ખુમાનપુરા ગામની સીમમાં ખૂંખાર દીપડાએ મહિલા સહિત 2 વ્યક્તિ પર હુમલો કર્યો


આણંદ, તા.8 મે 2020, શુક્રવાર

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા તાબે આવેલ ખુમાનપુરા ગામે આજે સવારના સુમારે દિપડાએ દેખા દેતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. સવારના સુમારે સીમ વિસ્તારમાં ઘાસચારો લેવા ગયેલ એક મહિલા સહિત અન્ય એક પુરૃષ ઉપર દિપડાએ અચાનક હુમલો કરતા ઘાયલ મહિલાને સારવાર અર્થે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ દિપડો દેખાયો હોવાના સમાચાર વન વિભાગને મળતા વન વિભાગની ટીમ તુરંત જ ખુમાનપુરા ગામે દોડી ગઈ હતી. અને પાંજરૃ ગોઠવી દીપડાને પકડી લીધો હતો.

લોકડાઉનના સમયગાળામાં કાઠિયાવાડ પંથકમાં દિપડા જેવા જંગલી પ્રાણીઓ સીમ વિસ્તારમાં રહેતા ગ્રામજનો ઉપર હુમલો કરતા હોવાના અનેક બનાવો તાજેતરમાં બન્યા છે ત્યારે આજે સવારના સુમારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા તાબે આવેલ ખુમાનપુરા સીમ વિસ્તારમાં એક દિપડાએ આતંક મચાવતા સીમ વિસ્તારના ખેતરમાં ઘાસચારો લેવા ગયેલ એક મહિલા તથા પુરૃષ ઉપર અચાનક હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. ખુમાનપુરા સીમમાં રહેતા શાંતાબેન (ઉં.વ.૪૫) તથા ચંદુભાઈ પરમાર (ઉં.વ.૫૦) આજે સવારના સુમારે ખેતરમાં ઘાસ લેવા ગયા હતા. દરમ્યાન અચાનક જ દિપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. જો કે મહિલા તથા ચંદુભાઈએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દિપડાનો સામનો કરતા દિપડો સીમ વિસ્તારમાં અદ્રશ્ય થઈ ગયો હતો. બીજી તરફ દિપડાના હુમલાથી ઘાયલ થયેલ મહિલાને સારવાર અર્થે તુરંત જ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમ્યાન ગ્રામજનોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ પણ તુરંત જ ખુમાનપુરા ગામે દોડી ગઈ હતી અને પાંજરૃ ગોઠવી દીપડાને પકડી લીધો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ac8908
Previous
Next Post »