નડિયાદ, તા.9 મે 2020, શનિવાર
ખેડા જિલ્લાના જુદા જુદા સરકારી આરોગ્ય કેન્દ્રો ઉપર તથા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ૫૬ જેટલી નર્સોને જિલ્લા વહીવટી તંત્રને જાણ બહાર અમદાવાદ સિવિલમાં ફરજ ઉપર મોકલી હોવાનો વિવાદ વકર્યો છે. ગાંધીનગરથી થયેલા ઓર્ડરના બહાના હેઠળ મોકલવામાં આવેલી આ ૫૬ નર્સોને કારણે જિલ્લાના આરોગ્યના કામને બ્રેક વાગી છે. તો બીજી તરફ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવીને પરત ફરેલી નર્સોને સરકારી કોરન્ટાઇલમાં રાખવી કે હોમ કોરન્ટાઇલ કરવી તે બાબતે પણ જુદા જુદા આદેશો થયા છે.
જિલ્લાના વહીવટી તંત્રને ગત્ ૧લી તારીખે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તરફથી એવો આદેશ મળ્યો હતો કે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર તથા ખેડા શહેરની સબ સિવિલ હોસ્પિટલમાંથી ૫૬ નર્સોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ માટે તાત્કાલીક મોકલી આપવી. ખાસ કિસ્સામાં જિલ્લામાંથી અમદાવાદમાં પ્રતિનિયુક્ત કરેલી આ નર્સોને તાત્કાલિક અમદાવાદ પહોંચાડી પણ દેવામાં આવી હતી. અને આ વાતથી જિલ્લા તંત્રના વડાને પણ અજાણ રાખવામાં આવ્યા હતા.
ગઇકાલે અચાનક આ બાબતનો હોબાળો થતા તમામને પરત બોલાવવામાં આવ્યા હતા. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એ ન્યાયે જિલ્લાની નર્સોને અમદાવાદ મોકલીને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી વિવાદમાં સપડાયા છે અને સ્થાનિક નેતાગીરી તથા જિલ્લા કલેક્ટરના રોષનો ભોગ બન્યા છે. કારણ કે એકતરફ ખેડા જિલ્લામાં છેલ્લાં અઠવાડિયાથી કોરોના દર્દીઓની સંખ્યા રોકેટગતિએ વધી રહી છે. નડિયાદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ દરરોજ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. જિલ્લાના દસ પૈકી આઠ તાલુકાઓ કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે. તેમાંય ધોળકા પાસેની કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં ખેડા જિલ્લામાંથી કામ કરવા જતા ૧૦૦થી વધુ વ્યક્તિઓ હાઇરીસ્ક કોરોના શંકાસ્પદ બન્યા છે. દરરોજ ઘેર ઘેર ફરીને આરોગ્ય તંત્ર આવા શંકાસ્પદ દર્દીઓના આરોગ્યની ચકાસણી કરી રહ્યું છે. દિવસના ૧૨-૧૨ કલાક રજા ભોગવ્યા વગર કામ કરતા જિલ્લાના આરોગ્ય તંત્રમાંથી અચાનક ૫૬ જેટલી નર્સોને અમદાવાદ મોકલી દેતા સ્થાનિક હેલ્થ વર્કરોમાં રોષની લાગણી વ્યાપી છે. તેમાં વળી આજે અમદાવાદ સિવિલમાંથી પરત ફરેલી નર્સોને સાત દિવસ સુધી સરકારી કોરન્ટાઇલમાં રાખવાનો આદેશ જિલ્લા આરોગ્ય અધિકારીએ કરતા વિવાદ વકર્યો હતો. આ નર્સોએ નામ નહીં આપવાની શરતે રોષપૂર્વક જણાવ્યું હતું કે એકતરફ અમે અમારો જીવ જોખમમાં મૂકીને અમદાવાદ સિવિલમાં ફરજ બજાવવા સંમત થયા ત્યારે અમને સગવડો આપીને ખબર પૂછવાને બદલે સરકારી કોરન્ટાઇલમાં ધકેલી દેતા ઘણાં નિરાશ થયા છે. જો કે આજે મોડી સાંજે જિલ્લા આરોગ્ય વડાના લેખિત આદેશને બદલીને તાત્કાલિક આ નર્સોને હોમ કોરન્ટાઇલ થવાના આદેશો જિલ્લા વહીવટી તંત્રએ કર્યા હતા.
આથી મોડી સાંજે આખો મામલો થાળે પડયો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SSTWf7
ConversionConversion EmoticonEmoticon