નડિયાદ,તા.8 મે 2020, શુક્રવાર
ખેડા જિલ્લામાં આજે કોરોના દર્દીઓનો ગ્રાફ સૌથી ઊંચો થયો છે. કારણ કે જિલ્લામાં એક જ દિવસમાં સાત દર્દીઓ નોંધાયા હોય તેવું પહેલી વખત બન્યું છે. આથી જિલ્લામાં કુલ ૨૮ કોરોના દર્દીઓ નોંધાયા છે. જે પૈકી એકનું મોત નિપજ્યું છે. ચાર સાજા થયા છે, જ્યારે અન્ય ૨૩ સારવાર હેઠળ છે. જિલ્લામાં આજે નોંધાયેલા સાત કોરોના દર્દીઓ પૈકી છ કોરોના દર્દીઓ મેડીકલ વ્યવસાયના દર્દીઓ સાથે સંક્રમિત થયેલા છે.
વળી આ સાત પૈકી છ તો રેડ ઝોન અમદાવાદ જિલ્લામાંથી ખેડા જિલ્લામાં પ્રસર્યા છે. આથી જિલ્લાનું આરોગ્ય અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આજે વધુ એક વખત નડિયાદની મુખ્ય કોરોના હોસ્પિટલનો કર્મચારી પોઝીટીવ આવ્યો છે. તો વળી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની દવાની ફેક્ટરીના વધુ બે વ્યક્તિઓ ખેડા જિલ્લામાં કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં આજે નોંધાયેલા કોરોના પોઝીટીવમાં ખેડા તાલુકો પણ પહેલી વખત ઝડપાયો છે. આથી ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓ પૈેકી હવે ૮ તાલુકાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આજે ખેડા જિલ્લામાં નોંધાયેલા ૭ કોરોના દર્દીઓ પૈકી નડિયાદ તાલુકામાં બે,મહુધા તાલુકામાં એક,મહેમદાવાદ તાલુકામાં બે, ખેડા તાલુકામાં એક અને માતર તાલુકામાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.આ સાત પૈકી નડિયાદ, માતર,ખેડા,મહુધા અને મહેમદાવાદ તાલુકાના છ દર્દીઓ અમદાવાદ રેડઝોનમાંથી સંક્રમિત થઇને આવ્યા છે. જ્યારે એક દર્દી નડિયાદની કોવિડ-૧૯ હોસ્પિટલ એન.ડી.દેસાઇના સફાઇ કામદાર બહેન છે.
સતત બીજા દિવસે અમદાવાદ જિલ્લામાંથી કોરોનાનું ખેડા જિલ્લામાં સંક્રમણ
નડિયાદ, તા.8 મે 2020, શુક્રવાર
ખેડા શહેરમાં રહેતા અને ધોળકા પાસે આવેલ કેડિલા ફાર્મસ્યુટીકલ કંપનીમાં ફરજ બજાવતા મનસ્વી કા.પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ગતરોજ મહુધાના હર્ષદભાઇ પ્રજાપતિ પણ ધોળકાની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હતા અને તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આમ સતત બીજા દિવસે કોરોના પોઝીટીવનુ કનેકશન અમદાવાદ જિલ્લામાંથી બહાર આવ્યું છે. એ જ રીતે માતર તાલુકાના ત્રાજ ગામે રહેતા અને ધોળકા પાસે આવેલ કેડિલા ફાર્મસ્યુટીકલ કંપનીમાં કામ કરતા સુનિલકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલનો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ખેડા જિલ્લામાં ગતરોજ મહુધા અને આજે ખેડા અને માતર તાલુકાના ધોળકા પાસે આવેલ ખાનગી કંપનીમાં કામ કરતા લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
અમદાવાદ સિવિલમાં સારવાર લેવા ગયેલી નડિયાદની યુવતીને કોરોના
નડિયાદ, તા.8 મે 2020, શુક્રવાર
નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં આવેલા રામપુરા વિસ્તારના સાટોડી નાકાએ રહેતા ૧૭ વર્ષના જાગૃતિબેન દિપકભાઇ વાઘેલા કોરોના પોઝીટીવ જાહેર થયા છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી ક્રોનીકલ ફેઇલ્યોરની બિમારી ભોગવતા હતા. આથી ગત્ ૨૮મી તારીખે નડિયાદ સિવિલ ખાતે સારવાર માટે જતા તેમને અમદાવાદ સિવિલ ખાતે રીફર કર્યા હતા. આમ છતાં તેમને થોડા દિવસો ચકલાસી પીએચસી સેન્ટરમાં જ સારવાર લીધા બાદ ગત્ ૨જી મે ના રોજ અમદાવાદ સિવિલ ખાતે સારવાર લેવા ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ વળી વધુ ત્રણ દિવસ ચકલાસી પીએચસી ખાતે જ સારવાર લીધી હતી. ત્યારબાદ ગઇકાલે ફરીથી તેમને અમદાવાદ સિવિલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રીપોર્ટ કઢાવતા તેઓ પોઝીટીવ જાહેર થયા છે. તેમના ઘરના સાતથી વધુ સભ્યો તેમના સંક્રમણમાં આવ્યા હોવાથી તે સૌની પ્રાથમિક આરોગ્ય ચકાસણી હાથ ધરી તેમને કોરન્ટાઇલ કરવાની પ્રક્રિયા મોડી રાત્રે કરવામાં આવી છે.
કોવિડ કેર સેન્ટરમાં સ્વીપર તરીકે ફરજ બજાવતી મહિલાને કોરોના
નડિયાદ, તા.8 મે 2020, શુક્રવાર
નડિયાદના શહેરના મોટાપોરના છેડે આવેલ ચકલાસી ભાગોળમાં રહેતા અને શહેરની એન.ડી.દેસાઇ કોવિડ કેર સેન્ટરમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા ચંદ્રિકાબેન વાઘેલા ઉં.૪૯ નો રીપોર્ટે પોઝીટીવ આવ્યો છે.આ મહિલા કોવિડ કેર સેન્ટરમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતા.આ દરમ્યાન તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી મોટાપોરને છેડેથી ચકલાસી ભાગોળ સુધીનો વિસ્તાર સેનેટાઇઝ કરીને કોરન્ટાઇલ કરવામાં આવ્યો છે. અને મહિલાને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
ધોળકાની કેડીલા ફાર્મામાં કામ કરતા નવાપુરાના શખ્સનો ભાઈ કોરોનાની ઝપટે
નડિયાદ, તા.8 મે 2020, શુક્રવાર
જિલ્લાના તાલુકા મથક મહુધાના નવાપુરામાં ગઇકાલે એક કોરોના પોઝીટીવ દર્દી જાહેર થયા હતા. જેઓ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોળકા હાઇવે ઉપર આવેલ કેડિલા ફાર્મમાં નોકરી કરતા હતા. તેમની સાથે તેમના ભાઇ પણ નોકરી કરતા હતા. આજ રોજ તેમના ભાઇ રણજીતભાઇ પ્રજાપતિ ઉં.૪૭ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આથી તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અને આ વિસ્તારમાં સેનેટાઇઝ તથા કોરન્ટાઇલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદની મહિલા નર્સના પિતા અને કાકીને પણ કોરોના પોઝિટિવ
નડિયાદ, તા.8 મે 2020, શુક્રવાર
આજે મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલ ગામમાં વધુ બે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગઇકાલે કોરોના પોઝીટીવ આવેલ અમદાવાદની મહિલા નર્સના કુટુંબમાં પિતા અને કાકીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જેમાં કાકી સાકરબેન ડાભી ઉં.૪૫ અને પિતા બુધાભાઇ ડાભીનો સમાવેશ થયો છે.આ બંને વ્યક્તિઓઅમદાવાદના દાણીલીમડામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા નર્સ દિપીકાબેનના સંપર્કમાં આવવાના કારણે સંક્રમિત થયા છે. બંને દર્દીઓને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અને તેમના સ્થાનિક વિસ્તારને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dqYukD
ConversionConversion EmoticonEmoticon