વિદ્યાનગરમાં પોલીસ પર પથ્થરમારા કેસમાં મોડી રાત્રે કોમ્બિંગ કરી 60 ને પકડી લેવાયા


આણંદ, તા.6 મે 2020, બુધવાર

ગત તા.૪ મેના રોજ ખંભાતના કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નીપજતા તા.૬ના રોજ રાત્રિના સુમારે તેઓના મૃતદેહને વિદ્યાનગર સ્થિત હરીઓમનગર પાસે આવેલ કૈલાસભૂમિ ખાતે અંતિમક્રિયા માટે લાવવામાં આવતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહની અંતિમ વિધિ કૈલાસભૂમિ ખાતે ન કરવાની માંગ સાથે અડગ રહેલ સ્થાનિકોને પોલીસે સમજાવ્યા બાદ પણ કંઈ નિરાકરણ ન આવતા આખરે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ દ્વારા ટોળાને વિખેરી નાખવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. 

પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા સ્થાનિકોમાં નાસભાગ મચી હતી અને બાદમાં સ્થાનિકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારા દરમ્યાન બે પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે રાત્રિના ૧૧.૩૦ કલાક બાદ મૃતક કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમક્રિયા પૂર્ણ કરી પોલીસ દ્વારા આ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી પોલીસ ઉપર પથ્થરમારો કરનાર આશરે ૬૦થી વધુ શખ્શોને ઘરે-ઘરે ફરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાત ખાતે ઉપરાછાપરી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે ત્યારે ગત તા.૪થી મેના રોજ ખંભાતના એક ૬૩ વર્ષીય કોરોનાગ્રસ્ત પુરૃષનું કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૃણ મોત નીપજ્યું હતુ. જો કે આ કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હોઈ તેઓના મૃતદેહને કરમસદ ખાતે જ રાખવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસ વીતી જતા આખરે તંત્ર દ્વારા મૃતદેહનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સૌપ્રથમ આણંદ શહેરની બોરસદ ચોકડી નજીક આવેલ કૈલાસભૂમિ ખાતે મૃતદેહનો નિકાલ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ ટેકનીકલ ખામી સર્જાવાના કારણે બાદમાં આ મૃતદેહને અગ્નિદાહ આપવા માટે વિદ્યાનગરના હરીઓમનગર વિસ્તારમાં આવેલ કૈલાસભૂમિ ખાતે લઈ જવાનું નક્કી કરાયું હતું. જો કે મંગળવાર રાત્રિના સુમારે એમ્બ્યુલન્સમાં મૃતદેહ સાથે વહીવટી તંત્રની એક ગાડી હરીઓમનગર નજીકના કૈલાસભૂમિ ખાતે પહોંચતા કૈલાસભૂમિ નજીક કેટલાક યુવકો બેઠેલ હોઈ આ યુવકોને અત્રેથી જતા રહેવાનું જણાવાતા શંકા ઉઠી હતી. બાદમાં સ્થાનિકોને આ અંગે જાણ થતા સ્થાનિકોએ આ અંગે તપાસ કરતા કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને સ્મશાન ખાતે અંતિમક્રિયા માટે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો ઉપર હુમલો કરી તોડફોડ મચાવી હતી.

દરમ્યાન વિદ્યાનગર પોલીસ સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી વિરોધ કરી રહેલ સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મૃતદેહને પરત લઈ જાવની માંગ સાથે સ્થાનિકો ટસના મસ ન થતા પોલીસે બળપ્રયોગ કરી ટોળાઓને વિખેરી નાખવા લાઠીચાર્જ કર્યો હતો. બીજી તરફ સ્થાનિકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મોડી રાત સુધી સમગ્ર હરીઓમનગર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આશરે ૬૦થી વધુ શખ્શોને ઝડપી પાડી બે અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SHwjGd
Previous
Next Post »