફે બાથો સુરેશભાઈ ભરવાડ અને કરણ વિઠ્ઠલભાઈ ભરવાડ વિરૃધ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3czaYql
ConversionConversion EmoticonEmoticon