નડિયાદના 75 વર્ષના વૃધ્ધા અને પુત્રવધૂ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ


નડિયાદ, તા.9 મે 2020, શનિવાર

નડિયાદના ૭૫ વર્ષના વૃદ્ધાએ બીપી અને ડાયાબીટીસની બિમારી વચ્ચે ૨૧ દિવસ પછી કોરોના અસૂરને હરાવ્યો છે.હોસ્પિટલમાંથી રજા મેળવીને આજે ઘેર જતી વખતે તેમની આંખો ભીની થઇ ગઇ હતી અને દવાખાનાના દરવાજાને માથુ ટેકવીને પ્રાર્થના કરી હતી કે ભગવાન દુશ્મનને પણ અહીં મોકલે નહીં. 

લાભુબેન છેલ્લાં દશ વર્ષથી ડાયાબીટીસ અને બીપીની બિમારી ભોગવી રહ્યા હતા અને આ અગાઉના વર્ષોમાં બે - બે વખત હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર પણ લીધી હતી. તેઓ નડિયાદના વૈશાલી સિનેમા પાછળના જૂના ડુમરાલ રોડ ઉપર આવેલી નવદુર્ગા સોસાયટીમાં રહેતા હતા. પરંતુ મનના એટલા મક્કમ કે દરરોજ સાંજે ઘર નજીકના સાંઇબાબાના મંદિરે જઇને ભજન કિર્તન કરતા હતા. લાભુબેનના પરિવારજનો માને છે કે અમારા બા કદી અડોશ પડોશમાં પણ ફરકતા નહીં. અને બીજે ક્યાંય બહાર નીકળતા નહીં. આથી અમને શંકા છે કે આ ભજન કિર્તનમાં જ તેમને વધતી ઉંમરે કોરોના અડી ગયો હશે. 

લાભુબા કહે છે કે મને પહેલા નડિયાદના મરીડા રોડ પર આવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં કોરન્ટાઇલ કરી હતી. જ્યાં મારી સાથે દિકરાની વહુ, મારી પૌત્રી બધા જ હતા. પરંતુ  બીજા દિવસે મને કોરોના પોઝીટીવ આવતા એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં અચાનક મને વધારે પડતા ઝાડા થઇ જવાથી ચારેક દિવસ આઇસીયુમાં પણ રાખી હતી. ડોક્ટર સાહેબોએ મારી ખૂબ કાળજી રાખી. પરંતુ મારી વ્હારે તો મારો ભગવાન જ આવ્યો. હું આખો દિવસ દવાખાનાના ખાટલામાં બેસીને ભજન જ કર્યા કરતી. મને ખાતરી હતી કે હું ચોક્કસ સારી થઇને મારા ઘરે જઇ શકીશ. 

આજે બપોરે લાભુબેનની તબિયત સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા એન.ડી.દેસાઇમાંથી તેમને રજા આપવામાં આવી હતી.૨૧ દિવસ દરમ્યાન તેમનો બે વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવતા અને તેમને તાવ ઉધરસ જેવા કોઇ લક્ષણો ન રહેતા આજે હોસ્પિટલમાંથી તેમને વિદાય આપવામાં આવી હતી. 

નડિયાદમાં ગત્ ૨૦મી એપ્રિલે કડિયાકામ કરતા નરેશભાઇ પ્રજાપતિને શરદી ઉધરસ થયો હોવાથી મેડિકલ ચેકીંગ કરતા કોરોના પોઝીટીવ આવ્યો હતો. આથી બીજા જ દિવસે તેમના પરિવારના સહુ સભ્યોને કોરન્ટાઇલ કરીને તેમનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયૂું હતું. જેમાં ૨૨મી એપ્રિલે નરેશભાઇના ૭૫ વર્ષના માતા  લાભુબેન પ્રજાપતિ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bjzsCk
Previous
Next Post »