ખેડા જિલ્લામાં કોરોનાનો રાફડો : વધુ 7 કેસ


નડિયાદ , તા.17 મે 2020, રવિવાર

ખેડા જિલ્લામાં આજે કોરોનાનો કેર અવિરત્ રહ્યો છે. આજે મોડી સાંજ સુધીમાં જિલ્લાના વધુ સાત દર્દીઓ પોઝીટીવ જાહેર થતા ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો અર્ધ શતકે પહોંચ્યો છે. આજે નડિયાદ શહેરના ૩, ખેડા તાલુકાના ર  અને કપડવંજ શહેરના ર દર્દીઓ કોરોના પોઝીટીવ થયા છે. વધુ એક વખત ખેડા જિલ્લાને રેડ ઝોન અમદાવાદે સંક્રમિત કર્યા છે. તેમાંય અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આવેલી કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીના વધુ બે દર્દીઓ કોરોનાગ્રસ્ત થતા જિલ્લામાં કેડિલાની દવા કંપનીએ જ ૧૧ જેટલા દર્દીઓ વધાર્યા છે. 

આજે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગીતાંજલીરોડ નજીક રાધાક્રિષ્ણ સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઇ રસિકભાઇ પ્રજાપતિ, ઉં. ૪૨ અને દક્ષેશ રસિકભાઇ પ્રજાપતિ, ઉં.૪૦ કોરોનાગ્રસ્ત થયા છે. તેઓ બંને ધોળકા પાસેની કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં નોકરી કરવા જતા હતા. આથી તેમને હાઇરીસ્ક પેશન્ટ ગણીને મેડિકલ તપાસ કરતા બંનેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 

નડિયાદમાં ત્રીજો કોરોના પોઝીટીવ રીપોર્ટ ૩૩ વર્ષિય યુવાન હરિશભાઇ કિરણભાઇ પટેલનો આવ્યો છે. તેઓ શહેરના કાકરખાડ વિસ્તારમાં આવેલ સરદાર પોળમાં રહે છે અને સંતરામ રોડ પર આવેલ ચેતનભાઇ શાહ ઇન્કમટેક્ષ પ્રેક્ટીસનરને ત્યાં નોકરી કરે છે. હરીશભાઇ લોકડાઉન ચાલુ થયા બાદ નોકરી પર ગયા ન હોવાનુ આરોગ્ય તપાસમાં બહાર આવ્યુ છે.તા.૧૬-૫-૨૦૨૦ ના રોજ હરીશભાઇને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને ડૉ.બી.એલ.ભટ્ટની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યા તેઓને એકરે કરાવતા ન્યુમોનિયા હોવાનુ બહાર આવ્યુ હતુ.ત્યાથી તેઓને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જ્યા તા.૧૬-૫-૨૦૨૦ ના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે આજરોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

કપડવંજ તાલુકાના અનારા ગામના વતની અને અમદાવાદના ઇસનપુરથી બે દિવસ પહેલા એક દંપતિ વિપુલભાઇ બળદેવભાઇ પટેલ, ઉં. ૫૫ અને તેમના પત્ની હીનાબેન ,ઉં. ૫૩ કપડવંજ આવ્યા હતા. ગઇકાલે બપોરે ખાસ કિસ્સામાં મેડિકલ ચેકીંગ માટે નડિયાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સાંજે તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે. આથી તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેઓ કપડવંજના રત્નાકર રોડ ઉપર આવેલી  ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં  રહે છે. 

ખેડા તાલુકાના રઢુ ગામે આજે વધુ એક યુવાન કોરોના પોઝીટીવ જાહેર થયો છે. ગત્ ૧૫મી તારીખે રઢુના રીપલ સુરેશભાઇ પટેલ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. તેમના સંક્રમણમાં આવેલા તેમના ભાઇ દક્ષેશ સુરેશભાઇ કા.પટેલ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. તેમને નડિયાદની હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ જ રીતે ખેડા તાલુકાના રસિકપુરા ગામના વિનોદભાઇ મંગળભાઇ રાઠોડ ગામ નજીક આવેલ જેટીઆઇ કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે વિનોદભાઇની તબિયત નાદુરસ્ત લાગતા તે ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. જ્યાં તેમની હાલત શંકાસ્પદ લાગતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં ગઇકાલે તેમનો સેમ્પલ લેવામાં આવ્યો હતો. જે આજે પોઝીટીવ જાહેર થયો છે. આથી સ્થાનિક આરોગ્ય તંત્રએ તેમના પરિવારના પત્ની, ત્રણ દિકરીઓ અને એક પુત્રને કોરન્ટાઇલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમની મેડીકલ તપાસ માટે તેમને નડિયાદના સ્પોર્ટ્સ સંકુલમાં લઇ જવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે રસિકપુરાના અનેક યુવાનો ધોળકા કેડિલા કંપનીમાં નોકરી કરતા હતા. આથી વિનોદભાઇ તેમના સંક્રમિત બન્યા હતા. ઉપરાંત રઢુ પીએચસીના ડોક્ટરોના જણાવ્યા મુજબ ગામમાં આરોગ્યની ટીમે  અને આશાવર્કર બહેનોની તપાસની કામગીરી દરમ્યાન વિનોદભાઇએ બિમારીની માહિતી આપી ન હતી અને ખાનગીમાં ધોળકા દવા લેવા ગયા હતા. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yWLHbd
Previous
Next Post »