ખંભાતમાં કોરોના પોઝિટિવના વધુ 2 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ


આણંદ, તા.20 મે 2020, બુધવાર

લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા છુટછાટો આપવામાં આવતા આણંદ જિલ્લાના ખંભાતના કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાયના વિવિધ વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે આજે ખંભાત ખાતેથી કોરોનાના વધુ બે નવા પોઝીટીવ કેસ નોંધાતા વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગના ખળભળાટી મચી જવા પામી છે. ખંભાતના બે નવા વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ દર્દીઓ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

લોકડાઉન-૪માં સરકાર દ્વારા નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વિવિધ ધંધા-રોજગારોને છુટ આપવાની જાહેરાત કરાયા બાદ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઉમરેઠ, પેટલાદ અને ખંભાતના કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિસ્તારો પૈકી ખંભાતના વોર્ડ નં.૫, ૬ અને ૭ ને જ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં રાખી અન્ય વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાંય છેલ્લા કેટલાક દિવસથી આણંદ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ દર્દીઓનો આંકડો સ્થિર રહેતા જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આજે ખંભાત ખાતેથી કોરોનાના વધુ બે નવા પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ખળભળાટી મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સમગ્ર ખંભાત નગરપાલિકા વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયા બાદ વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસના ઘટતા જતા કેસોને ધ્યાનમાં લઈ ખંભાતના વોર્ડ નં.૫, ૬ અને ૭ને જ કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે ત્યારે ખંભાતના નવા વિસ્તારોમાંથી પ્રકાશમાં આવેલ કોરોનાના પોઝીટીવ કેસોને લઈ જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.

ખંભાતના કંસારીના રહેમતનગર ખાતે રહેતા ૪૫ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે શહેરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતી એક ૫૬ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા આ બંને દર્દીઓને હાલ ખંભાતના કાર્ડીયાક કેર સેન્ટર ખાતે આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. ખંભાતના રહેમતનગર અને ઝંડા ચોક વિસ્તારમાંથી કોરોના કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગની ટીમો તુરંત જ આ વિસ્તારમાં દોડી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો તેમજ તેઓના ક્લોઝ સંપર્કમાં આવનાર વ્યક્તિઓની તપાસ હાથ ધરી આરોગ્ય તપાસણી શરૃ કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ts26eK
Previous
Next Post »