નડિયાદ,તા.14 મે 2020, ગુરુવાર
શ્રી માધવ સેવા ટ્રસ્ટ તથા ખેડા જિલ્લાના રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે કોરોનાની વૈશ્વિક મહામારી સમયે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા છેવાડાના માનવીને સહાયરૂપ થવાની પરંપરા જાળવી રાખી છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસની સંકટની ઘડીમાં સમાજના અગ્રણીઓ, સેવકો, ઉદ્યોગપતિઓ, દાનવીરો વગેરેના સહકારથી સંઘ પ્રેરણાને અનુસરીને જરૂરિયાતમંદોને અનાજ-કરિયાણાની કીટ પહોંચાડવાનો સેવાયજ્ઞા ખેડા જિલ્લાના રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે હાથ ધર્યો છે.
જિલ્લાના સંઘે વિવિધ દસ તાલુકાઓના ગામડાઓમાં છેલ્લાં ઘણાં દિવસોથી એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેમાં જેમની પાસે રેશનકાર્ડ નથી, અન્ય મદદો પહોંચી શકે તેમ નથી, અને રોજ કમાઇને રોજ ખાતા હોય તેવી પરિસ્થિતિમાં જીવનાર પરિવારોની રૂબરૂ તપાસ કરીને એક યાદી તૈયાર કરવામાં આવી છે. અને જેમાં જિલ્લાના ૪૦૦૦ જરૂરિયાતમંદોને માટે ઘર ચલાવવા અનાજ કરિયાણાની સહાય પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ સહાય માટે તૈયાર કરવામાં આવેલી કીટમાં ઘઉં, ચોખા, દાળ, તેલ,કઠોળ,મીઠું, મરચું, હળદર જેવી કુલ મળીને સાડા તેર કીલોની સામગ્રી આપવામાં આવી રહી છે. છેલ્લાં ઘણાં દિવસોથી ચાલતા આ સેવાયજ્ઞામાં જિલ્લાના અનેક શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, દાનવીર ઉદ્યોગપતિઓએ મોટી રકમની અને વિકલ્પે માતબર સામગ્રીની સેવાસહાય આ કાર્ય માટે પૂરી પાડી છે.
આથી છેલ્લાં દસેક દિવસથી સંઘના સમર્પિત પચાસથી વધુ સેવકો આ કીટ બનાવવાની કામગીરી રાતદિવસ કરી રહ્યા છે. અને છેલ્લાં બે દિવસથી વિવિધ તાલુકાઓમાં તેનું વિતરણ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. સમાજના સથવારાથી સમાજના જરૂરિયાતમંદોને અને તેમાંય ખાસ કરીને ગામડાના છેવાડાના પરિવારોને શ્રમયજ્ઞાથી તૈયાર કરેલ અનાજ કરિયાણાની કીટ પહોંચાડવાની કામગીરી ખેડા જિલ્લાના રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.
જિલ્લામાં ક્યાં કેટલી કિટ અપાઈ
નડિયાદ શહેર- ૧૩૦૦, નડિયાદ તાલુકામાં ૩૫૦, કઠલાલ તાલુકામાં ૬૦૦, કપડવંજ તાલુકામાં ૨૦૦, મહુધા તાલુકામાં ૪૦૦, મહેમદાવાદ તાલુકામાં ૨૫૦, ઠાસરા તાલુકામાં ૯૦૦ કીટનું વિતરણ કરવામાં આવનાર છે. ખેડા તથા માતરમાં સ્થાનિક વ્યવસ્થા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dSwzuh
ConversionConversion EmoticonEmoticon