નડિયાદ એસ.ટી. ડિવિઝનની 774 ટ્રિપોનો પ્રારંભ થતા મુસાફરો ખુશ


નડિયાદ, તા.20 મે 2020, બુધવાર

નડિયાદ એસ.ટી ડિવીઝન દ્વારા ૭૭૪ ટ્રીપોનુ સંચાલન કરવામાં આવ્યુ છે. જિલ્લાના ડિવિઝનના  ડેપો ઉપરથી આજે  ૫૬ દિવસ બાદ કાર્યરત કરવામાં આવી હતી.જેમાં ૧૧ ડેપોમાં ૧૦૮ વાહનો દ્વારા ૭૭૪ ટ્રીપોનુ સંચાલન કરાયુ હતુ.

કોરોના મહામારીને કારણે છેલ્લા ૫૬ દિવસથી બંધ રહેલ એસ.ટી.સેવા આજરોજ ચાલુ કરવામાં આવી છે.સેન્ટ્રલ ઓફીસની સુચના અનુસાર નડિયાદ ડિવીઝન હસ્તકના ૧૧ ડેપો ઉપરથી બસ સેવા ચાલુ કરવામાં આવી છે.આ અંગે વિભાગીય નિયામક એ.કે.પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે સરકારની સૂચના અને ગાઇડલાઇન અનુસાર નડિયાદ ડિવીઝન દ્વારા આજરોજ જુદા જુદા ૧૧ ડેપો દ્વારા કુલ-૧૦૮ વાહનો દ્વારા કુલ-૭૭૪ ટ્રીપોનુ સંચાલન કરવામાં આવ્યુ હતુ.જેમાં જિલ્લા મથકથી તાલુકા મથક સુધી સંચાલન કરવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત નડિયાદ વિભાગના તમામ એસ.ટી.ડેપો અને કંટ્રોલ પોઇન્ટ ઉપર મૂસાફરો માટે એક જ એન્ટ્રી પોઇન્ટ રાખવામાં આવેલ છે.અને બસસ્ટેન્ડમાં આવતા તમામ મૂસાફરોને થર્મલગન દ્વારા ચેકીંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.અને જે કોઇ વ્યક્તિનુ તાપમાન વધુ લાગે તો તેને એન્ટ્રી આપવામાં આવશે નહી.આ ઉપરાંત તમામ બસમાં સેનેટાઇઝરની સુવિધા કરવામાં આવેલ છે.એસ.ટી.નિગમ દ્વારા તમામ ડ્રાઇવર કંડકટરને બે-બે નંગ માસ્ક આપવામાં આવ્યા છે.આ ઉપરાંત દરેક ટ્રીપ પૂર્ણ થયા બાદ બસને સેનેટાઇઝરથી સાફ કરવામાં આવે છે.આ ઉપરાંત દરેક ડેપો અને કંટ્રોલ પોઇન્ટ ઉપર કોરોના વાયરસ ના પ્રતિકાર માટે જરૃરી સૂચના આપતા બેનરો મૂકવામાં આવ્યા છે.મૂસાફરોને બસસ્ટેન્ડમાં માસ્ક વગર પ્રવેશ આપવામાં આવશે નહી.અને સોશિયલ ડીસ્ટન્ટનુ પાલન કરવામાં આવે તે અંગે જરૃરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

એસ.ટી.કર્મચારી મહામંડળ દ્વારા તમામ એસ.ટી સ્ટાફને બે-બે માસ્ક આપવામાં આવ્યા છે.તેમ મંડળના જનરલ સેક્રેટરી ભગુભાઇ મકવાણાએ જણાવ્યુ હતુ.

----------------

ખેડા પાસેના ગોબલજની ફેકટરીમાં કામ કરતા

ઝારખંડ જવા નીકળેલા 20 પરપ્રાંતિયોને પોલીસે આણંદ રેલવે સ્ટેશને અટકાવ્યા

આણંદ, તા.20 મે 2020, બુધવાર

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ખેડા નજીકના ગોબલજ ખાતેની એક ફેક્ટરીમાં કામ કરતા આશરે ૨૦ જેટલા પરપ્રાંતીય શ્રમિકો પગપાળા પોતાના વતન ઝારખંડ જવા નીકળી ગયા બાદ આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા પોલીસે આ શ્રમિકોને અટકાવ્યા હતા. 

ઉચ્ચ અધિકારીઓએ ફેકટરી માલિક સાથે વાત કરી શ્રમિકોને વાહનમાં બેસાડી પરત મોકલ્યા

આ અંગે વહીવટી તંત્રના અધિકારીઓને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફેક્ટરીના માલિક સાથે વાત કરી આ તમામ શ્રમિકોને વાહન મારફતે પુનઃ ગોબલેજની ફેક્ટરી ખાતે મોકલી આપી અઠવાડિયામાં ઝારખંડ મોકલવાની વ્યવસ્થા કરાશે તેવી હૈયાધારણા આપતા મામલો થાળે પડયો હતો.

લોકડાઉનનો ત્રીજો તબક્કો ગત તા.૧૭ મેના રોજ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા તા.૩૧મી મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનને લઈને વિવિધ ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા સ્પેશ્યલ ટ્રેન મારફતે પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે ઓનલાઈન કામગીરી હોઈ પરપ્રાંતીય શ્રમિકો માટે આ કાર્યવાહી ઘણી કઠિન હોવાથી હજી પણ કેટલાક પરપ્રાંતીય શ્રમિકો જે-તે સ્થળે અટવાયા છે. આવા જ એક કિસ્સામાં ખેડા નજીકના ગોબલજ ખાતેની એક ફેક્ટરીમાં છેલ્લા ઘણાં દિવસથી અટવાઈ પડેલ આશરે ૨૦ જેટલા શ્રમિકો આજે સવારના સુમારે પોતાના વતન ઝારખંડ જવા માટે ચાલતી પકડી હતી. તેઓ ચાલતા-ચાલતા આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. દરમ્યાન પુછપરછ કરતા શ્રમિકોએ ફેક્ટરીના માલિકે કાઢી મુક્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ ફેક્ટરીના માલિક સાથે વાતચીત કરતા ફેક્ટરીના માલિકે જણાવ્યું હતું કે કોઈપણ મજૂરને ફેક્ટરીમાંથી કાઢી મુકવામાં આવ્યા નથી. પરંતુ શ્રમિકોએ જ વતન જવાની જીદ પકડી હતી અને પગપાળા નીકળી ગયા હતા. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રમિકોને સમજાવી એક વાહન મારફતે પરત ફેક્ટરી ખાતે મોકલી અપાયા હતા. સાથે સાથે આગામી એક સપ્તાહમાં વહીવટી તંત્ર દ્વારા આ તમામ શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી હૈયાધારણા અપાઈ હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQkCVM
Previous
Next Post »