લોકડાઉનમાં ઉમરેઠના શીલી ગામે ખેતરમાં ક્રિકેટ રમતા 2 યુવકો ઝડપાયા, 6 ફરાર


આણંદ, તા.8 મે 2020, શુક્રવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામે એક ખેતરમાં કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હોવાની મળેલ ગુપ્ત બાતમીના આધારે ખંભોળજ પોલીસે ઓચિંતો છાપો મારતા યુવકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકડાઉનના સમયમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા હોઈ પોલીસે ઘટના સ્થળેથી બે યુવકોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય છ યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં પણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે અને કોઈપણ ઈસમોએ ભેગા નહી થવા જાહેરનામુ અમલમાં મુકાયું છે. દરમ્યાન ગઈકાલ બપોરના સુમારે ખંભોળજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉમરેઠ તાલુકાના શીલી ગામે આવેલ પેટ્રોલપંપ પાછળ કેટલાક યુવકો એકત્ર થઈ ક્રિકેટ રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે શીલી ગામે ઓચિંતો છાપો મારતા ક્રિકેટ રમી રહેલ યુવકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

 દરમ્યાન પોલીસે વિજયકુમાર ગણપતસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તથા સુરેશભાઈ ઉર્ફે લેલો નટુભાઈ ચૌહાણ (બંને રહે.શીલી)ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય છ જેટલા યુવકો ઘટના સ્થળેથી નાસી છુટયા હતા. જેમાં નટુભાઈ ભલસિંહ ચૌહાણ (રહે.સોના ટેકરી, શીલી), અર્જુનસિંહ વખતસિંહ પરમાર (રહે.સોના ટેકરી, શીલી), જગદીશભાઈ મનુભાઈ ચૌહાણ (રહે.ભાલીયાસર), બચુભાઈ રામાભાઈ ચૌહાણ (રહે.શક્તિનગર, શીલી), અંકિતભાઈ કિશોરસિંહ ચૌહાણ (રહે.શક્તિનગર, શીલી) અને ધવલસિંહ લાલસિંહ ચૌહાણ (રહે.શક્તિનગર, શીલી)નો સમાવેશ થાય છે. 

પોલીસે આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A4hWFk
Previous
Next Post »