આણંદ, તા.9 મે 2020, શનિવાર
લોકડાઉનના સમયમાં હોટફેવરિટ બનેલ આણંદ શહેરના ગંજબજારને વહીવટી તંત્ર દ્વારા અવાર-નવાર જાહેરનામા બહાર પાડી બંધ તેમજ ચાલુ રાખવાના નિર્ણયો લેવાતા શહેરીજનોમાં અનેક પ્રકારની ચર્ચાઓ એરણે ચઢી છે. અગાઉ અઠવાડિયાના અલગ-અલગ દિવસો માટે વૈકલ્પિક રીતે ગંજબજારને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયાના ગણતરીના દિવસો બાદ ગઈકાલ રાત્રે વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેરના ગંજબજારને આગામી તા.૧૭-૫-૨૦૨૦ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાતા ફરીથી ગંજબજાર ચર્ચામાં આવ્યું છે.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના નિયંત્રણ માટે લોકડાઉનની મુદ્દત આગામી તા.૧૭ મે સુધી લંબાવવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લામાં લોકડાઉનનું કડકપણે પાલન થાય અને લોકોને જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી સવારના ૮.૦૦ થી ૧૨.૦૦ સુધી દૂધ, શાકભાજી સહિત જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે છુટ આપવામાં આવી છે. આણંદ શહેરનું ગંજબજાર જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓ માટે પ્રખ્યાત છે. જો કે તા.૧લી માર્ચના રોજ આણંદ જિલ્લાને રેડ ઝોન જાહેર કરાતા ગંજબજાર બંધ કરવાના આદેશ કરાયા હતા. જો કે પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના કટકી-બટકીના ખેલ બંધ થઈ જતા તેઓમાં નિરાશા વ્યાપી હતી. બાદમાં પોલીસના કથિત પડદા પાછળના સપોર્ટ દ્વારા વેપારી એસોશીએશને વહીવટી તંત્રને રજૂઆત કરતા વહીવટી તંત્ર દ્વારા સપ્તાહના ત્રણ દિવસ જથ્થાબંધ અને ત્રણ દિવસ છુટક વેપાર માટે મંજુરી આપી હતી. પરંતુ ગઈકાલે રાત્રિના સુમારે અચાનક જ વહીવટી તંત્રએ આણંદ શહેરનું સરદારગંજ તા.૧૦મી મેથી તા.૧૭ મે સુધી સંપૂર્ણ બંધ રાખવા આદેશ કરતા વેપારી આલમમાં અનેક પ્રકારની ચર્ચાઓ એરણે ચઢી છે.
બીજી તરફ આગામી તા.૧૦ મે થી ૧૭ મે સુધી સરદારગંજ બજાર બંધ રાખવાના આદેશ થતા આજે સવારથી જ સરદારગંજ ખાતે ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સાથે સાથે કેટલીક દુકાનો ખાતે સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડતા જોવા મળ્યા હતા. પોલીસની હાજરી અને સતત પેટ્રોલીંગ વચ્ચે ગ્રાહકોની ભારે ભીડ જામી હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા સામે જાગૃતોમાં અનેક સવાલો ઉઠયા છે. તો બીજી તરફ શહેરમાં સવારના ૮.૦૦ થી ૧૨.૦૦ કલાકના સમયગાળા માટે ખરીદીની છુટ આપવામાં આવી હોવા છતાં આજે સરદારગંજ બજારની કેટલીક દુકાનો ૧૨ઃ૦૦ વાગ્યા બાદ પણ ખુલ્લી જોવા મળી હતી અને ગ્રાહકોએ ખરીદી કરી હતી. પોલીસની હાજરીમાં જ જાહેરનામાનું ઉલ્લંઘન થતું હોવા છતાં મુક પ્રેક્ષક બની પોલીસ તમાશો જઈ રહી હોવાનો આક્ષેપ જાગૃતોએ કર્યો છે.
ખંભાતથી વેપારીઓ આવતા હોઈ નિર્ણય લેવાયાની ચર્ચા
આણંદ, તા.9 મે 2020, શનિવાર
જિલ્લાના વડા મથક ખાતે આવેલ સરદારગંજ બજાર જથ્થાબંધ વેપાર માટે વિખ્યાત છે અને જિલ્લાના વિવિધ સ્થળોએથી છુટક વેપારીઓ અત્રે ખરીદી કરવા આવે છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી જિલ્લાના હોટસ્પોટ એવા ખંભાત ખાતેથી કેટલાક વેપારીઓ સરદારગંજ ખાતે ખરીદી અર્થે આવતા હોવાને લઈ આણંદમાં પણ કોરોના વાયરસના સંક્રમણનું જોખમ રહેલ હોઈ આણંદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરાઈ હોવાના અહેવાલ સાંપડયા છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ગંજબજાર બંધ કરવાના આદેશ કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lgiw5u
ConversionConversion EmoticonEmoticon